કાંદા કરશે હાહાકાર…?

કાંદા કરશે હાહાકાર…?
Spread the love
  • ૩૦ હજાર ટન જેટલા કાંદા મુંબઈની ગોદીમાં નિકાસ માટે તૈયાર પડ્યા છે જો નિકાસ નહીં થાય તો બગડી જશે અથવા સ્થાનિક માર્કેટમાં ભાવ તૂટી જશે

મુંબઈ : મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં કાંદાને લીધે રાજ્યમાં હાહાકાર થઈ શકે છે. દેશની સૌથી મોટી કાંદાની માર્કેટ નાશિક જિલ્લાના લાસલગાંવ માં આવેલી છે અને આખા દેશના કાંદાના ઉત્પાદનના કુલ ૮૦ ટકા કાંદા એકલા મહારાષ્ટ્રમાં ઉત્પાદન થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા કાંદાની નિકાસ પર અચાનક જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવાથી રાજ્યના કાંદાના ઉત્પાદક ખેડૂતોની હાલત કફોડી થવાની શક્યતા છે. એનસીપીના પ્રવક્તા મહેશ તાપસેએ જણાવ્યું હતું કે અને વિવિધ બંદરો પર અંદાજે ૧૫-૨૫ હજાર ટન કાંદા નિકાસ માટે તૈયાર પડ્યા છે અને બીજા કાંદા નિકાસ માટે ગોદી તરફ જવાના માર્ગે છે.

બધું મળીને અત્યારે નિકાસના ઓર્ડર મળેલા ૩૦,૦૦૦ ટન કાંદા નિકાસ બંધ થવાને લીધે અટકી પડ્યા છે. તેમણે એવો દાવો કર્યો હતો કે આ કાંદાની જો નિકાસ નહીં થાય અને ગોદીમાં જ અટવાઈ પડ્યા તો તે ખરાબ થઈ જશે અને જો આ કાંદાને સ્થાનિક બજારમાં વેચવા માટે મૂકવામાં આવશે તો અહીંની બજારોમાં કાંદાના ભાવમાં મોટો કડાકો થઈ જશે અને તેને કારણે ખેડૂતોને પાણીના ભાવે કાંદા વેચવાનો વારો આવશે. આવી સ્થિતિની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વિવિધ સ્થળે કાંદાના ઉત્પાદક ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમણે એવી પણ માહિતી આપી હતી કે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ સાથે ચર્ચા કરી હતી.

પિયુષ ગોયલે શરદ પવારને એવી ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર ગ્રાહક મંત્રાલય, નાણા મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલય સાથે મળીને કાંદાની નિકાસના મુદ્દે ચર્ચા કરશે અને ત્યારબાદ આ અંગે ફેરવિચાર કરવામાં આવશે આ પહેલા શરદ પવારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર ફેરવિચાર કરવાની માગણી કરતાં જણાવ્યું હતું કે આવી રીતે અચાનક પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાથી દુનિયામાં ભારતનું નામ બિનભરોસાપાત્ર પુરવઠાદાર તરીકે બદનામ થશે અને તેનો લાભ પાકિસ્તાન જેવા દેશને મળશે. અહીં ઉલ્લેખનીય છે કે ગ્રાહક મંત્રાલયે કાંદાની સ્થાનિક બજારની કિંમતોમાં અચાનક ૩૭ ટકા જેટલો વધારો જોયા બાદ નિકાસ પર નિયંત્રણ મૂકવાનો નિર્ણય લીધો હતો.

content_image_26ff76b2-d436-481d-9a25-703efc89a67a.jpg

Right Click Disabled!