જૂનાગઢ : વડાલના ખેડૂત 30 વીઘા જમીનમાં 36 જાતના વિવિધ પાકોનું કરે છે વાવેતર

જૂનાગઢ : વડાલના ખેડૂત 30 વીઘા જમીનમાં 36 જાતના વિવિધ પાકોનું કરે છે વાવેતર
Spread the love
  • વડાલના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી મેળવ્યો મબલક પાક

જૂનાગઢ : વડાલ ગામમા પરંપરાથી હટીને ખેતી કરતા ખેડૂત એટલે હિતેશભાઈ હરિભાઈ દોમડીયા. એવું કહેવાય છે કે સફળતા એને સરળતાથી વરે છે જે ચોકઠા બહારનું વિચારે છે. અત્યારના સમયમાં મોટાભાગના ખેડૂતો રસાયણના ઉપયોગથી ખેતી કરે છે. ત્યારે હિતેશભાઈ પોતે ખર્ચ વાળી ખેતીમાંથી છૂટવા માટેના ઉપાયો વિશે વિચારવાનું શરૂ કર્યું ત્યારે તેમને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વિશે જાણવા મળ્યું. આ ખેતિને સમજવા માટે તેઓએ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી. અભ્યાસ કર્યો અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યુ. હાલ તેઓની 30 વીઘા જમીનમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે.

હિતેશભાઈ દોમડિયા પાયાના ખાતર તરીકે ઘન જીવામૃત અને પૂરક ખાતર તરીકે જીવામૃતનો ઉપયોગ કરે છે અને વાવણી સમયે બીજને બીજામૃત નો પટ આપી વાવણી કરે છે. જીવામૃત આપવાથી તેમની જમીનમાં અળસિયા પુષ્કળ માત્રામાં જોવા મળે છે તેથી તેમની જમીન પોચી અને ભર્ભરી બની છે. તેઓ મિશ્ર પાક પદ્ધતિ અપનાવે છે જેમાં ૩૬ પ્રકારના પાકોનું એક સાથે ઉત્પાદન કરે છે. જેમાં મકાઇ, બાજરો, જુવાર જેવા ધાન્ય પાકો સાથે મગ, અડદ, ચણા જેવા કઠોળ પાકો, તલ જેવા તેલીબિયા પાકો, ગુવાર, કારેલા, દૂધી, ગલકા જેવા શાકભાજી પાકો અને ગલગોટા જેવા ફૂલ પાકોનું વાવેતર કરે છે. મિશ્ર પાક પદ્ધતિમાં ધાન્ય પાકો સાથે કઠોળ પાકો લેવાથી જમીનમાં તેમના સહ જીવનથી પોષક તત્વો ખાસ કરીને નાઇટ્રોજનની ઉપલબ્ધિ જળવાય રહે છે.

હિતેશભાઇ પોતાના પાકના રક્ષણ માટે ખાટી છાશનો છંટકાવ કરે છે. જેથી પાકને ફૂગ જન્ય રોગોથી બચાવી શકાય અને જીવાતથી રક્ષણ કરવા માટે ફરતે ગલગોટાનું વાવેતર કરે છે. જેથી કિટકો આકર્ષાય અને ગલગોટામાં ઈંડા મૂકવા જાય જ્યાં તેવો દસ પ્રકારની વનસ્પતિ કે જે પશુઓ આહારમાં લેતા ના હોય તેમાથી બનાવેલ દસપર્ણી અર્ક, લીમડાના પાનમાથી બનાવેલ નિમાસ્ત્ર, લસણ, મરચાં, તમાકુ જેમાથી બનાવેલ અગ્નિઅસ્ત્ર, લિબડો, કરંજ, ધતૂરો થી બનાવેલ બ્રમ્હાઅસ્ત્ર વગેરેનો ઉપયોગ જીવાતોથી રક્ષણ મેળવવા કરે છે. પ્રાકૃતિક ખેતી કરી ઝેર મુક્ત ખેત પેદાશ પકવી, પરંતુ આટલાથી એને સંતોષ ન હતો.

પોતાની ખેતપેદાશો ઉત્તમ ગુણવત્તાના તથા ઝેર મુક્ત હોય અને લોકોને ઝેર મુક્ત ખેતપેદાશ મળી શકે માટે સૌપ્રથમ તેઓએ બારેમાસ કોઈપણ સિઝનમાં ખેતપેદાશોના સંગ્રહની સારી વ્યવસ્થા થઈ શકે તે માટે મોટુ પાકું મકાન બનાવેલ. બાદમાં ખેત પેદાશોના મૂલ્યવર્ધન અને ગ્રેડિંગ માટેના મશીનો પોતાનીજ વાડી પર મશીનરી વિકસાવી તેમાં તેઓ કઠોળની દાળ બનાવી તેમનું પેકિંગ કરે છે અને અન્ય ખેડૂતો પણ આ મશીનરીનો લાભ લે છે. આ ઉપરાંત વધુ રોજગારી મળે અને આપણને જ વાડીએ બેઠા તેલ મળી રહે એ માટે ૨૪ કલાકમાં મગફળીનું પિલાણ કરી તેલ કાઢવાની મશીનરી પોતાની વાડી પર જ વિકસાવી છે. તથા ઘઉં અને અન્ય ધાન્ય પાકોના વિણાટ માટે ગ્રેડિંગ મશીનરી વિકસાવેલ છે.

આમ તેમણે વાવેતરથી માંડીને ઉત્પાદન કરી છેલ્લે મૂલ્યવર્ધન કરી તેમણે પોતાની ખેતપેદાશોનું વેચાણ જૂનાગઢ ખાતે ઝાંઝરડા રોડ પર “અમૃત આહાર મોલ“ પર આ ખેત પેદાશો નું વેચાણ કરે છે. અને જિલ્લાના અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાના તમામ પ્રાકૃતિક ખેત ઉત્પાદન આ મોલ પર વેંચવા પ્રોત્સાહિત કરે છે. જેથી ખેડૂતોને બજારભાવ પણ સારા મળે છે તથા ગ્રાહકોને ઝેરમુક્ત ખેત પેદાશો સરળતાથી મળી રહે છે. આમ માત્ર 30 વીઘા જેટલી જમીનમાં ખર્ચા વગરની પ્રાકૃતિક ખેતી કરીને સારો એવો નફો મેળવે છે. એટલું જ નહીં હાલ તેઓ અન્ય ખેડૂતો માટે એક અનુકરણીય ઉદાહરણ બન્યા છે અને એક આદર્શ પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ બનાવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200706-WA0075.jpg

Right Click Disabled!