ચૂંટણી પહેલાં લ્હાણી : બિહારમાં 7 યોજનાનું ઉદ્ઘાટન

ચૂંટણી પહેલાં લ્હાણી : બિહારમાં 7 યોજનાનું ઉદ્ઘાટન
Spread the love

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની ૫૪૧ કરોડની સાત યોજનાનું ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું આ સાથે બિહારના દરભંગામાં ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ એઇમ્સ શરૂ કરવા માટે કેબિનેટે મંજૂરી આપી હતી. આ પ્રસંગે બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે બિહારમાં કેન્દ્ર સરકારની બધી જ યોજનાઓ સમયસર પૂરી કરવાનું આશ્ર્વાસન આપ્યું હતું. આ પ્રસંગે મોદીએ છોકરીઓને શિક્ષણ, સ્થાનિક પંચાયત અને વિકાસકાર્યોમાં વંચિત સમાજના લોકોને સ્થાન આપવા જેવા કાર્યો બદલ રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી. કોઇનું નામ લીધા વગર મોદીએ અગાઉની બિહારની સરકારોની ટીકા કરતા જણાવ્યું હતું કે વૉટબૅન્કની રાજનીતિ અને પોતાના સ્વાર્થ માટે તેઓ પ્રશાસન ભૂલ્યા હતા. પાછલા પંદર વર્ષ બિહારમાં લાલુપ્રસાદ યાદવની આરજેડી અને કૉંગ્રેસની સરકારો હતી.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસકાર્યો માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે મળીને દિવસરાત કામ કરી રહી છે. બિહારના ૨૦થી વધુ શહેર ગંગાકિનારે વસ્યા હોવાની વાતને ધ્યાનમાં રાખીને મોદીએ જણાવ્યું હતું કે પવિત્ર ગંગાને સાફ રાખવા માટે રાજ્યમાં ૬૦૦૦ કરોડથી વધુની ૫૦થી વધુ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. કુમારે આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની અમૃત યોજના અને અન્ય યોજનાઓનો રાજ્યમાં યોગ્ય રીતે અમલ કરવામાં આવશે. પ્રધાન મંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ૧૨૬૪ કરોડના ખર્ચે દરભંગામાં એઇમ્સ શરૂ કરવામાં આવશે. એઇમ્સને લીધે ૧૦૦ એમબીબીએસની સીટ, ૬૦ બી.એસ.સી. નર્સિંગની સીટનો વધારો થશે અને ૧૫-૨૦ સુપર સ્પેશિયાલિટી વિભાગ તથા ૭૫૦ હૉસ્પિટલ બૅડ્સની વ્યવસ્થા કરવામાં આવશે.

modi-education-conf_d.jpg

Right Click Disabled!