જૂનાગઢ : વૃક્ષ વાવવા સાથે તેની માવજત એટલી જ જરૂરી : મેયર ધીરૂભાઇ ગોહેલ

જૂનાગઢ શહેરમાં સામાજીક વનીકરણ વિભાગ દ્વારા આજે ૭૧ માં વન મહોત્સવની ઉજવણી અંતર્ગત બહેરામુંગા શાળા ખાતે વૃક્ષારોપણ કરાયુ હતુ. અહીં વિવિધ જાતનાં એક હજાર રોપા વવાશે. આ પ્રસંગે મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલે જણાવ્યુ હતુ કે વૃક્ષનાં વાવેતર સાથે તેની માવજત પણ એટલી જ જરૂરી છે. તેમણે જૂનાગઢને હરીયાળુ બનાવવા સૈાને સહયોગી થવા અનુરોધ કર્યો હતો. જૂનાગઢની વિવિધ શાળા સંસ્થાઓમાં ચાલુ વર્ષે ૫૦૦૦ જેટલા વૃક્ષો વાવી જૂનાગઢને હરીયાળુ બનાવવા પ્રયાસ કરાશે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું તુલસીનાં રોપ આપી સ્વાગત કરાયુ હતુ. જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારનાં વન મહોત્સવ કાર્યક્રમમાં નાયબ મેયરશ્રી હિમાંશુભાઇ પંડ્યા, સ્ટેન્ડીંગ સમિતીનાં અધ્યક્ષશ્રી રાકેશભાઇ ધુલેશીયા, સક્કરબાગ ઝુનાં નિયામકશ્રી, નાયબ કમીશ્નર જયેશ લીખીયા, નટુભાઇ પટોળીયા, અમીતભાઇ પટેલ, મનોજભાઇ જોષીના હસ્તે વૃક્ષારોપણ કરાયુ હતુ. કાર્યક્રમનું સંચાલન સહાયક વન સંરક્ષકશ્રી ઉષ્માબેન નાણાવટીએ અને આભારવીધી જૂનાગઢ રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી ચેતન દાફડાએ કરી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ
