ગાંધીનગરને પ્રથમ રાષ્ટ્રપતિ એવોર્ડ અપાવનાર નિવૃત શિક્ષિકા ઇન્દુમતિબેન નિમાવતની ચિરવિદાય

ગાંધીનગરને પ્રથમ રાષ્ટ્રપતિ એવોર્ડ અપાવનાર નિવૃત શિક્ષિકા ઇન્દુમતિબેન નિમાવતની ચિરવિદાય
Spread the love

ગાંધીનગરમાં સરકારી શાળામાં શિક્ષિકા તરીકે લોકપ્રિયતા હાંસલ કરનાર અને શહેરને પૂર્વ રાષ્ટ્રપતિ અેપીજે અબ્દુલ કલામના હસ્તે સૌપ્રથમ રાષ્ટ્રપતિ એવોર્ડનું ગૌરવ અપાવનાર માસ્ટર એથ્લેટ શ્રીમતી ઇન્દુમતિબેન નૌતમલાલ નિમાવતનું ૭૩ વર્ષની વયે ગુરુવારે બપોરે ટૂંકી માંદગીના અંતે દુ:ખદ નિધન થવા પામ્યું હતું. સદગતની અંતિમક્રિયા સરગાસણ રુદ્રભૂમિ સ્મશાન ખાતે પ્રવર્તમાન સ્થિતિને અનુરૂપ મર્યાદિત વ્યક્તિઓની હાજરીમાં સંપન્ન કરવામાં આવી હતી. સ્વ. ઇન્દુમતિબેન નિમાવત ગાંધીનગરના પ્રતિષ્ઠાલબ્ધ શિક્ષિકા રહી ચૂક્યા છે અને તેઓ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગાંધીનગર જીલ્લામાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનીત થયા હતા. આ સાથે તેઓ વિવિધ મહિલા ઉત્થાન પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત રમતગમત ક્ષેત્રે પણ ખુબ જ પ્રવૃત એથ્લેટ હતા.

તેમણે નિવૃતિ પછી પણ એથ્લેટિક્સ ક્ષેત્રે રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક મેડલ્સ જીતીને ગાંધીનગરને ગૌરવ અપાવ્યું છે જેમાં તેમણે દોડ અને ગોળફેંક જેવી રમતોમાં આશરે ૩૫ જેટલા ગોલ્ડ મેડલ્સ, ૨૫ જેટલા સિલ્વર મેડલ્સ અને ૧૦થી વધુ કાંસ્ય પદકોનો પ્રાપ્ત કર્યા હતા. છેલ્લો પદક તેમણે ગત જાન્યુઆરી માસમાં જ રાજ્યકક્ષાએ મેળવ્યો હતો. તેઓ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવવા સાથે ગાંધીનગરમાં મહિલા સશક્તિકરણની મિસાલ બની અનેક માટે પ્રેરણારૂપ બન્યા હતા. તેમનો સાલસ અને હસમુખો સ્વભાવ તથા તેમની હમેશા કોઈપણ જરૂરિયાતમંદને મદદરૂપ થવાની તત્પરતાને કારણે તેઓ ખુબજ લોકપ્રિય બની રહ્યા હતા.

ગાંધીનગરની સંસ્થા ઉદગમ ચેરિટેબલ દ્વારા પણ તેમને મહિલા ગૌરવ પુરસ્કાર સહિત અનેક સંસ્થાઓ તેમજ તેમના સમાજ દ્વારા સન્માનીત કરવામાં આવી ચૂક્યા છે. સ્વ. ઇન્દુબેન નિમાવત ગાંધીનગરના પત્રકાર તથા સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા કશ્યપ નિમાવત તથા જાણીતા નાટયકાર તથા કટાર લેખક કુંતલ નિમાવતના માતૃશ્રી હતા. તેમના પતિ નૌતમલાલ જે. નિમાવત વિધાનસભાના નિવૃત નાયબ સચિવ છે. સ્વ. ઇન્દુબેન નિમાવત તેમની પાછળ પોતાના પતિ નૌતમલાલ, બે પુત્રો અને પુત્રવધુઅો, પૌત્ર-પૌત્રીને રડતાં મૂકી ગયા છે.

લોકાર્પણ પરિવાર તેઓને અશ્રુભીની અંજલિ પાઠવે છે.
Right Click Disabled!