અરવલ્લી જિલ્લામાં કોરોનાનો રિકવરી રેટ ૭૮ ટકા

અરવલ્લી જિલ્લામાં કોરોનાનો રિકવરી રેટ ૭૮ ટકા
Spread the love
  • જિલ્લામાં ત્રણ દિવસમાં ૫૦૦ ગામોમાં ઉકાળા પેકેટ વિતરણ કરાશે
  • જિલ્લામાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત ૧૨૮૪ જળ સંચયના કામો હાથ ધરાશે

અરવલ્લી,
અરવલ્લી જિલ્લામાં શરૂઆતના તબકકે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે જોવા મળ્યું હતુ ત્યારે આરોગ્ય વિભાગની સઘન સારવારથી ૬૨ લોકો કોરોના મુક્ત બન્યા હોવાનું જિલ્લાના કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરે શુક્રવારે કલેકટર કચેરી ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ. કોવિડ-૧૯ અંતર્ગત જિલ્લામાં થયેલ અસરકારક કામગીરીની વાત કરતા ઉમેર્યુ હતુ યોગ્ય સારવારથી કોરોને પણ હરાવી શકાય છે તેથી જ તો બે દિવસ દરમિયાન જિલ્લામાંથી ૪૩ લોકોને રજા આપવામાં આવી છે. જિલ્લા કોરોનાનો રીકવરી રેટ ૭૮ ટકા હોવાનુ પણ તેમણે ઉમેર્યુ હતું.

જિલ્લામાં કોરોના વાયરસના અત્યાર સુધી ૧૪૯૮ સેમ્પલ લેવામાં આવ્યા હતા તે પૈકી ૭૯ લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જેને લઇ અન્ય લોકો સંક્રમણમાં ન આવે તે માટે ૪૫ ગામ-વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પરંતું દર્દીઓ સાજા થતા આવા ૧૩ ગામોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુકિત આપવામાં આવી છે. પરંતુ હાલ જે વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવે છે, તેમાં લોકોને અગવડ ન પડે તે માટે ૮૩૩ લોકોને કરીયાણા કિટસ, ૧૧૯૦ લોકોને દૂધ-શાકભાજી તેમજ ૫૯૪૫ લોકોને રાશનનો જથ્થો ઘર સુધી પહોંચાડવામાં આવ્યો છે. તો જિલ્લામાં NON NFSA ના કાર્ડધારકો પૈકી ૬૪ ટકા લોકોને વિના મૂલ્યે અનાજના જથ્થાનુ વિતરણ કરવામાં આવ્યું છે.

જિલ્લામાં તકેદારીના ભાગરૂપે અત્યારે આરોગ્યની ૪૧૧ ટીમો દ્વારા ૨૬,૫૧૩ ઘરોના ૧,૨૯,૧૧૧ લોકોને ડોર ટુ ડોર સરવે આવરી લેવામાં આવ્યા છે. તેમણે જે વિસ્તારમાં કોરાનો વ્યાપ વધુ જોવા મળ્યો હોય તેવા ગ્રામ્ય વિસ્તારમાં ઉકાળા વિતરણની કામગીરી સધન બનાવવામાં આવી હોવાનુ ઉમેરતાં જણાવ્યુ હતુ કે ત્રણ દિવસ દરમિયાન ૫૦૦ થી વધુ ગામોમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવશે જેથી લોકોની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય.

જિલ્લામાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલ કામની વિગત આપતા જણાવ્યુ હતુ કે જિલ્લામાં ૧૨૮૪ જળ સંચયના કામો હાથ ધરાયા છે તેમાંથી ૭૦ કામ પૂર્ણ કરવામાં આવ્યા છે તો ૩૦૮ કામો પ્રગતિમાં હોવાનુ ઉમેર્યું હતું જેમાં નરેગાના ૨૨ કામોમાં ૭૫૦૦ થી વધુ શ્રમિકોને રોજગારી મળી રહી છે. અરવલ્લી જિલ્લા વાસીઓને ઉનાળા દરમિયાન પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધી ૧૮૮૬ ફરીયાદ મળી છે.તેમાંથી હેન્ડપંપને લગતી ૫૧૦ ફરીયાદોનો ત્વરીત નિકાલ કરવામાં આવ્યો છે. જયારે બાકી રહેતી ૨૩૮ ફરીયાદોનો ત્વરાએ નિકાલ કરવામાં આવશે.

તેમણે અરવલ્લી જિલ્લા વાસીઓને ફરજીયાત માસ્ક પહેરવા, હાથ સેનેટાઇઝ કરવા તેમજ ઘરમાં રહી સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. પત્રકાર પરીષદમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ર્ડા.અનિલ ધામેલીયા, નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે. વલવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.નાયક સહિત મિડીયાના મિત્રો ઉપસ્થિત રહયા હતા.

Right Click Disabled!