ગાંધીનગરમાં બનશે વિશ્વનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ

ગાંધીનગરમાં બનશે વિશ્વનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ
Spread the love

ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું બાલભવન નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે હાલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક શાહપુર ગામ અને રતનપુર ગામ વચ્ચે 30 એકર જમીન ફાળવી છે. આશરે 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પાંચ વર્ષના અંતે તૈયાર થશે. ‘ટોયઝ મ્યુઝિયમ’ બાલભવનનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે કારણ કે, અહીં દેશના ખૂણે ખૂણેથી 11 લાખથી પણ વધુ પ્રાચીન અને આધુનિક રમકડાં લાવી પ્રદર્શનમાં મુકાશે. ભારતમાં થયેલા વિજ્ઞાની, કલાકારો, શહીદો, મહાપુરુષો, ગગનયાન, વિવિધ મિસાઈલ્સ, EVM મશીન, 1857નો સ્વતંત્રતા સંગ્રામ, અંગ્રેજો સામેની લડાઈની ઝાંખી દર્શાવતા રમકડાંઓના માધ્યમથી બાળકોને રમત-ગમતની સાથે સંસ્કાર આપવાનું કામ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કરશે.

વિશ્વમાં ક્યાંય ના હોય એવું બાલ ભવન ગુજરાતમાં બનાવવા વડાપ્રધાને 22 ઓગસ્ટે ઓનલાઈન મીટિંગ યોજી હતી જેમા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને આવતા બે મહિના સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે પ્રેઝન્ટેશન રજૂ કરવા સૂચના મળી છે. વડાપ્રધાન પ્લાનને મંજૂરી આપે પછી ભૂમિપૂજન માટે તેઓ પોતે આવશે. વ્યક્તિ નિર્માણ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અગત્યનો ભાગ ભજવી શકશે તેમ વડાપ્રધાને મીટિંગમાં કહ્યું હતું. તેમણે કહ્યું કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આ બાબતે જેટલી તાકાત હોય તેટલી લગાવી દે. આ પ્રોજેક્ટમાં તમામ મંત્રાલયોને પણ પૂરક મદદ પુરી પાડવા સૂચના અપાઈ હતી.

ટોય મ્યુઝિયમની વિશેષતાઓ

  • બજેટઃ 1500 કરોડ (બાલ ભવન)
  • જમીનઃ 30 એકર (ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને આપવા જાહેરાત કરી)
  • સમયઃ 5 વર્ષમાં કામ પૂર્ણ થશે
  • સ્થળઃ ગિફ્ટ સિટીથી ઉત્તરનો ભાગ – શાહપુર ગામ અને રતનપુર ગામની વચ્ચેની જગ્યા

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પોતાનો અભ્યાસક્રમ બનાવશે

બાલ ભવનમાં બાયોલોજી, કેમિસ્ટ્રિ અને ફિઝિક્સને લગતા મહત્તમ વિજ્ઞાનના પ્રયોગો પર ભાર મૂકાશે. અહીં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણે માધ્યમની શાળા બનશે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પોતાનો અભ્યાક્રમ ડિઝાઈન કરશે. વિજ્ઞાનમાં રસ ધરાવતા ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સ્પેસ સાયન્સ, કમ્પ્યૂટર સાયન્સ, નેનો ટેક્નોલોજી, એગ્રોનોમી સહિતના સાયન્ટિફિક વિષયોનો પ્રેક્ટિકલ અભ્યાસ કરી શકે તે માટે વર્લ્ડ ક્લાસની પ્રયોગશાળા બનાવાશે. વિદ્યાર્થીઓને ભાષા શીખવી હશે તો વધારાના ક્લાસ ભણી શકશે. વિદ્યાર્થીઓ માટે વિશાળ હોસ્ટેલ અને બહુમાળી વહીવટી બિલ્ડિંગનું નિર્માણ થશે.

