કોરોના વાયરસના પગલે મહેસાણા જિલ્લાના વિવિધ નિયમોનું પાલન કરવા આદેશ

Spread the love

મહેસાણા,
કોરોના વાયરસ (COVID-20) ની ભવિષ્યની અસરોને પહોંચી વળવા તથા રોગ અટકાયત અને નિંયત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડીસીઝ એક્ટ ૧૮૯૭ અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા Gujarat Epidemic Disease COVID-2019 Regulation 2020 લાગુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ,નોડલ ઓફિસર કોવિડ-૨૦૧૯ કેન્ટેનમેન્ટ-વ-જિલ્લા મેજીસ્ટ્રેટને મળેલ સત્તાની રૂએ જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નીચે મુજબના હુકમોનું પાલન કરવાનો આદેશ કરેલ છે.
જિલ્લામાં તમામ જિમ્નેશિયમ/ વોટરપાર્ક, ઓડીટોરીયમ, એમ્યુઝમેન્ટ પાર્ક/પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્નવાડી, ગેમ ઝોન, રીક્રીયેશનલ ક્લબ, કોચીંગ, ટ્યુશન ક્લાસ તાત્કાલીક અસરથી સંપૂર્ણપણે તા-૩૧ માર્ચ ૨૦૨૦ સુધી બંધ રાખવાના રહેશે.
જિલ્લામાં ખાનગી પ્રેક્ટીસ કરતાં તમામ મેડીકલ, હોમિયોપેથિક, આયુર્વેદીક દવાખાના,ખાનગી હોસ્પિટલોમાં કોરોના લક્ષણો ધરાવતો કોઇ પણ શંકાસ્પદ દર્દી જણાય કે કોરોના સંબધિત રીપોર્ટ પોઝીટીવ આવે તો રાજ્ય સરકારમાં હેલ્પલાઇન નંબર-૧૦૪ ઉપર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી(સી.ડી.એચ.ઓ) કે નજીકની સરકારી હોસ્પિટલના તબીબને તેની તુર્તજ જાણ કરવાની રહેશે.
મહેસાણા જિલ્લામાં આવેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ હસ્તકની તમામ બસોને નિયમિત રીતે સાફ કરવા અને સ્વચ્છતાના ધારા-ધોરણ જળવાઇ રહે તે મુજબની કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવેલ છે. આ અંગેનો તમામ ખર્ચ જે તે વિભાગે, કચેરીએ પોતાના ફંડ માંથી કરવાનો રહેશે.
આ રોગના ફેલાવો અટકાવવા બાબતે કોઇ પણ પ્રકારની અફવાઓ તથા બિનઅધિકૃત માહિતી કોઇ પણ વ્યક્તિ, સંસ્થા, ઓર્ગેનાઇઝેશન કોઇ પણ પ્રકારના ઇલોક્ટ્રોનિક-પ્રિન્ટ મિડીયા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની પૂર્વ મંજૂરી વગર પ્રસિધ્ધ કરી શકશે નહી. જેની ચુસ્ત અમલવારી કરવાની રહેશે
કોઇ પણ વ્યક્તિને જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ ફરમાવામાં આવે છે. જેની અમલવારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા (નગરપાલિકા,ગ્રામ પંચાયત) દ્વારા સુનિશ્ર્ચિત કરવાની રહેશે અને જાહેરમાં થુંકવાના પ્રતિબંધનો અમલ ન કરનાર વ્યક્તિ પોસેથી રૂ. ૫૦૦/- દંડની વસુલાત કરવાની રહેશે. જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ સંકલિત દૈનિક રીપોર્ટ સબંધિત તાલુકા હેલ્થ ઓફિસરશ્રીને મોકલી આપવાનો રહેશે.
પ્રજાજનોએ વધુ ભીડભાડવાડા સ્થળે ન જવા માટે અપીલ કરવામાં આવે છે. રાજ્ય બહાર, દેશ બહાર અનિર્વાય સંજોગો સિવાય મુસાફરી ટાળવી. મોટા શહેરો, મહાનગરોમાં ભીડ ભાડના સ્થળોએ જવાનું ટાળવા અપીલ કરવામાં આવેલ છે. સરકારી કચેરીઓમાં અનિર્વાય સંજોગો સિવાય ટાળવું તેમજ જેમ બને તેમ ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવેલ છે. જાહેર આરોગ્યના હિતમાં સામુહિક, સામાજીક, ધાર્મિક સંમેલનો, મેળાવડાઓ, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો એકઠા થતા હોય તે યોજવા પર તા-૩૧ માર્ચ ૨૦૨૦ સુધી પ્રતિબંધ ફરમાવામાં આવે છે.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ ૧૩૫(૩) મુજબ તથા ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની કલમ ૧૮૮ અનુંસાર સજાને પાત્ર થશે તેમ નોડલ ઓફિસર (કોવિડ-૨૦૧૯ કેન્ટેનમેન્ટ)-વ- કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે

Right Click Disabled!