આજે વિશ્વ વન દિવસ – વડોદરા વન વર્તુળ દ્વારા ચાર જિલ્લામાં વનોની તંદુરસ્તી જાણવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો

આજે વિશ્વ વન દિવસ – વડોદરા વન વર્તુળ દ્વારા ચાર જિલ્લામાં વનોની તંદુરસ્તી જાણવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો
Spread the love
  • વડોદરા વન વર્તુળ હેઠળના વિસ્તારોમાં રગત રોહિડો, કપિલો, ભિલામો અને પીળો કેસુડો જેવા અલભ્ય વૃક્ષોની સંપદા છે..

 

વડોદરા,
તા.૨૧મી માર્ચની વિશ્વ વન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે જૈવિક વિવિધતા અને જંગલોને હાર્દમાં રાખી વન દિવસની ઉજવણી કરવાની છે અને કુદરત જ સર્વોપરી છે એટલે કુદરત, પ્રકૃતિને સાચવો એવી સમજણ લોકોમાં દ્રઢ કરવાની છે.
એક સમયે વડોદરા રાજય દક્ષિણના વનવિસ્તારોનું પ્રવેશ દ્વાર ગણાતું અને તેને અનુલક્ષીને, અન્ય તમામ ખાતાઓનું વડુમથક ગાંધીનગરમાં હોવા છતાં, લાંબા સમય સુધી વન વિભાગનું વડું મથક વડોદરામાં રાખવામાં આવ્યું હતું.
વનની વાત કરીએ તો ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના ૯.૬૬ ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે. આ પૈકી વન વિભાગના વડોદરા વન વર્તુળ હેઠળ, મધ્ય ગુજરાતના ચાર જિલ્લાઓમાં ૩ લાખ ૦૨૭૫૭ હેકટર જમીનમાં વન વિસ્તાર આવેલો છે. આ પૈકી ૧,૬૧૪ હેક્ટરમાં સંરક્ષિત વન, ૨,૮૯,૫૪૫ હેક્ટરમાં આરક્ષિત વન અને ૯,૫૪૪ હેક્ટરમાં અન્ય વનો આવેલા છે. વડોદરા વર્તુળ ઘાસિયા મેદાનો, ગાઢ જંગલો અને ખુલ્લા વનોની વિવિધતાવાળી વનસંપદા ધરાવે છે.
છોટાઉદેપુર, બારીયા, મહીસાગર, ગોધરા અને કેવડીયાના જંગલો ચારોળી, સીતાફળ, ગળો, મામેજવો, ભૃંગરાજ, ચણોઠી, ગુંદર, કાળી જીરી, બાવચી, મધ જેવી ઔષધીય અને અન્ય ગૌણ વન પેદાશોનો ભંડાર છે જે આદિજાતિના જીવન ગુજારો અને રોજગારીનું પણ માધ્યમ છે.
વડોદરા વન વર્તુળ હેઠળના વન વિસ્તારમાં રગત રોહીડો, કપીલો, ભીલામો, લાલ અને પીળો કેસુડો, કુસુમ, ભૂટકો, ગુંદર માટે જાણીતો કડાયો, સલાઈ જેવી કિંમતી વનસ્પતિઓ જોવા મળે છે. ખાસ વાત એ છે કે, વડોદરા વન વર્તુળ દ્વારા તેના કાર્યક્ષેત્ર હેઠળના વનોની તંદુરસ્તી માપવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વન સંરક્ષક આરાધના સાહુના માર્ગદર્શન હેઠળ ત્રણ વર્ષના આ પ્રોજેક્ટ અંતર્ગત વનોની જૈવિક વિવિધતાનો ઇન્ડેક્સ બનાવવાની સાથે ઉપલબ્ધ વિવિધ પ્રકારની વૃક્ષ પ્રજાતિઓ, લુપ્ત થવાના જોખમ હેઠળની વૃક્ષ પ્રજાતિઓ, ઔષધીય ઉપયોગિતા ધરાવતી દુર્લભ પ્રજાતીઓની યાદી બનાવવામાં આવશે. આ અભ્યાસ પ્રોજેક્ટથી પ્રજાતિઓની સમૃદ્ધિ, સઘનતા અને ફ્રિકવન્સીનો બાયો સ્ટેટિકલ એનાલીસિસ સહિતની માહિતી ઉપલબ્ધ બનશે જે વન આવરણના સ્વાસ્થયની ઝાંખી કરાવશે. આ પ્રોજેક્ટ હેઠળ ચાર જિલ્લાના વનોને આવરી લેવાશે.
આ પ્રોજેક્ટ માટેના વન વિજ્ઞાની ડો.વિજય માને જણાવે છે કે, અમારા વન વિસ્તારમાં ગળો, ડોડી, વછનાગ, અનંત મૂળ, માઈ કાંગની જેવી વૃક્ષ પર ચઢતા વેલા સ્વરૂપની અને અનેકવિધ રીતે ઉપયોગી વનસ્પતિ સારા એવા પ્રમાણમાં છે.
આપણા માટે અને ભાવિ પેઢી માટે આપણી વન સંપદાને સાચવવી એ માત્ર વન વિભાગ કે સરકારની જ નહીં, સમગ્ર સમાજની સામુદાયિક જવાબદારી છે. આપણા સંતાનો અને એમના સંતાનોને રંગભર્યા કેસુડા જેવી વનસ્પતિઓ માત્ર ચિત્રમાં જોઈને જ સંતોષ માણવો પડે એવી દુઃખદ પરિસ્થિતિ ટાળવા આજે જંગલ અને એની દુર્લભ વનસ્પતિઓને સાચવવાનો સંકલ્પ લેવો પડશે.

Right Click Disabled!