એકલવાયું જીવન જીવતા લોકો માટે ટીફીન સેવા બની આશીર્વાદ રૂપ

એકલવાયું જીવન જીવતા લોકો માટે ટીફીન સેવા બની આશીર્વાદ રૂપ
Spread the love
  • મુખ્યમંત્રીશ્રીની સંવેદનસ્પર્શી વડીલ વંદનાને જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા તથા અન્ય સેવાભાવી સંસ્થાઓએ સાચા અર્થમાં સાર્થક કરી
  • જીવન આવશ્યક ચીજવસ્તુનો પૂરવઠો પહોચાડવામાં સહાય કરવામાં આવી રહી છે:-
  • દરરોજના ૧૨૦૦થી વધુ વયોવૃદ્ધ, નિરાધારોને ઘરબેઠા ટિફીન પહોચાડવામાં આવે છેઃ
  • કોરોનાની મહામારી વચ્ચે સરકાર, સ્થાનિક તંત્ર, સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓએ
    સેવાજ્યોત પ્રજ્વલિત રાખી છે

સૂરત
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ લોકડાઉનના સમયે કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઈ રાજ્યના મહાનગરોમાં એકલવાયું જીવન જીવતા નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યકિતઓને ઘેરબેઠા વિનામૂલ્યે ભોજન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવીને અનોખી માનવીય સંવેદના સાથે વડીલ-વંદના કરી છે.
મુખ્યમંત્રીશ્રીના નિર્ણયને યથાર્થ ઠેરવતાં સુરત જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા તથા શહેરની અનેક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી નિરાધાર, વિધવા મહિલાઓ કે જેઓ ઘરે એકલા રહેતા હોય તેઓને ઘરબેઠા ટિફિન પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે. કોઈ ભૂખ્યું ન રહે તે માટે નિ:સહાય વૃદ્ધ વડીલો, વિધવા મહિલાઓ, નિરાધાર વ્યક્તિઓને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારે ગરીબ અને વૃદ્ધજનોને ઘરબેઠા ટિફીન તથા રાશન પહોચાડવાનો નિર્ણય લીધો છે, જેમાં અનેક સેવાભાવી સંસ્થાઓ, જિલ્લા વહીવટીતંત્રના સફળ પ્રયાસો થકી હજારો નિરાધારોને રાશન કિટ્સ પૂરી પાડવામાં આવી છે.

શહેરમાં રોજ ૧૨૦૦ થી વધુ ગરીબ અને નિરાધાર એકલા રહેતા વયોવૃદ્ધ, મહિલાઓને ઘરે ઘરે ટિફીન પહોંચાડવાની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા તથા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી રહી છે.
અડાજણ વિસ્તારમાં રહેતા ૭૧ વર્ષીય વૃદ્ધ વિધવા મહિલા સાધનાબેન વર્ષોથી એકલવાયું જીવન ગુજારે છે. તેમની સાથે એક મંદબુધ્ધિની દીકરી પણ રહે છે. એકલવાયુ જીવન જીવતા વૃદ્ધ માજીને લોકડાઉન થતા ઘરમાં રાશનપાણી ખૂટ્યાં હતા. જેથી તેઓએ સુરત મહાનગરપાલિકાનો સંપર્ક સાધતા તેઓને ૧૦થી વધુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથેની કિટ્સ મળી. પાલિકાની ત્વરિત સેવા બદલ તેમણે ખૂબ આભારની લાગણી વ્યકત કરી હતી.

