જામ્યુકોના ગૌશાળાનો દરવાજો તોડી ઢોર છુટા મુકવાનો મામલે ફોજદારી

Spread the love
  • ગેરકાયદે મંડળી રચી ઇકો ગાડીમાં ધસી આવી ચોકીદારને ગાળો ભાંડતા ૬ સામે ફરિયાદ

જામનગરની ભાગોળે દડીયા પાસે શુક્રવારે રાત્રે મનપાની ગૌશાળાના દરવાજાને ધક્કો મારી તોડી પાડી ચોકીદારને ગાળો ભાંડી અને લગભગ ઢોરને છુટ્ટા મારવાના પ્રકરણમાં પંચ બી પોલીસે કારમાં ધસી આવેલા છ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તમામની ઓળખ મેળવવા માટે કવાયત હાથ ધરી છે.

મનપા અને પંચ બી પોલીસ અધિકારી સ્થળ પર દોડી ગયા હતા

પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર નજીક દરેડ પાસે રણજીતસાગર માર્ગ પર આવેલા મહાપાલિકાની ગૌશાળા ખાતે શુક્રવારે રાત્રે એક ઇકો કારમાં છ જેટલા શખ્સો ધસી આવે ત્યાં ગૌશાળાનો દરવાજો ધક્કો મારી તોડી પાડી ચોકીદારને ગાળો ભાંડી તમો ઢોરને ઘાસચારો આપતા નથી, કતલખાને મોકલી દો છો, એમ કહી ધક્કો મારી ઢોરને છુટ્ટા મૂકી દીધા હોવાનો બનાવ બહાર આવ્યો હતો. જેની જાણ થતા તુરંત મનપા અને પંચ બી પોલીસ અધિકારી સ્થળ પર દોડી ગયા હતા.

આ બનાવની ભોગગ્રસ્ત ચોકીદાર ભીખુભાઇ હિરાભાઇ તંબોલીયાની ફરીયાદ પરથી પોલીસે ઇકો કારમાં ત્યાં ધસી આવેલા રવિરાજસિંહ કિરીટસિંહ જાડેજા (રે.શાંતિનગર) અને અન્ય પાંચ શખ્સ સામે જાહેર મિલ્કતને નુકસાન અને રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, રાત્રે છૂટા મૂકી દેવાયેલા ઢોર આજુબાજુના ખેતરોમાં ઘુસી ગયા હતા જેથી પાકને નુકસાનની ભીતિ પણ ખેડૂતોમાં પ્રસરી ગઇ હતી. આવા તમામ ઢોર પકડી પાડવા માટે તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!