ગેસ એજન્સીના ડિલિવરીમેન 40 હજારની છેતરપિંડી કરી

- લીકેજ હોવાનું કહી ૧૫ બાટલા પાછા લીધા બાદ પરત ન કર્યા
જામનગર દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સ્થિત એક ગેસ એજન્સીના ડીલેવરીમેનએ જુદા જુદા ગ્રાહકોને આપવાનો ગેસના પંદર સિલેન્ડર લીકેજ હોવાનું કહીને પાછા લીધા બાદ પરત ન કરીને વિશ્વાસઘાત અને છેતરપીંડી આચર્યાનો મામલો પોલીસ દફતરે પહોંચ્યો છે. જેમાં પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં.૫૦ વિસ્તારમાં આવેલા મહાવીર ગેસ એજન્સીના મેનેજર વિરલભાઇ કિર્તીભાઇ પોતાની એજન્સીમાં ડીલેવરીમેન તરીકે કામ કરતા મહમદ રફીક હુસેનમિયા સૈયદ સામે ગ્રાહકોને આપવાના જુદા જુદા ગેસ સિલિન્ડરો પૈકી પંદર બાટલો લીકેજ હોવાનું કહી સંબંધિત ગ્રાહકો પાસેથી પાછા લીધા બાદ તેને પરત ન કરી રૂ. ૪૦,૫૦૦ની છેતરપીંડી આચર્યાની ફરિયાદ સીટી એ પોલીસમાં નોંધાવી છે.
જે ફરીયાદના આધારે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી લાપત્તા મનાતા આરોપી ડીલેવરીમેનની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ લગભગ દોઢેક માસ પૂર્વે બન્યો હોવાનું સામે આવ્યુ. છે.જ્યારે આરોપી લાંબા સમયથી એજન્સીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
– રોહિત મેરાણી (જામનગર)
