કોલેજની પરીક્ષાઓ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી કોરોના વચ્ચે કોલેજના છેલ્લા વર્ષની યુજીસી પરીક્ષાઓ યોજવા વિરુદ્ધ કરાયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે 6 જુલાઈની ગાઈડલાઈન્સને યોગ્ય ગણી છે. કોર્ટે કહ્યું કે, રાજ્યોને પરીક્ષાને રદ કરવાનો અધિકાર છે, પણ વિદ્યાર્થીઓ પરીક્ષા વગર પ્રમોટ નહીં થાય. જો કે, હાલની સ્થિતિમાં ડેડલાઈનને આગળ વધારવા અને નવી તારીખો માટે રાજ્ય યુજીસી સાથે વાત કરીને નિર્ણય લઈ શકે છે.
જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમઆર શાહની બેંચે નિર્ણય સંભાળવતા કહ્યું કે, આ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. દેશમાં હાયર એજ્યુકેશનના સ્ટાન્ડર્ડને પણ જાળવી રાખવું જરૂરી છે.જો કે કોર્ટે રાજ્યોને થોડી રાહત આપતા કહ્યું કે, મહામારીના કારણે તેઓ પરીક્ષાનું આયોજન નથી કરતા તો નવી તારીખ માટે યુજીસી પાસે સલાહ લેવી પડશે.
રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પરીક્ષાઓની ડેડલાઈન આગળ વધારવા અંગે નિર્ણય લઈ શકે છે, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખતા યુજીસી ની ગાઈડલાઈન્સ પ્રમાણે જ ચાલવું પડશે.રાજ્યોએ પરીક્ષા રદ કરવાનો નિર્ણય જાતે જ લઈ લીધો હતો યુનિવર્સિટી અને અન્ય હાયર એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂશન્સમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષ અથવા સેમેસ્ટરની પરીક્ષાઓને 30 સપ્ટેમ્બર સુધી યોજવાની યુજીસીની ગાઈડલાઈનને પડકારતી અરજીઓ અંગે 18 ઓગસ્ટે છેલ્લી સુનાવણી કરી હતી.
પરંતુ એ દિવસે કોર્ટે નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો. આ દરમિયાન મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ, દિલ્હી અને ઓરિસ્સાની દલીલો પણ સાંભળવામાં આવી હતી. આ રાજ્યોએ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય જાતે જ કર્યો હતો. સુનાવણી દરમિયાન યુજીસીએ આ રાજ્યોના નિર્ણયને કાયદા વિરુદ્ધ ગણાવ્યો હતો. સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં કહ્યું કે, અંતિમ વર્ષની પરીક્ષા યોજવી જ વિદ્યાર્થીઓના હિતમાં છે. સરકાર તરફથી યુજીસી નો પક્ષ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ રાખ્યો હતો. તેમણે જણાવ્યું કે, પરીક્ષાના કેસમાં નિયમ બનાવવાનો અધિકાર યુજીસી પાસે જ છે.
