જૂનાગઢ : પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને એક ગાય માટે દર મહિને રૂ. 900ની સહાય મળશે

Spread the love

જૂનાગઢ : રાજ્ય સરકારશ્રી દ્રારા ખેતી ખર્ચમાં ઘટાડો કરી વઘુ ઉત્પાદન મેળવવા તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોનો વ્યાપ વઘે તે હેતુથી દેશી ગાય આઘારીત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ માટે રૂ. ૯૦૦ પ્રતિ માસ (એટલે વાર્ષિક રૂ. ૧૦,૮૦૦ ની મર્યાદામાં) સહાય આપવામાં આવશે. ૧૫ ઓગષ્ટ સુધીમાં આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ આઇડેન્ટીફિકેશન ટેગ સહિતની એક દેશી ગાય ઘરાવતા તથા છાણ, ગૈામૂત્રથી પ્રકૃતિક ખેતી કરતા ખેડુતો મેળવી શકશે. આ યોજના હેઠળ એક ખાતા (નમૂના નં-૮-અ મુજબ) દીઠ એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે. તથા અરજદાર ખેડુત પ્રાકૃતિક કૃષિની તાલીમ લીઘેલ હોવી જોઇશે.

અરજદાર ખેડુતે તારીખ ૧૫/૮/૨૦૨૦ સુધીમાં આઇ-ખેડુત પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે. તથા અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ મેળવી તેની પર સહી-અંગૂઠો કરી જરૂરી સાઘનિક કાગળો જેવા કે,(૧) ૮-અ ની નકલ. (૨) સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનુ સંમતિપત્રક (૩) બેન્ક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક સામેલ કરી દિન-૭માં તાલુકાના જે તે સેજાના ગ્રામસેવક/બીટીએમ/એટીએમ/પ્રોજેક્ટ ડારેક્ટર-આત્માની કચેરીને રજૂ કરવાની રહેશે.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને જીવામૃત, બીજામૃત તથા અન્ય ઇનપુટ બનાવવા માટે ઇનપુટ કીટની ખરીદી કરવા કિટની કિમતના ૭૫ ટકા મહતમ રૂ. ૧૩૫૦ ની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. ઇનપુટ કિટમાં ઢાંકણ વિનાનુ ૨૦૦ લિટરનું બેરલ, ૧૦ લિટરના બે ટબ અને ૧૦ લિટરની એક ડોલ આપવામાં આવશે. જેના પ્રતિ કિટના ખર્ચના ૭૫ ટકા અથવા રૂ. ૧૩૫૦ પૈકી જે રકમ ઓછી હશે તે મુજબ ખેડુત દીઠ સહાય મળવા પાત્ર થશે તેમ પ્રોજેકટ ડિરેકટર આત્માની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!