ઉનાળાની ગરમીને ધ્યાને લઇ ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

Spread the love
  • સુજલામ-સુફલામ યોજના સાથે પાઇપલાઇનથી જોડાયેલા ઉત્તર ગુજરાતના ૫૫૦ તળાવોમાં
  • તા.૨૦ મી મે થી નર્મદાના નીર અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
  • સૌરાષ્ટ્રમાં “સૌની યોજના” સાથે જોડાયેલા અંદાજે ૨૭ જળાશયો અને ૫૪૭ ચેકડેમ અને તળાવો પણ નર્મદાના નીરથી ભરાશે

ગાંધીનગર,
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં ઉનાળાની ગરમી પ્રવર્તી રહી છે ત્યારે ગામડાઓમાં પશુઓને પીવાનું પાણી તથા અન્ય જરૂરીયાતો પુરી થાય તે માટે ગ્રામ્ય સ્તરે આગામી ૨૦ મી મે થી નર્મદાના નીર દ્વારા તળાવો અને ચેકડેમો ભરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગ્રામ્ય સ્તરે પાણી મળી રહે તે માટે સિંચાઇ વિભાગની માંગણીના આધારે આગામી તા.૨૦ મી મે થી નર્મદાના નીર દ્વારા આ તળાવો ભરાશે જેમાં ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ યોજનાની પાઇપલાઇન સાથે જોડાયેલા ૫૫૦ તળાવો ભરવા માટે ૧૦,૪૬૫ એમ.સી.એફ.ટી. પાણી છોડાશે અને આગામી સમયમાં પણ જેમ જરૂરીયાત ઉભી થશે એ મુજબ પણ પાણી આપવાનું અમારૂ આયોજન છે.

તેમણે ઉમેર્યુ કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ગ્રામ્ય સ્તરે પાણી પહોંચે તે માટે સૌરાષ્ટ્રની મહત્વની એવી “સૌની યોજના” સાથે જોડાયેલા જળાશયો અને ચેકડેમોમાં પણ તા. ૨૦ મી મે થી નર્મદાના નીર દ્વારા ભરવામાં આવશે. જેમાં લીંક-૧ દ્વારા ૧૬ તળાવો, ચેકડેમો, લીંક-૨ દ્વારા ૬ જળાશય અને ૨૯૩ તળાવો ચેકડેમો, લીંક-૩ માં ૬ જળાશયો અને ૫૩ તળાવો ચેકડેમો, લીંક-૪ માં ૧૫ જળાશયો અને ૧૮૫ તળાવો ચેકડેમ મળી અંદાજે કુલ-૨૭ જળાશયો અને ૫૪૭ ચેકડેમો તથા તળાવો ભરવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે, કચ્છમાં પણ ટપ્પર ડેમ દ્વારા નાગરિકોને પીવાના પાણીની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. ત્યારે ટપ્પર ડેમમાં પણ જરૂરીયાત મુજબ જેટલા પાણીની જરૂર હશે એટલું પાણી નર્મદા નિગમ દ્વારા પુરૂ પાડવામાં આવશે.

Right Click Disabled!