કરુણા અને જીવદયાને વરેલી રાજ્ય સરકારની નવી પહેલ

કરુણા અને જીવદયાને વરેલી રાજ્ય સરકારની નવી પહેલ
Spread the love
  • માનવ સારવાર માટેની 108 જેવી તાત્કાલિક પશુ સારવાર માટેની 1962 ની સેવા હેઠળ વડોદરા જિલ્લા ને પ્રથમ તબક્કામાં 3 ફરતા પશુ દવાખાના ફાળવવામાં આવ્યા
  • તબક્કાવાર 17 ફરતા પશુ દવાખાના જિલ્લાને મળશે

વડોદરા,
ગુજરાત સરકાર જીવદયા અને કરુણાને વરેલી છે.એના પગલે મૂંગા જીવોની જીવન રક્ષા માટે વ્યાપક કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે.આ કરુણા અભિયાનના જાણે કે એક સશક્ત કદમના રૂપમાં રાજ્ય સરકારના પશુપાલન વિભાગે,મુખ્ય મંત્રીશ્રી અને નાયબ મુખ્ય મંત્રીશ્રી ના પીઠબળ થી તાત્કાલિક માનવ સારવાર માટેની 108 સેવા જેવી જ પશુઓની જીવન રક્ષક સારવાર માટે ટેલિફોન નં.1962 આધારિત ફરતા પશુ દવાખાનાની પહેલરૂપ સેવા શરૂ કરી છે.આ સેવા પણ 108 ના સેવા દાતા જીવીકે ઇ.એમ.આર.આઇ.ના સહયોગ થી શરૂ કરવામાં આવી છે.જેમાં પશુપાલકો 1962 પર કોલ કરી પોતાના વિસ્તારના ફરતા પશુ દવાખાના ની એટલે કે એટલે કે 1962 એનિમલ ઇમરજન્સી સેવાની વિનામૂલ્યે પશુ સારવાર સેવા મેળવી શકશે. વડોદરા જિલ્લાના નાયબ પશુપાલન નિયામક શ્રી ભગોરા એ જણાવ્યું કે પ્રથમ તબક્કામાં વડોદરા જિલ્લાના 3 ફરતા પશુ દવાખાનાની સેવા 1962 હેઠળ મળશે.પશુ ચિકિત્સા રથ કહી શકાય એવું આ ફરતું દવાખાનું એને ફાળવવામાં આવેલા 10 ગામોમાં 1962 નં.પર કોલને આધારે સેવા આપશે.

હાલના તબક્કામાં વડોદરાને મળનારા ત્રણ ફરતા પશુ દવાખાના પૈકી એક કરજણ તાલુકાના કણભા,બીજું વડોદરા તાલુકાના નંદેસરી,અને ત્રીજું સાવલી તાલુકાના વેમાર ખાતે રહીને આસપાસના નિર્ધારિત 10 ગામોમાં પશુ સારવાર સેવાઓ વિનામૂલ્યે આપશે. આમ,પ્રથમ તબક્કામાં વડોદરા જિલ્લાના 30 ગામોને 1962 એનિમલ ઇમરજન્સી સર્વિસ એટલે કે તાત્કાલિક પશુ સારવાર સેવાઓનો લાભ મળશે. શ્રી ભગોરા એ જણાવ્યું કે બીજા તબક્કામાં વડોદરા જિલ્લાને વધુ 6 અને ત્રીજા તબક્કામાં વધુ 8 મળીને કુલ 17 ફરતા પશુ દવાખાના ફાળવવામાં આવશે જે તેની સાથે જોડવામાં આવનારા જિલ્લાના કુલ 170 ગામોના પશુપાલકોના પશુઓની વિનામૂલ્યે અને ઘેર બેઠાં આરોગ્ય સંભાળ લેશે. યાદ રહે કે જે ગામોનો આ સેવા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો હશે એ ગામોના પશુપાલકો જ 1962 ને કોલ કરીને સેવાઓ નો લાભ લઇ શકશે.હાલમાં જે ગામોની આસપાસ સરકારી કે અન્ય સંસ્થાઓના પશુ દવાખાના ઉપલબ્ધ નથી એવા ગામોને આ સેવા દ્વારા તાત્કાલિક પશુ સારવારની સુવિધા આપવાને આ આયોજનમાં અગ્રતા આપવામાં આવી છે.1962 ના વાહનોમાં જીપીએસ લગાવેલું હોવાથી, આ સેવાનું સી.એમ.ડેસ્ક બોર્ડ થી રિયલ ટાઈમ મોનીટરીંગ થઈ શકે છે.

આ મોબાઇલ એનિમલ હોસ્પીટલ માં એક પશુ ચિકિત્સક અને એક વાહન ચાલક સહ મદદનીશ સેવાઓ આપશે.સવારના 7 વાગ્યા થી સાંજના 7 વાગ્યા સુધી 1962 પર કોલ કરીને જે તે વિસ્તારના પશુપાલકો પશુ સારવાર સેવા લઈ શકશે.આ વાહનમાં જરૂરી દવાઓ રાખવામાં આવશે,નાની શસ્ત્ર ક્રિયાઓ અને ગાયનેક સહિત વિવિધ પ્રકારની સારવારની આ હરતી ફરતી સુવિધા પશુ આરોગ્યની સંભાળ લેવાની સાથે કટોકટી ના સંજોગોમાં જીવન રક્ષક બની રહેશે.રાજ્ય સરકારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 460 ફરતા 1962 પશુ દવાખાના દ્વારા તબક્કાવાર 4600 ગામોના પશુપાલકોને પશુ આરોગ્ય સંભાળની સુવિધા આપવાનું આયોજન કર્યું છે.

Right Click Disabled!