ગરીબોના કલ્યાણ માટે જનધન યોજના ગૅમ-ચેન્જર : મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર્ર મોદીએ છ વર્ષ અગાઉ શરૂ કરાવેલી પ્રધાનમંત્રી જનધન યોજનાએ સફળતાપૂર્વક છ વર્ષ પૂરા કર્યા છે અને અત્યાર સુધીમાં ૪૦.૩૫ કરોડ વ્યક્તિને આ યોજનાનો લાભ મળ્યો હોવાની વાત જાહેર કરવામાં આવી હતી. વડા પ્રધાન મોદીએ આ વિશે ટ્વિટર પર જણાવ્યું હતું કે જે વ્યક્તિના ખાતા બૅન્કમાં નહોતા એમને માટે છ વર્ષ અગાઉ આજનાં દિવસે પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી હતી. આ મહત્ત્વાકાંક્ષી યોજના ગૅમ-ચેન્જર સાબિત થઇ છે. ગરીબી હટાવવાની અનેક યોજનાઓ સાકાર કરવામાં આ યોજનાએ પાયાના પથ્થર જેવું કામ કર્યું છે અને કરોડો વ્યક્તિને આનો લાભ મળ્યો છે.મોદીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજનાનો આભાર. આ યોજનાએ સેંકડો કુટુંબોના ભવિષ્ય સુરક્ષિત કર્યાં છે.
આ યોજનાના મોટાભાગના લાભકર્તા ગ્રામીણ વિસ્તારના લોકો અને મહિલાઓ છે. પ્રધાનમંત્રી જનધન યોજનાને સફળ બનાવવા માટે થાક્યા વગર કામ કરનારા બધી જ વ્યક્તિને પણ હું અભિનંદન આપું છું.એમણે જાહેર કરેલા ગ્રાફિકમાં ૪૦ કરોડથી વધુ ખાતા આ યોજના હેઠળ ખોલવામાં આવ્યા હોવાની અને એમાંથી ૬૩ ટકાથી વધુ ખાતા ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોના હોવાની વાત દર્શાવવામાં આવી છે. એમાંથી ૫૫ ટકા ખાતાધારક વ્યક્તિ મહિલાઓ છે.સરકારે જણાવ્યું હતું કે આ યોજનાને લીધે તેઓ કલ્યાણ યોજનાઓના લાભ સીધા લાભકર્તાના ખાતામાં જમા કરાવી શકે છે.
દરમિયાન, નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સીધા લાભો ટ્રાંસફર કરવાના હોય કે કોવિડ-૧૯ માટે નાણાકીય સહાયતા હોય, પીએમ-કિસાન યોજનાના લાભ આપવાના હોય, મનરેગા યોજના હેઠળ વેતનભથ્થુ વધારવાનું હોય કે જીવન અને સ્વાસ્થ્ય વીમા કવરના લાભ ટ્રાંસફર કરવાના હોય કે પછી ગૅસની સબસિડીના નાણાં હોય આ બધા માટેનું પહેલું પગલું એ હતું કે દરેક વયસ્ક વ્યક્તિનું બૅન્કમાં ખાતું હોવું જોઇએ અને પ્રધાનમંત્રી જનધન યોજનાએ એ કામ મહદ્અંશે પૂર્ણ કરી બતાવ્યું છે. સરકારની પ્રાથમિકતા નાણાકીય સમાવેશ કરવાની છે અને એની મદદથી સંયુક્ત વિકાસ સાધી શકાય છે.
રાજ્ય કક્ષાના નાણા પ્રધાન અનુરાગ ઠાકુરે પણ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આ યોજનાએ કરોડો લોકોના હાથમાં સરકારી યોજનાના લાભ બૅન્ક ખાતાના માધ્યમથી સીધા પહોંચાડયા છે.આજે કોવિડ-૧૯ના કાળમાં આપણે જોઇ રહ્યા છે કે સમાજના આર્થિક રીતે નબળા વર્ગને આ યોજનાની મદદથી નાણાકીય સુરક્ષા ત્વરિત મળી રહી છે.ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજનાના નાણાકીય સમાવેશે કરોડો ગરીબોના જીવનમાં ક્રાંતિકારી વિકાસની લહેર રેલાવી છે.
ઉત્તરાખંડના ૧૭,૫૨,૫૩૬ ગ્રામીણ ક્ષેત્રના લાભકર્તા અને ૮,૯૨,૯૧૧ શહેરના લાભકર્તા મળીને કુલ ૨૬,૪૫,૪૪૭ લાભકર્તા આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. સંયુક્ત રીતે આ લાભકર્તાના ખાતામાં અત્યારે રૂ. ૧,૩૪૫.૪૨ કરોડ જમા છે. ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ મોદી સરકારની શરૂઆતની મોટી યોજનાઓમાંથી આ યોજના અગ્રણીસ્થાને હતી. આ યોજના હેઠળ કરોડો વ્યક્તિના બૅન્ક ખાતા ખોલવામાં આવ્યા હતા અને એમાંથી મોટાભાગની વ્યક્તિ એવી હતી કે જેઓ કદી બૅન્કમાં ગઇ નહોતી કે જેની પાસે બૅન્કમાં ખાતા નહોતા.
