જંગલમાં રક્ષાબંધન : બાળવાર્તા

જંગલમાં રક્ષાબંધન : બાળવાર્તા
Spread the love

હાથીવનમાં હાથીઓની વસ્તી ભારે. તેથી જંગલ નું નામ પડ્યું હાથીવન પણ તેમાં વાઘ સિંહ દીપડો ફ્રીજ સસલુ શિયાળ કાગડો ,કાબર ,મોર ,પોપટ ,કોયલ… તમામ પશુ-પંખી સંપીને રહેતા હતાં.

હાથીવનમાં હાથીદાદાની એક સરસ નિશાળ. ટેકરી નીચે ઝાડની ઘટામાં આ નિશાળ ચાલે. એમાં ભણવા આવવાનું ફરજિયાત. જો કોઈએ પણ રજા પાડી, તો હાથીદાદા સીધા એના ઘરે જઈને ઊભા રહે.વર્ગમાં હાથી દાદા અવનવું ભણાવે અને જાતજાતની પ્રવૃત્તિઓ કરાવે.

આખા વર્ગમાં કોયલ બધાથી હોંશિયાર. રોજ સવારે પ્રાર્થના એ જ કરાવે.ગાવાનું કે વાંચવાનું હોય, તોપણ કોયલનો નંબર પહેલો આવે કાગડાભાઈ નો અવાજ બહુ કર્કશ એટલે એને કોઈ આગળ કરે નહીં. આથી કોયલ ઉપર કાગડાને બહુ જ દાઝ ચડે. લાગ મળે એટલે કોયલ ની સાથે ઝઘડો કરીને તેને રડાવવાનું કાગડાભાઈ ચૂકે નહીં.

‘ને જંગલમાં રક્ષાબંધન આવી.હાથી દાદાએ કહ્યું :”નિશાળમાં પણ આપણે રક્ષાબંધન ઉજવવાની છે.સૌએ તૈયારી કરીને આવવું.છોકરીઓ રાખડી લાવે અને છોકરાઓ ગિફ્ટ લાવે.” બધા રાજી રાજી થઇ ગયા.બીજા દિવસે નવા કપડાં પહેરીને તૈયાર થઈ ,બધા વહેલા વહેલા નિશાળે આવી પહોંચ્યા.સૌ સૌની જગ્યાએ ગોઠવાઈ ગયાં.હાથીદાદાએ કહ્યું:”બાજુબાજુમાં બેઠેલા એક બીજાને રાખડી બાંધશે.”

કોયલે કાગડાને, ખિસકોલીએ ઉંદરને ,સસલીએ નોળિયાને, દીપડીએ વાઘને ,ગધેડીએ ઘોડાને ,હરણીએ જિરાફને, બકરી એ ઘેટાંને અને કીડી મંકોડાને રાખડી બાંધી. બધાએ એકબીજાને મોઢું મીઠું કરાવ્યું .હાથીદાદા એ બધાને આશીર્વાદ આપ્યા.

‘ને પછી કાગડાભાઈને મોટી મૂંઝવણ થઈ ગઈ. હવે કોયલ સાથે ઝગડવું કેવી રીતે? છેવટે ‘બેન સાથે તો ન જ ઝઘડાય’ એમ કાગડાભાઈએ મન મનાવી લીધું.એ દિવસ પછી કાગડો અને કોયલ ક્યારેય ઝગડ્યા નહીં.ઉપરથી કાગડાભાઈએ પોતાના માળામાં ઈંડા મુકવાની કોયલ બેનને છૂટ આપી.અને ત્યારથી કોયલ કાગડાના માળામાં ઈંડા મુકી જાય, અને કાગડો કાગડી ઈંડા સેવે.

લેખક : નિકેતા વ્યાસ કુંચાલા

CUCKOO.jpg

Right Click Disabled!