આદિવાસી વિસ્તારમાં સિકલસેલ એનીમીયા રોગ અટકાવવા આરોગ્ય વિભાગની સઘન કામીગીરી

આદિવાસી વિસ્તારમાં સિકલસેલ એનીમીયા રોગ અટકાવવા આરોગ્ય વિભાગની સઘન કામીગીરી
Spread the love
  • જિલ્લામાં ૩૯૦ થી વધુ દર્દીઓ સિકલસેલ એનીમીયાના, ૧૮ હજાર જેટલાં સિકલસેલ ટ્રેઇટ ધરાવતા વ્યક્તિઓ
  • સિકલસેલથી પિડીત પાંચ સગર્ભા બહેનોની અમદાવાદ તપાસ કરાવી આ રોગને આગળ વધતો અટકાવાયો

પાલનપુર,
રાજ્ય સરકારની આરોગ્ય વિભાગની અનેકવિધ યોજનાઓથી ગરીબ અને મધ્યમ વર્ગના લાખો લોકોના જીવનમાં સુખાકારી આવી છે. બનાસકાંઠા જિલ્લાનો ટ્રાયબલ વિસ્તાર એવા દાંતા અને અમીરગઢ તાલુકાના લોકોમાં વારસાગત સિકલસેલ એનીમીયા નામનો રોગ જોવા મળે છે. આ રોગ વારસાગત હોવાથી લોહીના રક્ત કણોની તપાસ કરાવ્યા બાદ જ તેની જાણકારી મળે છે. પ્રથમ તબક્કામાં સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેની તપાસ કરાવ્યા બાદ સિકલસેલ એનીમીયા જણાય તો વધુ સારવાર માટે જિલ્લાની સીવીલ હોસ્પીટલમાં અને સઘન સારવારની જરૂરીયાત જણાય તો અમદાવાદ સુધી લઈ જવામાં આવતા હોય છે.

બનાસકાંઠા જિલ્લામાં ૩૯૦ થી વધુ દર્દીઓ સિકલસેલ એનીમીયાના છે. ૧૮ હજાર જેટલાં સિકલસેલ ટ્રેઇટ ધરાવતા વ્યક્તિઓ છે. જો એક વ્યક્તિ સિકલસેલ ટ્રેઇટ હોય અને તે સિકલસેલ ટ્રેઇટ મહિલા સાથે લગ્ન કરે તો આવનાર બાળક સિકસસેલ એનીમીયાવાળું પેદા થઇ શકે છે. આ રોગને આગળ વધતો અટકાવવા માટે જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકા સહિત જિલ્લામાં જ્યાં પણ આવા ટ્રેઇટ વ્યક્તિઓ છે તેમને પીળા કલરના કાર્ડ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. અને જે લોકો નોર્મલ છે તેમને સફેદ કલરના કાર્ડ અપાયા છે. સિકલસેલ પોઝીટીવ પીળા કલરના કાર્ડધારકો અન્ય પીળા કલરના કાર્ડધારક સાથે લગ્ન ન કરે તે પણ સમજાવવામાં આવે છે. રાજ્ય સરકારના સિકલસેલ એનીમીયા કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ સિકલસેલના દર્દીઓની તપાસ થી લઇને દવાઓ અને સારવાર સુધીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સરકારના ખાસ અભિયાન હેઠળ તેમની દેખરેખ અને સંભાળ પણ રાખવામાં આવતી હોય છે.
અમીરગઢ તાલુકાના ખારીઝાબા ગામના હંસાબેન અણદાભાઈ ભગોરા, રબારીયા ગામના કમળાબેન ભાવેશભાઇ ડુંગાઇશા અને બાલુન્દ્રા ગામના કાળીબેન રત્નાભાઇ દામા, દાંતા તાલુકાના દાલપુરા ગામના રઝકબેન અમરતભાઇ પારઘી તથા પાલનપુર તાલુકા ગોઢ ગામના આસુબેન દિપકભાઇ સેવણ આ પાંચેય સગર્ભા બહેનોના તેમના સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સિકલસેલ કાઉન્સેલરો દ્વારા ઘરની મુલાકાત લઇ તેમને સિકલસેલ એનીમીયાની તપાસ માટે લઈ જવામાં આવ્યા. તપાસમાં તેઓ સિકલસેલ એનીમીયા રોગથી પિડીત હોવાનું જાણવા મળતાં તેમની અને તેમના પરીવારના સભ્યોની પરિસ્થિતિ જાણી અને તેમના રિપોર્ટ વિશે તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પાંચેય સગર્ભા બહેનો સિકલસેલ પોઝીટીવ આવતાં તેમના પતિઓનું પણ સિકલસેલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. અને પતિઓના પણ રિપોર્ટ પોઝીટીવ આવતાં આ દંપત્તિઓના લોહીના સેમ્પલ લઇ ઇન્ડીયન રેડક્રોસ અમદાવાદ ખાતે ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા. આ પાંચ દંપત્તિઓ સિકલસેલ એનીમીયા ટ્રેઈટ આવતા તેમને રિપોર્ટ વિશેની જાણકારી આપવામાં આવી. સિકલસેલ કાઉન્સેલરશ્રી ચંદ્રિકાબેન પંચાલે આ પાંચેય દંપત્તિઓને તેમની અનુકુળતા મુજબ સરકારી ગાડીમાં અમદાવાદ લઇ જઇ સચી વુમન્સ હોસ્પીટલમાં હંસાબેન, કમળાબેન, કાળીબેન, રઝકબેન અને આસુબેનનું સોનોગ્રાફી કરવામાં આવ્યું. આ બહેનોના ગર્ભમાં રહેલા બાળકની ગાયનેકોલોજીસ્ટે તપાસ કરી કે તેમના ગર્ભમાં રહેલું બાળક સિકલસેલ છે કે કેમ…. અને જો ગર્ભમાં રહેલું બાળક સિકલસેલનું દર્દી હોય તો તેને જન્મ આપી શકાય નહીં. પરંતું સદનસીબે આ બહેનોના ગર્ભમાં રહેલા બાળકો તંદુરસ્ત હતાં. એટલે કે સિકલસેલ એનીમીયાવાળા નહોતા. આ દંપત્તિઓએ આરોગ્યના સ્ટાફના કહેવા પ્રમાણે તમામ રિપોર્ટ કરાવી સિકલસેલ દર્દીઓને જન્મ આપતાં અટકાવી આ રોગને આગળ વધતો અટકાવ્યો છે તથા નવી પહેલ કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે તેમ બનાસકાંઠા જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ર્ડા.એન.કે.ગર્ગે જણાવ્યું હતું.
આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. પ્રત્યેક બાળક તંદુરસ્ત જન્મે તે માટે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી તેની ચિંતા રાજય સરકાર કરે છે ત્યારે સિકલસેલ એનીમીયા નામના રોગને આગળ વધતો અટકાવવા માટે ક્યાંક ને ક્યાંક સમાજે પણ સરકારને આ રીતે સાથ આપવો પડશે તો જ ૧૦૦ ટકા સફળતા મેળવી આ રોગને જડમૂળથી નાબૂદ કરી શકાશે.

Right Click Disabled!