આઇપીએલનું ટાઇમટેબલ જાહેર મુંબઈ-ચેન્નઈ વચ્ચે પ્રથમ મુકાબલો

આઇપીએલનું ટાઇમટેબલ જાહેર મુંબઈ-ચેન્નઈ વચ્ચે પ્રથમ મુકાબલો
Spread the love

દુબઈ : વર્ષ ૨૦૨૦ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું સમયપત્રક છેવટે જાહેર કરવામાં આવ્યું છે. પરંપરા જાળવી રાખીને શનિવાર, ૧૯મી સપ્ટેમ્બરની પ્રથમ મૅચ ગયા વખતના વિજેતા મુંબઈ ઇન્ડિયન્સ અને રનર-અપ ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. અબુ ધાબીમાં ૧૩મી સિઝનની આ પહેલી મૅચ ભારતીય સમય મુજબ સાંજે ૭.૩૦ વાગ્યે (યુએઇના સમય પ્રમાણે સાંજે ૬.૦૦ વાગ્યે) શરૂ થશે.આ વખતની આઇપીએલ ૫૩ દિવસની છે જે આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી લાંબી સ્પર્ધા કહેવાશે.ભારતમાં કોવિડ-૧૯ની મહામારીના કિસ્સા બેરોકટોક વધી રહ્યા હોવાથી આ સ્પર્ધા યુએઇમાં રાખવામાં આવી છે. ક્રિકેટજગતની આ સૌથી મોટી અને ખેલાડીઓને સૌથી વધુ પૈસા અપાવતી આ ટી-ટ્વેન્ટી ટુર્નામેન્ટની મૅચો યુએઇમાં ત્રણ સ્થળે (અબુ ધાબી, દુબઈ, શારજાહ) ખાતે રમાશે.

રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સનો અને મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સનો કૅપ્ટન છે. આ બે ટીમ વચ્ચેના પ્રારંભિક મુકાબલા પછી બીજી મૅચ રવિવાર, ૨૦મી સપ્ટેમ્બરે દુબઈમાં દિલ્હી કૅપિટલ્સ તથા કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે (ભારતીય સમય મુજબ સાંજે ૭.૩૦થી) રમાશે. એ પછી દુબઈમાં જ સોમવાર, ૨૧મી સપ્ટેમ્બરનો ત્રીજો મુકાબલો (ભારતીય સમય અનુસાર સાંજે ૭.૩૦થી) રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર તથા સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે થશે. ત્યાર બાદ બાવીસમી સપ્ટેમ્બરે આઇપીએલના યજમાનપદનો લાભ શારજાહને મળશે જેમાં રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે.૧૦ દિવસ એવા હશે જેમાં એક દિવસમાં બે મૅચ (પ્રથમ મૅચ ભારતીય સમય મુજબ બપોરે ૩.૩૦થી અને બીજી મૅચ સાંજે ૭.૩૦થી) રમાવાની છે.

કુલ ૨૪ મૅચ દુબઈમાં, ૨૦ મૅચ અબુ ધાબીમાં અને ૧૨ મૅચ શારજાહમાં રમાશે.સ્પર્ધાની આઠ ટીમ આ મુજબ છે: મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ, રાજસ્થાન રૉયલ્સ, દિલ્હી કૅપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર.કુલ ૪૬ લીગ મૅચનું ટાઇમટેબલ જાહેર કરાયું છે. જે મુજબ દરેક ટીમ બાકીની સાત ટીમ સામે બે-બે લીગ મૅચ રમશે. લીગ રાઉન્ડ બાદ પ્લે-ઑફ રાઉન્ડ શરૂ થશે જેની તારીખ અને સ્થળ હવે પછી જાહેર કરાશે. ફાઇનલ ૧૦મી નવેમ્બરે રમાવાની છે.પ્રારંભિક મૅચના હરીફોમાંથી મુંબઈનો ચેન્નઈથી ચડિયાતો રેકૉર્ડ છે. અત્યાર સુધીમાં મુંબઈએ ૧૭ મૅચમાં ચેન્નઈને હરાવ્યું છે અને ૧૧ મુકાબલામાં પરાજય જોયો છે. મુંબઈ સૌથી વધુ ચાર વાર અને ચેન્નઈ ત્રણ વખત ટાઇટલ જીતી ચૂક્યું છે.

download.jpg

Right Click Disabled!