ઓનલાઈન ગેમ્સ વિકસાવાશે

યુવાનોમાં ઓનલાઈન ગેમ રમવાનું ચલણ ઘણું વધ્યું છે. માનસિક વિકૃત બનાવતી આ વિવિધ ઓનલાઈન ગેમ્સ ઘણી વખત જીવ માટે જોખમી સાબીત થાય છે. આવી વિદેશી ગેમ્સની સામે ભારતીય ઓનલાઈન ગેમ્સ શરૂ કરવામાં આવશે. જેમાં ભારતીય પાત્રો પર ભાર મૂકવામાં આવશે.

મોદીએ વ્યક્તિગત રસ દાખવીને બેઠક યોજીને સૂચનાઓ આપી

22 ઓગસ્ટે યોજાયેલ ઓનલાઈન મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, પીયુષ ગોયલ, રમેશલાલ પોખરિયાલ તેમજ સંલગ્ન વિભાગના પ્રિન્સિપાલ સેક્રટરી ઉપસ્થિત રહ્યાં હતા. આ મીટિંગમાં ગુજરાતમાંથી એકમાત્ર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હર્ષદ શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. વડાપ્રધાને પ્રોજેક્ટ અંગે વ્યક્તિગત રસ દાખવીને ડૉ. શાહને સીધી સૂચનાઓ આપી હતી.

દેશી તથા વૈજ્ઞાનિક રમકડા બનશે, ઇસરો-DRDOની પણ મદદ લેવાશે

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી રમકડાનું શાસ્ત્ર વિકસાવશે. અહીં મનોવૈજ્ઞાનિક સંશોધન બાદ સાંસ્કૃતિક અને વિજ્ઞાનને પ્રોત્સાહક રમકડાંનું નિર્માણ થશે દેશના જુદાજુદા રાજ્યો અને ગામડાના બાળકો જે રમકડા રમે છે તે રમકડા પાછળનો ઈતિહાસ અને મહત્ત્વ સમજાવાશે. ડીઆરડીઓ અને ઈસરોની મદદથી ઈલેક્ટ્રોનિક, બેટરી અને સોલર આધારિત નાના-નાના યાન, પૃથ્વી મિસાઈલ, અગ્નિ મિસાઈલ, સેટેલાઈટ વગેરે તૈયાર થશે.

USAમાં હાલ વિશ્વનું સૌથી મોટું ‘ટોયઝ મ્યુઝિયમ’ છે

યુ.એસ.એ. ના બ્રાન્સર મીસોરી સ્ટેટમાં વિશ્વનું સૌથી મોટું ‘ટોયઝ મ્યુઝિયમ’ છે. આ મ્યુઝિયમમાં હાલ 10 લાખથી વધુ પ્રાચીન અને આધુનિક રમકડાં મુકાયેલા છે. આશરે 30 હજાર ચોરસ મીટર જગ્યામાં જુદાજુદા સાત વિભાગમાં આ ‘ટોયઝ મ્યુઝિયમ’ પથરાયેલું છે. ચાઈનાના વાર્ષિક 2500 કરોડના બિઝનેસને તોડી ભારતને આત્મનિર્ભર બનાવવાનો પ્લાન અંદાજ મુજબ દર વર્ષે 2500 કરોડથી વધારેના રમકડાં ચાઈનાથી ભારતમાં આયાત થાય છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માધ્યમથી ચાઈનાના રમકડાં માર્કેટને તોડવાનો સરકારનો પ્લાન હોવાનું નિષ્ણાતો કહે છે. ભારતીય ઉત્પાદકોને રમકડાંના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવાની પણ યોજના છે.

બાળભવન પર PMની સીધી દેખરેખ

આગામી બે મહિનામાં બાળ ભવનનો પ્લાન તૈયાર કરી વડાપ્રધાન સમક્ષ રજૂ કરવાનો છે. વડાપ્રધાન પ્લાનને મંજૂરી આપે પછી ભૂમીપૂજન કરી પ્રોજેક્ટ નિર્માણની કામગીરી શરૂ થશે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ સરકાર પાસે 100 એકર જગ્યા માંગી છે.

orig_toy_1598738957.jpg

Right Click Disabled!