શહેરના ઉધના ગામ ખાતે રહેતા અને એકલવાયું જીવન જીવતા ૫૭ વર્ષીય અશોકભાઈ અમૃતલાલને ઘરેબેઠા ટિફીન પહોચાડવામાં આવે છે. અશોકભાઈ કહે છે કે, હું સંચાખાતામાં છુટક મજુરીનું કામ કરીને ગુજરાન ચલાવું છું. લોકડાઉનના કારણે બહાર જઈ શકાતુ નથી. એકલો રહેતો હોવાથી ખાવા-પીવાની ઘણી તકલીફ પડતી હતી. મિત્રની મદદથી જાણવા મળ્યું કે, રાજ્ય સરકાર દ્વારા એકલવાયું જીવન જીવતા લોકોને ઘરબેઠા ટિફીન પહોચાડવામાં આવે છે જેથી ફોન પર સંપર્ક સાધતા મહાનગરપાલિકાના કર્મચારીઓ બે ટાઈમ જમવાનું મારા ઘરે આવીને આપી જાય છે. તેઓએ લોકડાઉનના કપરા સમયે વૃદ્ધો વડીલોને ઘરે બેઠા ભોજનની સુવિધા પુરી પાડવા બદલ સરકારની કામગીરીને બિરદાવી હતી.
સુરત શહેરના એકતાનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા શ્રીમતિ પિન્કીબેને જણાવ્યું હતું કે, મારા પતિનો એક મહિના પહેલા થયેલા અકસ્માતમાં પગમાં ગંભીર ઈજા થવાના કારણે તેઓ ખાટલાવશ છે. લોકડાઉનની કપરી પરિસ્થિતિ વચ્ચે ઘરમાં કંઇ ખાવા-પીવાનું ન હતું. મારા દિકરા-દીકરી તથા વૃદ્ધ સાસુ-સસરા સાથે રહીએ છીએ. આવા સમયે હેલ્પલાઈન પર ફોન કરતા મહાનરગપાલિકા દ્વારા ઘરેબેઠા રાશનકિટ્સ આપવામાં આવી છે. અમારા જેવા ગરીબો માટે રાજ્ય સરકાર લોકડાઉનના સમયે ઉત્તમ સેવાકાર્ય કરી રહી છે, જે બદલ પિન્કીબેને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

પાંડેસરાના ગણેશનગર ખાતે રહેતા ૬૬ વર્ષીય હસમુખભાઈ પ્રજાપતિએ આભારની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, લોકડાઉનના સમયે પણ મને બન્ને ટાઈમ ભોજન મળી રહે છે. રાજ્ય સરકાર લોકોને કોરોનાથી બચાવવા માટે નિરંતર કામ કરી રહી છે, સાથે સાથે મારા જેવા વૃદ્ધ લોકોની પણ કાળજી લઇ રહી છે. આવા વિકટ સમયે પણ સરકાર અમારી પડખે રહી છે તેનો આનંદ તેમણે વ્યકત કર્યો હતો.
પાંડેસરાના સંતોષનગર ખાતે રહેતા વિધવા બહેન વંદનાબેન નંદનકરે જણાવ્યું કે, હું મારા બે સંતાનો સાથે રહું છું. છુટક કામ કરીને પરિવારનું ગુજરાન ચલાઉ છું. લોકડાઉનના કારણે ઘરમાં ખાવા-પીવાની ધણી તકલીફ પડી રહી હોવાથી પાલિકાનો સંપર્ક સાધતા અમોને બન્ને ટાઈમ ઘરબેઠા ભોજન આપવામાં આવે છે. પોતાના જેવી ગરીબ મહિલાને ઘરબેઠા ભોજનની સગવડ કરવા બદલ વંદનાબેને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના રહેવાસી અને હાલ સુરત શહેરના ડીંડોલીના નવાગામ ખાતે રહેતા અન્ય એક જરૂરિયાતમંદ પવનકુમાર સોનીએ જણાવ્યું કે, હું મારા પત્નિ અને ત્રણ સંતાનો સાથે ભાડાના મકાનમાં રહું છું. લોકડાઉનના કારણે પરિસ્થિતિ ઘણી કપરી આવી પડી છે. ઘરમાં રાશનપાણી ખૂટ્યાં હતા. જેના કારણે જિલ્લાના તંત્ર દ્વારા અમોને રાશનની કિટ્સ આપવામાં આવી છે. જેથી હવે અમોને ખાવા-પીવાની કોઈ તકલીફ નથી. પવનકુમારે ઉમદા માનવીય સેવા પ્રવૃત્તિ કરવા રાજ્ય સરકાર અને સુરત મહાનરગપાલિકાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
કોરોનાની મહામારી વચ્ચે સુરત જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા તથા અન્ય ૪૦૦થી વધુ સેવાભાવી સંસ્થાઓ, દાતાઓએ ખભેખભા મિલાવી પરસ્પર સહયોગથી સૂરતમાં દરરોજ લાખો ભૂખ્યાજનોને ભોજન, રાશન કિટ્સ, ફૂડપેકેટ વિતરણથી માંડીને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓની જ્યોત પ્રજ્વલિત રાખી છે.

Right Click Disabled!