જીએસટીના અધિકારીઓના નામે દંડ લઈ ઠગતી ગેંગ સક્રિય

ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં એકમો ધીમી ગતિએ શરૂ થતાંની સાથે જ ઠગ-લૂંટારૂં ટોળકી પણ સરકારી અધિકારીઓનો સ્વાંગ ધારણ કરીને એક્ટીવ થઈ ગઈ છે. બનેલી એક ઘટનામાં ઉદ્યોગકારોને ખોટી રીતે ખંખેરતી લૂંટારુ ટોળકીની વાત ઉજાગર થઈ છે. પાંડેસરા-ભેસ્તાન ચોકડી પાસે સચિનના એક ઉદ્યોગકારની જરીનો ટેમ્પો એક વ્યક્તિએ અટકાવ્યો હતો. તે પોતે જીએસટી અધિકારી હોવાનું જણાવી કાગળીયાની માંગણી કરી હતી. જોકે, એકમધારક આવી જતાં શંકા જતાં વિભાગમાં તપાસ કરતા ફ્રોડ હોવાનું ખુલ્યું હતું.
ઘટનાનો ભોગ બનેલા એકમ ધારક અરવિંદ દુધાત માહિતી આપતાં જણાવે છે કે, સવારે 11 વાગ્યે ભેસ્તાન ચોકડી પાસે જરી ભરેલા ટેમ્પાને અટકાવ્યો હતો. કાગળીયા બરાબર છતાં દંડની વાત કરી હતી. એટીએમમાંથી રૂપિયા લાવી આપવાનું કહેતા થોડા અંતર સુધી અમારી પાછળ આવ્યો અને ઓચિંતો ગાયબ થઈ ગયો હતો. આ અંગે અમે એસોસિએશન મારફતે જીએસટી વિભાગમાં રજૂઆત કરી છે. અમે તે વ્યક્તિની બાઈકનો પણ ચૂપકીદીથી ફોટો ક્લિક કરી લીધો છે.
