ચૂંટણીમાં રેલીની મંજૂરી મળે છે તો નવરાત્રી અને ગણેશ વિસર્જનની કેમ નહીં ?

- ગણેશ વિસર્જન-નવરાત્રી માટે હાઇકોર્ટમાં થઇ અરજી
અમદાવાદ: ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના રાજકીય પ્રવાસ દરમિયાન ઠેર ઠેર કોરોના ગાઇડ લાઇનનો ભંગ થયા બાદ હજુ સુધી આ અંગે કોઇ નક્કર પગલા ભરાયા નથી જ્યારે ધાર્મિક મંદિરો અને સ્થળોએ લોકો સામે નિયમ ભંગના પગલા ભરવમાં પોલીસ સહેજ પણ કચાસ રાખતી નથી ત્યારે લોકો હવે પોલીસ અને તંત્રના આ બેવડા વલણ સામે સવાલો ઉઠાવી રહ્યાં છે.
રાજકીય રેલીઓની મંજૂરી મળતી હોય તો નિયમોના પાલન સાથે ગણપતિ વિસર્જન અને નવરાત્રીની ઉજવણીની મંજૂરી કેમ નહીં એ મુદ્દો હવે હાઇકોર્ટમાં અરજી થઇ છે. અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં મંજૂરી માગતી અરજીમા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ચૂંટણીમાં રેલીની મંજૂરી મળે છે તો નવરાત્રી અને ગણેશ વિસર્જનની કેમ નહીં? સોશિયલ ડિસ્ટન્સ સાથે વિસર્જનની મંજૂરી આપો. ૫૦ ખેલૈયાઓ સાથે નવરાત્રીની મંજૂરી માગવામાં આવી છે.
સરકારે અનલોક બાદ સોશિયલ ડિસ્ટન્સ સાથે વેપાર ધંધા શરૂ કરવાની મંજૂરી આપી છે તેવા જ નિયમ સાથે નવરાત્રી કરવાની મંજૂરી આપો. તળાવમાં વિસર્જન માટે ૨ થી ૩ લોકોને મંજૂરી આપવા દાદ માગી છે. અનલોક ૪માં લગ્નમાં વધુ લોકોને હાજર રહેવાની મંજૂરી મળતી હોય તો નવરાત્રી તો આપણી પરંપરા અને સંસ્કૃતિ છે તેને મર્યાદિત ખૈલૈયા સાથે મંજૂરી મળવી જોઇએ. રાજકીય પક્ષો રેલી માટે હજારો લોકોને ભેગા કરી શકતા હોય તો તહેવાર માટે શા માટે મંજૂરી નથી મળતી. સરકારે બેવડાં ધોરણ રાખી શકે નહીં.
