ગરીબો માટેના 110 ટન ચોખા પકડાયા

સરકાર દ્વારા ગરીબો માટે ઉપલબ્ધ કરાવાતું અનાજ નવી મુંબઈની ખુલ્લી બજારમાં બારોબાર વેચવાના આરોપસર પનવેલ પોલીસે એક ગુજરાતી સહિત ત્રણ આરોપીની ગઈ કાલે ધરપકડ કરી હતી. બાતમીને આધારે પનવેલ પોલીસે પળસ્કેમાં આવેલા રૅશનના ગોડાઉન ટેક કૅર લૉજિસ્ટિક્સમાં દરોડો પાડ્યો હતો. આરોપીઓ પાસેથી ૩૩ લાખ રૂપિયાના ચોખા મળી આવ્યા હતા.પોલીસે કરેલી તપાસમાં જણાયું હતું કે ચોખા સોલાપુરથી ચાર કન્ટેનરમાં ભરીને લવાયા બાદ તે કથિત રીતે ઓપન બજારમાં વેચવામાં આવ્યા હતા.
આ મામલામાં પોલીસે સોલાપુરના રહેવાસી ભીમાશંકર ખાડે, ઇકબાલ કાઝી અને ગોડાઉનના માલિક લક્ષ્મણ પટેલની ૧૧૦ ટન ચોખા ગેરકાયદે વેચવાના આરોપસર ધરપકડ કરી હતી.પનવેલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અજયકુમાર લાંડગેના જણાવ્યા મુજબ આરોપીઓ રૅશનમાં આપવા માટેના ચોખા ખરીદીને નવી મુંબઈમાં વેચવા માટે લાવ્યા હતા. તેમણે આ પહેલાં પણ આવી રીતે અનાજના કાળાબજાર કર્યાં છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે. ત્રણેય આરાપીની એસેન્સિયલ કૉમોડિટીઝ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરીને ધરપકડ કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંકટમાં ગરીબો માટે ભરપૂર માત્રામાં અનાજ છૂટું કરાયું છે, જે મહિનામાં બે વખત રૅશનની દુકાનમાં ફ્રીમાં વિતરીત કરાય છે. જોકે લોકો જ્યારે આવી દુકાનોમાં અનાજ લેવા જાય છે ત્યારે એ ખતમ થઈ ગયું હોવાનો જવાબ મળે છે, જ્યારે બીજી તરફ આ અનાજ બારોબાર ઓપન બજારમાં વેચી નખાતું હોવાની ફરિયાદો મળી રહી છે.
