ચૂંટણીમાં સહકાર પેનલના તમામ ઉમેદવાર વિજેતા

સુરત આક્ષેપ-પ્રતિ આક્ષેપો વચ્ચે બે દાયકા બાદ ચેમ્બર ઓફ કોમર્સની યોજાયેલી મેનેજીંગ કમિટીની ચૂંટણીમાં માજી પ્રમુખો પ્રેરિત સહકાર પેનલના મેનેજીંગ કમિટીની લાઈફ મેમ્બર કેટેગરી માટે ઉમેદવારી કરનાર તમામ 44 ઉમેદવારો વિજેતા થયા હતા. જયારે ચીફ પેટ્રર્નમાં પણ સહકાર પેનલના 10 ઉમેદવારો ચૂંટાય આવ્યા હતા. બીજી તરફ પરિવર્તન પેનલના 4 ઉમેદવારો પૈકી 3ની ડિપોઝીટ પણ ડૂલ થઇ ગઇ હતી. વર્ષોથી ચેમ્બર ઓફ કોમર્સના નવી ટર્મના પ્રમુખ ચૂંટાય પછી મેનેજીંગ કમિટીના સભ્યોનું સિલેકશન કરવામાં આવે છે.
જેમાં 44 લાઈફ મેમ્બર, 10 ચીફ પેટ્રર્ન અને 6 પેટ્રર્ન કેટેગરીમાં સિલેકશન કરીને કમિટી તૈયાર કરવામાં આવે છે. પરંતુ આ વખતે મેનેજીંગ કમિટીમાં સ્થાન મેળવવા સ્વતંત્ર રીતે આગળ આવેલા 4 ઉમેદવારોના કારણે મેનેજીંગ કમિટીની લાઈફ મેમ્બરની 44ની સીટ સામે 48 ઉમેદવારો જ્યારે ચીફ પેટ્રર્નમાં 10 સીટ સામે 11 ઉમેદવારોએ ઉમેદવારી કરતા ચૂંટણી યોજવાની ફરજ પડી હતી. પરિણામે ચૂંટણીને ટાળવા માટે માજી પ્રમુખો અને ચેમ્બરના સિનિયર મેમ્બર્સ દ્વારા ફોર્મ વિડ્રો કરાવવા ઉમેદવારોને મનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
બીજી તરફ ચેમ્બરના માજી પ્રમુખો પ્રેરિત સહકાર પેનલમાં માજી પ્રમુખોના સંબંધીઓ અને માનીતાઓને સ્થાન આપવાની સાથે નવી ટર્મના ભાવિ ઉપપ્રમુખ પદ્દના દાવેદાર ગણાતા એવા પાંડેસરા વીવર્સ સોસાયટીના પ્રમુખ આશિષ ગુજરાતી ઉપર મેનેજીંગ ચૂંટણી પૂર્વે પરિવર્તન પેનલ દ્વારા ગેરેરીતીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જો કે માજી પ્રમુખોના ગ્રૃપ દ્વારા વિરોધીઓ ચૂંટણી ટાણે ખોટા વિવાદો ઉભા કરતા હોવાના પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા હતા. દરમ્યાનમાં આક્ષેપ-પ્રતિ આક્ષેપ વચ્ચે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ચૂંટણી યોજાય હતી સોશ્યિલ ડિસ્ટન્સીંગના પાલન માટે કુલ 30 જેટલા બુથ ઉભા કરવામાં આવ્યા હતા અને મતદારોને પોતાની બોલપેનનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
