અમરેલી : કોરોના વાયરસના સંભવિત સંક્રમણની સામે લડવા વહીવટી તંત્ર સજ્જ

અમરેલી : કોરોના વાયરસના સંભવિત સંક્રમણની સામે લડવા વહીવટી તંત્ર સજ્જ
Spread the love
  • જિલ્લામાં વહીવટી તંત્રના ૫૦૫૬ કર્મીઓને તાલીમબદ્ધ કરાયા
  • જાહેરમાં થૂંકવાના ૧૭૨ જેટલા કેસ : રૂ. ૩૫૬૫૦/- નો દંડ વસૂલાયો
  • જિલ્લાની કુલ ૧૭૩ કચેરીઓમાં સેનિટેઝેશન કામગીરી કરાઈ
  • આગામી ૨૯ માર્ચ સુધી ઈ ધરા અને જન સેવા કેન્દ્ર બંધ
  • પાનના ગલ્લા, ખાણી પીણીના સ્ટોલ્સ, રેસ્ટોરન્ટ, ચાની લારી, સોડા શોપની દુકાનો બંધ
  • રેસ્ટોરન્ટ/ હોટલોમાં બેસી જમવાની મનાઈ, પાર્સલ સેવા/ હોમ ડિલિવરી આપી શકાશે
  • ચાવંડ ખાતે સુરતથી આવતી અંદાજે ૧૧૦ જેટલી બસોના પેસેન્જરોનું સઘન ચેકીંગ
  • દૂધ, શાકભાજી, કરિયાણું, ફળો જેવી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના વેચાણ પર કોઈ પ્રતિબંધ નથી
  • ઈંડા, મચ્છી કે ચિકન જેવા માંસાહાર પર કોઈ પ્રતિબંધ નથી

અમરેલી,

સમગ્ર વિશ્વની સાથે ભારત સહિત ગુજરાતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધતા જાય છે જેને અટકાવવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેટલાક આદેશો જારી કરવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્રના ૫૦૫૬ કર્મીઓને તાલીમબદ્ધ કરાયા હતા. તંત્ર દ્વારા જાહેરમાં થૂંકવાના ૧૭૨ જેટલા કેસ કરવામાં આવ્યા હતા જેમાં રૂ. ૩૫૬૫૦/- નો દંડ વસૂલાયો હતો. જિલ્લાની કુલ ૧૭૩ કચેરીઓમાં સેનિટેઝેશન કામગીરી કરવામાં આવી હતી.

આગામી ૨૯ માર્ચ સુધી સમગ્ર જિલ્લામાં ઈ-ધરા અને જન સેવા કેન્દ્રો સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવ્યા છે. જિલ્લામાં પાન-માવાના ગલ્લા, ખાણી-પીણીના સ્ટોલ્સ, રેસ્ટોરન્ટ, ચા-સોડાની દુકાનો બંધ કરાવવામાં આવી હતી. જિલ્લાની તમામ હોટલો અને રેસ્ટોરન્ટમાં બેસીને જમવાની મનાઈ ફરમાવવામાં આવી છે પરંતુ પાર્સલ સેવા અને હોમ ડિલિવરી સેવા ઉપલબ્ધ રહેશે. અમરેલી જિલ્લામાં સુરત જેવા શહેરોમાંથી આવતી બસો અને મુસાફરોના સ્ક્રીનિંગ માટે ચાવંડ ખાતે ચેક પોસ્ટ બનાવી અંદાજે ૧૧૦ જેટલી બસોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.

કેટલાક સમય પૂર્વે બહારના રાજ્યો તેમજ દેશોમાંથી અમરેલી જિલ્લામાં આવેલા ઘણા નાગરિકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થયું છે પરંતુ એમનું ફરી હોમ કોરન્ટાઇન કરવાનું રહેશે અને પૂર્ણ થયા બાદ વ્યક્તિઓના પાછળના ભાગે હોમ કોરન્ટાઇનનો સ્ટેમ્પ લગાવવામાં આવશે. હોમ કોરન્ટાઇન પૂર્ણ કરેલી વ્યક્તિ પણ જો ઘરની બહાર નીકળશે તો સરકારે નક્કી કરેલા કોરન્ટાઇન હોમમાં રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દૂધ કે દૂધની બનાવટની કોઈ પણ ચીજવસ્તુઓ, કરિયાણાની ચીજવસ્તુઓ, શાકભાજી, ફળો જેવી જીવન જરૂરિયાતવાળી તમામ ચીજવસ્તુઓ ઉપર કોઈ પણ પ્રતિબંધ નથી.

શહેરો, નગરોમાં તમામ મેડિકલ સ્ટોર પણ ખુલ્લા રહેશે. આ ઉપરાંત ભારત સરકારે જાહેર કર્યું છે એ મુજબ ઈંડા, મચ્છી કે ચિકન જેવા માંસાહારને કોરોના વાયરસના સંક્રમણને કોઈ સીધો સંબંધ ન હોવાથી કોઈ પ્રતિબંધ નથી. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ૨૨ માર્ચના રોજ જનતા કર્ફ્યુ રાખવા માટે આહવાન કર્યું છે ત્યારે જિલ્લા કલેકટરશ્રીએ આજે પ્રજાજોગ સંદેશો પાઠવી લોકોને વહીવટી તંત્રની કામગીરીમાં સહભાગી થવા તેમજ જનતા કર્ફ્યુમાં સહભાગી થવા અપીલ કરી હતી.

માહિતી – સુમિત ગોહિલ
રિપોર્ટ – રસિક વેગડા

Right Click Disabled!