ચૂંટણીમાં વ્હીપનો અનાદર કરનાર વિરૂધ્ધ પગલા ન લેવાતા ચર્ચાઓ

ચૂંટણીમાં વ્હીપનો અનાદર કરનાર વિરૂધ્ધ પગલા ન લેવાતા ચર્ચાઓ
Spread the love

આણંદ પાસેના કરમસદ ગામની નગરપાલિકાના ઉપપ્રમુખની ચુંટણી દરમ્યાન વ્હિપનો અનાદર કરી ઉપપ્રમુખપદે અન્ય ઉમેદવારની પસંદગી કરનાર પાલિકાના સોળ જેટલા સભ્યો વિરૂધ્ધ પક્ષ દ્વારા શિસ્તભંગની કાર્યવાહી ન કરાઈ હોવાની ચર્ચાઓ સાથે સ્થાનિક રાજકારણમાં અનેક પ્રકારના તર્કવિતર્કો ચર્ચાની એરણે ચડયા છે. વ્હિપનો અનાદર કરનાર સોળ સભ્યોને ઉચ્ચ કક્ષાએથી પક્ષનું તેડુ અવ્યા બાદ પણ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ઘીના ઠામમાં ઘી ઠારવાના ખેલ રચાયા હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.

વધુમાં મળતી માહિતી મુજબ સરદાર સાહેબની કર્મભૂમિ કરમસદ ખાતે ગત તા. ૨૪મીના રોજ નગરપાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખની ચુંટણીઓ યોજાઈ હતી. જેમાં ભાજપ શાસિત પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે કાઉન્સીલરને વ્હિપ આપવામાં અવ્યો હતો. જો કે સોળ જેટલા સભ્યોએ ચૂંટણી ટાણે ઉપપ્રમુખપદની નિયુક્તિ માટે ભાજપના અગ્રણીઓની હાજરીમાં વ્હિપનો અનાદર કરી ભાજપના અન્ય હરીફ ઉમેદવારને મત આપી ઉપપ્રમુખપદે વિજયી બનાવ્યા હતા. ત્યારબાદ આ અંગે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવતા પ્રદેશ કક્ષાએથી વ્હિપનો અનાદર કરનાર સભ્યોને તેડું આવ્યું હતું.

જો કે રાજકીય કાવાદાવા વચ્ચે થોડા દિવસ પૂર્વે જ ઉપપ્રમુખપદે ચૂંટાઈ આવેલ ઉમેદવારે અચાનક રાજીનામું ધરી દેતા સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. શિસ્ત અને પારદર્શક વહિવટ માટે આગ્રહી એવા ભાજપ પક્ષ દ્વારા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા મહિલા ઉમેદવારને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હોવાનું સ્થાનિક કક્ષાએ ચર્ચાઈ રહ્યું છે. તો બીજી તરફ રાજ્યના વિવિધ સ્થળોએ થયેલ ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ દ્વારા શિસ્તભંગના પગલાં લેવાયા હતા ત્યારે કરમસદ નગરપાલિકાના ઉપપ્રમુખની ચુંટણીમાં વ્હિપનો અનાદર કરનાર સોળ સભ્યો સામે હજી સુધી શિસ્તભંગના પગલા કેમ લેવાયા નથી તે સવાલને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ એરણે ચડી છે.

content_image_2ea26de1-2db8-4791-b4cf-2707eda4840c.jpg

Right Click Disabled!