ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગૅરન્ટી સ્કીમનું વિસ્તરણ કરાયું

નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સીતારામને મોટા કદના માઇક્રો, સ્મોલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીઝ (એમએસએમઇ) તથા વ્યાવસાયિકોને શનિવારે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગૅરન્ટી સ્કીમ (ઇસીએલજીએસ)ની મર્યાદાની અંદર ધંધાના હેતુસરની લોનની છૂટ આપી હતી.ઉદ્યોગની માગણીને ધ્યાનમાં રાખીને અને એમએસએમઇની નવી વ્યાખ્યાને લક્ષમાં રાખીને નાણાં મંત્રાલયે આ સ્કીમ હેઠળ લોન મેળવી શકે એવી કંપનીઓ માટેની વાર્ષિક ટર્નઓવરની ટોચમર્યાદા ૧૦૦ કરોડ રૂપિયાથી વધારીને ૨૫૦ કરોડ રૂપિયા કરી છે.
આ યોજના અન્વયે વધુમાં વધુ જેટલી લોન મળી શકશે એનું પ્રમાણ પણ પાંચ કરોડ રૂપિયાથી વધારીને દસ કરોડ કરવામાં આવ્યું છે. સીતારામને વધુમાં કહ્યું હતું કે ‘કાર્યકારી મૂડીના હેતુસરની તથા વિશાળ એમએસએમઇ માટેની વ્યક્તિગત લોનનો સમાવેશ કરવા આ સ્કીમનું જે વિસ્તરણ કરવામાં આવ્યું છે એનાથી ક્રેડિટના ઉપાડમાં એક ટ્રિલ્યન રૂપિયાનો વધારો થવાની શક્યતા છે. આ યોજનામાં એકંદર ટોચમર્યાદા ૩ ટ્રિલ્યન રૂપિયાની છે. ૨૯ જુલાઈ, ૨૦૨૦ના રોજ નોંધાયેલા આંકડા મુજબ આ યોજનામાં અત્યાર સુધીમાં સ્કીમ હેઠળ ૧.૪ ટ્રિલ્યન રૂપિયા મંજૂર કરી દેવાયા છે, જ્યારે ૮૭,૨૨૭ કરોડ રૂપિયાની લોન છૂટી કરી દેવામાં આવી છે.
