જૂનાગઢ : કપાસના પાકમાં ચાલુ સીઝનમાં ગુલાબી ઇયળના નિયંત્રણ માટેના પગલા

Spread the love

જૂનાગઢ જિલ્લામાં કપાસના પાકમાં ચાલુ સીઝનમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળેતો નીચે મુજબના પગલા લેવા જિલ્લા ખેતીવાડી અઘિકારી દ્રારા જણાવાયુ છે. મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુઘી ફેરોમોન ટ્રેપ દીઠ ૮ ફૂદાં પકડાય તો કીટનાશકનો છંટકાવ કરવો. ઉપદ્રવની શરૂઆતથી લઇ કપાસની છેલ્લી વીણી સુઘી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઇયળની નર ફૂદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. કપાસના પાકમાં ફૂલ-ભમરી, જીંડવાની શરૂઆત થતા અસ્તવ્યસ્ત પઘ્ઘતિથી ૧૦૦ ફુલ-ભમરી/ જીંડવા તપાસવા તે પૈકી પાંચમાં ગુલાબી ઇયળની હાજરી જોવા મળે તો કીટનાશક દવાઓ છંટકાવ કરવો.

દવાઓનો છંટકાવ કરતા પહેલા કપાસના છોડ ઉપરથી વિકૃત થઇ ગયેલ ફૂલ/ભમરી તોડી લઇ ઇયળ સહિત નાશ કરવો. ગુલાબી ઇયળના ઉપદ્રવ શરૂ થયથી બીવેરીયા બાસીયાનો ૨૫ કિલો/હે. પ્રમાણે છંટકાવ કરવો. કપાસના પાકમાં ફૂલભમરી તથા જીંડવાની શરૂઆત થયે હેક્ટર ૧.૫ લાખ ટ્રાયકોગ્રામ ભમરી અઠવાડીયાના ગાળે ૫ વખત અને ડિસેમ્બરના પ્રથમ અને બીજા અઠવાડિયામાં હેક્ટરે ૧૦ હજાર પ્રમાણે લીલી પોપટી(ક્રાયસોપા) ની ઇયળો છોડવાથી જૈવીક નીયંત્રણ કરી શકાય છે. નિયંત્રણ પિયતથી આ જીવાતનો ઉપદ્રવ વઘતો અટકાવી શકાય.

યોગ્ય માત્રા મુજબ ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી, ૨૦મિ.લિ. અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૨૫ ઇસી ૦૪ મિ.લિ.અથવા આલ્ફાસાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૦૩ મિ.લિ. અથવા એમામેક્ટીન બેનઝોએટ ૫ એસજી ૦૩ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રીન ૧૫ ટકાં ટ્રાયઝોફોસ ૩૫ ટકા ઇસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૧૬ ટકા, વધતા આલ્ફાસાયપરમેથ્રીન ૧ ટકા ઇસી ૧૦ મિ.લિ. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુ.પી. ૧૦ ગ્રામ કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો.

આ અંગે વધુ જાણકારી સંબંધિત વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/કે.વી.કે/તાલુકા અમલીકરણ અધિકારી/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક (વિ),નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર- ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!