ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભગવો લહેરાયો

નડિયાદ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખના પદ માટેની આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ૧૬ કોંગી સભ્યોની સામે ૨૮ ભાજપી સભ્યોના સમર્થન મળતા નયનાબેન પટેલે બીજા અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ પદ જાળવી રાખ્યું છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે પણ ભાજપના જ બાબુભાઇ પરમારને વિજયી જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં ભાજપનો વિજય થતા સમર્થકોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો હર્ષ વ્યક્ત કર્યો હતો.
યોજાયેલી ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ જિલ્લા વિકાસ અધિકારીની કચેરી ખાતે ભરાયા હતા. જેમાં પ્રમુખ માટે ભાજપના નયનાબેન પટેલે બીજી ટર્મ માટે ફોર્મ ભર્યું હતું. જ્યારે ગત્ ટર્મના ઉપપ્રમુખ અજીતસિંહ ડાભીને બદલે બાબુભાઇ પરમારને તક આપવામાં આવી હતી. આ જ રીતે કોંગ્રેસમાંથી પ્રમુખ માટે બાબુભાઇ સોલંકી અને ઉપપ્રમુખ માટે રમીલાબેન ભોજાણીએ ફોર્મ ભર્યા હતા.
આમ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે કુલ ૪ ફોર્મ ભરાયા હતા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઇ ગઇ. આ ચૂંટણીમાં કુલ ૪૪ સભ્યોમાંથી ભાજપના ૨૮ સભ્યો અને કોંગ્રેસના ૧૬ સભ્યો હતા. નયનાબેન પટેલને પ્રમુખ પદ માટે અને બાબુભાઇને ઉપપ્રમુખ પદ માટે ભાજના ૨૮ સભ્યોએ હાથ ઊંચા કરી પોતાનું સમર્થન આપ્યું હતું. બીજીતરફ કોંગ્રેસમાં ૧૬ સભ્યો હોવાથી ભાજપી ઉમેદવારોનો વિજય થયો હતો અંતે ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટરે પ્રમુખ પદ માટે બંનેને વિજયી જાહેર કર્યા હતા આ ચૂંટણીમાં ભાજપી ઉમેદવારોનો વિજય થતા ભાજપ કાર્યાલયે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો
