ટ્રમ્પને શાંતિનો નોબલ… જો મળે તો ‘બાપડી’ અશાંતિને હાશ

ટ્રમ્પને શાંતિનો નોબલ… જો મળે તો ‘બાપડી’ અશાંતિને હાશ
Spread the love

અહિંસાની સીડીનું પહેલું પગથિયું સત્ય, અને હિંસાની સીડીનું પહેલું પગથિયું અસત્ય છે. પોતાના કાર્યકાળમાં ૨૦૦૦૦ વખત જુઠ્ઠંુ કે ગેરમાર્ગે દોરતું નિવેદન આપનાર ટ્રમ્પની આ વૈચારિક હિંસા અક્ષમ્ય છે. હિંસા અને શાંતિ સાથે હોય શકે નહીં. સીરિયા, ઇરાક, ઇરાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અમેરિકી સૈન્યએ કરેલી કાર્યવાહીથી કોઈ અજાણ નથી. ફક્ત સીરિયામાં ત્રણ વર્ષનો સત્તાવાર મૃત્યુઆંક ૬૬,૦૭૪ છે. જેમાં આતંકવાદી કેટલા તેની સ્પષ્ટતા કોઈ પાસે નથી. નોબલ પ્રાઈઝનો ગોલ્ડમેડલ ૧૯૮૦ સુધી ૨૩ કેરેટના શુદ્ધ સોનામાં બનતો હતો.

હવે ૨૪ કરેટે ગોલ્ડ કોટિંગ સાથે ૧૮ કેરેટ ગ્રીન ગોલ્ડ પ્લેટેડ બને છે. સમયની સાથે તેનું બદલાયેલું આ સ્વરૂપ સૂચક છે. જગત ફોજદાર અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી આડે માંડ બે મહિના બાકી છે ત્યારે નોર્વેના સંસદસભ્ય ક્રિશ્ચિયન ટીબ્રિંગ ઝજેડ્ડે ૨૦૨૧ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામાંકન કર્યું છે. નિર્ધારિત પાંચ ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર વિશ્વના સર્વોચ્ચ સન્માન તરીકે પ્રસ્થાપિત છે. શાંતિના ક્ષેત્રમાં વૈશ્વિકસ્તરે અભૂતપૂર્વ યોગદાન આપ્યું હોય તેવી વ્યક્તિપ્રતિભાઓ આ એવોર્ડ માટે નામાંકિત થતી હોય છે. અરુચિકર આક્રમકતા માટે સતત વિવાદમાં રહેતા ટ્રમ્પે વિશ્વશાંતિ ક્ષેત્રે આપેલા કયા યોગદાનને શાંતિના નોબેલ માટે વાજબી ગણાવાયું તેની વિગત પણ જાણવા જેવી છે.

ઇઝરાયલ અને સંયુક્ત અરબ અમિરાત (યુએઈ) વચ્ચે થયેલી સંધિના પ્રેરકબળ તરીકે ટ્રમ્પે ભજવેલી ભૂમિકાને વિશ્વશાંતિના ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન હોવાનો આધાર નામાંકનના સમર્થનમાં રજૂ થયો છે. શાંતિનો નોબેલ અને ડોનાલ્ડ ટ્રમ્પ એ બે શબ્દો વચ્ચે તાલમેલની સંભાવના વિચારવા પ્રયત્ન કર્યો અને આજના આલેખન માટે જાણે શબ્દોએ બંડ પોકાર્યો. પહેલા થોડી વાત કરીએ નોબેલ પ્રાઈઝ વિશે. સ્વીડિશ રસાયણશાસ્ત્રી આલફ્રેડ નોબલ દ્વારા નવેમ્બર ૧૮૯૫માં આ પુરસ્કારની સંકલ્પનાને સાકાર સ્વરૂપ અપાયું. પેરિસની સ્વીડિશ-નોર્વેજિયન ક્લબમાં પોતાના અંતિમ વસિયતનામા પર હસ્તાક્ષર કરી કુલ સંપત્તિના ૯૪ ટકા રકમ પાંચ શ્રોણીના નોબલ પ્રાઈઝ માટે સમર્પિત કરી દીધી.

જે તે સમયે ૧૮૬ મિલિયન ડોલર હતી. ૨૯ જૂન ૧૯૦૦ના રોજ નોબલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ. ૧૯૦૧થી ૨૦૧૯ સુધીમાં ૧૦૭ વ્યક્તિ વિશેષ અને ૨૭ સંસ્થાને આ પુરસ્કાર અપાયો છે. પારિતોષિક વિજેતાને સુવર્ણચંદ્રક અને ઈનામની નિર્ધારિત રકમ આપવામાં આવે છે. જે ૨૦૨૦ના આંકડા પ્રમાણે ૯,૩૫,૩૨૬ યુએસ ડોલર છે.
મૂળ વિષય પર કેન્દ્રિત થઈએ. મહાત્મા ગાંધીએ અપનાવેલા બે હાથવગા હથિયાર સત્ય અને અહિંસાના ઉલ્લેખથી વાતને સંદર્ભ આપવો છે. અહિંસાની સીડીનું પહેલું પગથિયું સત્ય છે એવું મારું સ્પષ્ટ માનવું છે. અસત્ય બોલનારા તેમ કરીને વૈચારિક હિંસા જ કરે છે.

જે રક્તપ્રપાત કરતી હિંસાનું વિચારબીજ હોય છે. વ્યવહારમાં શાંતિની વ્યાખ્યા અશાંતિ આચરનારાઓ માટે મહદ્અંશે ભ્રામક અને વિશાળ છે. ટ્રમ્પનું શાંતિના નોબેલ માટે નામાંકન થવું પણ નોબેલ ફાઉન્ડેશનના સ્થાપક આલ્ફ્ેર્ડ નોબલની મૂળ સંકલ્પનાને આ લેખના તથ્યોથી કદાચ વિચલિત કરશે. હિંસાના નિર્મૂલન વિના શાંતિની પ્રથમ કૂંપળ ફૂટતી જ નથી. અસત્ય એટલે કે જુઠ્ઠાણું જો હિંસાનો પાયો છે, તો પ્રમુખ થયા બાદ ટ્રમ્પે જાહેરમાં ઉચ્ચારેલા જુઠ્ઠાણાની આંકડાકીય વિગતો તેની હિંસક માનસિકતાનો તાગ મેળવવા માટે માપદંડ બની રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ બન્યા બાદ પ્રથમ ૧૦૦ દિવસમાં ટેલિવિઝન-સોશિયલ મીડિયા અને પત્રકાર પરિષદોમાં ૪૯૮ જુઠ્ઠા અથવા આપેલા ગેરમાર્ગે દોરતા દાવાઓ કર્યા હતા. છેલ્લા ૧૪ માસમાં મ્યુલર રિપોર્ટ, મહાભિયોગ, કોરોના પેન્ડામિક અને અશ્વેત જ્યોર્જ ફ્લોઇડની હત્યા જેવા ગંભીર મુદ્દાઓ ઉપર પણ જુઠ્ઠા અને ગેરમાર્ગે દોરતા નિવેદનો આપવામાં તેમણે કોઈ કસર રાખી ન હતી. કોરોનાની મહામારી તો તેમના જુઠ્ઠાણાનો સરવાળો ૧૨૦૦ પર પહોંચીને સુનામી ઓફ્ અન્ટ્રુથ્સના મથાળે અમેરિકાના અખબારમાં છપાયો હતો. સમગ્ર કાર્યકાળમાં તેઓ વીસ હજાર વખત જુઠ્ઠું કે ગેરમાર્ગે દોરતું નિવેદન કરનારા કદાચ સૌપ્રથમ અમેરિકી પ્રમુખ છે. આ સમગ્ર માહિતી અમેરિકાના પ્રસિદ્ધ અખબાર વોશિંગ્ટન પોસ્ટમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પર આધારિત છે.

ટ્રમ્પના મગજમાં રહેલી અપ્રગટ હિંસાનું કદ નક્કી કરવું હોય તો મનોચિકિત્સકો જુઠ્ઠા નિવેદનો રૂપે સપાટી પર આવેલી વ્યક્ત હિંસા સાથે તેની તિરાસી માંડી શકે છે. શાંતિ સ્થાપવાના નામે ઇરાક, ઇરાન, સીરિયા અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં આચરાયેલી વાસ્તવિક હિંસાના આંકડા માટે ગ્રંથોની રચના કરવી પડે. શાંતિદૂત તરીકે પ્રસ્થાપિત થવા માંગતા ટ્રમ્પના કાર્યકાળમાં અફઘાનિસ્તાન પર વીસ હજાર બોમ્બ ઝીંકાયા છે. ઓક્ટોબર ૨૦૧૭માં સીરિયાના રક્કા અને ઇરાકના મૌસૂલ શહેર પર થયેલી સૈનિકી કાર્યવાહીની ભયંકરતા કોઈથી અજાણી નથી. ૨૦૧૭થી ૨૦૧૯નાં ત્રણ વર્ષમાં ૬૬૦૭૪ સીરિયાઈ નાગરિકો મોતના માંેેમાં ધકેલી દેવાયા છે. મરનારાઓ પૈકી આતંકવાદી કેટલા તેનો જવાબ કોઈ પાસે નથી.

આ દેશોમાં જમીન પર તાલીબાન અને આઈએસઆઈએસનો આતંક છે તો હવામાં અમેરિકન ફાઈટર જેટ્સની પ્રત્યેક ઘરેરાટીએ નાગરિકો મૃત્યુ પહેલાની પ્રાર્થના કરવા બેસી જાય છે. કારણ કયો બોંબ ક્યાં પડશે અને કોને લઈ જશે તેની કોઈને ખબર નથી હોતી. અમેરિકાના શસ્ત્ર ઉત્પાદકો લોકહિડ માર્ટીન, બોઈંગ, રેથિયન નોર્થોપ ગ્રુમમેન, જનરલ ડાયનામિક્સની આવકમાં અધધધ… ૩૦ ટકાનો વધારો થયો છે. આ આંકડો ટ્રમ્પના કથિત શાંતિ પ્રયાસથી અવગત થવા પર્યાપ્ત જણાય છે. ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિનો નોબલ પુરસ્કાર મળે તો અશાંતિની વ્યાખ્યા બદલાય એવું બને. અને જો એવું બને તો બાપડી અશાંતિને હાશ થઈ જાય.

અહીં પંચતંત્રની એક વાર્તા ફરી ફરીને સામે આવ્યા કરે છે.

शांति ब्रह्म नमस्तुभ्यं , नमः केदार कंकणम्
सहस्त्र मध्ये सतम नाश्ति, बंड पुच्छो न लभ्यते

વિસ્તૃત નિરૂપણ જગ્યા અવકાશને કારણે શક્ય નથી. સંક્ષિપ્ત સાર શક્ય તેટલી રોચકતા સાથે રજૂ કરવાનો યત્ન વાચકોને ગમશે તેવી આશા છે. એક બિલાડો નાના મોઢાની માટલીમાં ભરેલું માખણ ખાવા ગયો. માખણ તો ખાધંુ પણ માટલીમાં મોઢું ફસાઇ ગયું. દીવાલ સાથે ભટકાયો, માટલી તૂટી ગઈ પણ કાઠલો ગળામાં રહી ગયો. હવે બિલાડાથી ગામમાં રહેવાય તેમ ન હતું. પાદરે આવી ઝાડ નીચે બેઠો જ્યાં ઉંદરોની એક મોટી વસાહત હતી.

બિલાડાને જોઈ ઉંદરો ગભરાયા, બહાર નીકળવાનું બંધ કરી દીધું. દરમાંથી ડોક્યું કરતા એક ઉંદરને સંબોધી બિલાડાએ કહ્યું મારાથી ગભરાવાની જરૂર નથી. હું ચારધામની યાત્રા કરીને આવ્યો છું અને તેનો પુરાવો આ મારા ગળામાં સ્વયં કેદારનાથે પહેરાવેલું કંકણ છે હવે હું હિંસા કરતો નથી આપ નિર્ભય થઈને હરીફરી શકો છે.

ઉંદરો વાતમાં આવી ગયા અને પછી બિલાડાનો ભાગ્યોદય થયો. રોજ બહાર નીકળેલા ઉંદરો પાછા જતા હોય ત્યારે ધ્યાનમાં બેસેલો આ બિલાડો છેલ્લા ઉંદરને પકડીને ખાય જતો. ઘટતી સંખ્યા અને બિલાડાની સુધરતી તંદુરસ્તી જોઈ ઉંદરોના પ્રમુખને શંકા ગઈ. તેમણે દરમાં સભા ભરી એક બાંડા ઉંદરને બિલાડાની હરકત ઉપર નજર રાખવા નિયુક્ત કર્યો. તે દિવસે તેની જવાબદારી હતી સૌથી છેલ્લા દરની બહાર જવું અને સૌથી છેલ્લે દરમાં પ્રવેશવું. આ યોજનાથી અજાણ બિલાડો તે દિવસે બાંડા ઉંદરનું ભોજન કરી ગયો.

દરમાં પાછી સભા મળી હતી. બાંડો ઉંદર ક્યાં દેખાતો ન હતો. હવે ઉંદરોના પ્રમુખને જે શંકા હતી તે પુરાવાના સમર્થન સાથે સાચી ઠરી હતી. દરમાંથી મોઢું બહાર કાઢી ઉંદરોના પ્રમુખે દુષ્ટ બિલાડાને જે સંબોધન કર્યું તે સંસ્કૃત સુભાષિત રૂપે આમુખમાં નિર્દિષ્ટ છે. જેનો અર્થ છે, પ્રમુખ ઉંદર બિલાડાને કહે છે હે બ્રહ્મા જેવા તારા શાંતિના ડોળને નમસ્કાર, તારા કેદારનાથના કંકણને પણ નમસ્કાર, હજારમાંથી ૧૦૦ ઓછા થઈ ગયા અને પેલે બાંડો ઉંદર ક્યાંય મળતો નથી. ટૂંકમાં વસ્તુનો સાર એટલો જ છે
૧૦૦૦માંથી ૧૦૦નું નુકસાન ભોગવીને ઉંદરો બિલાડાના આડંબરને ઓળખી ગયા હતા.

શાંતિનો ડોળ કરતા બિલાડાની આ વાર્તા માનવજાતના પ્રત્યેક વર્ગ અને ક્ષેત્ર માટે પ્રસ્તુત છે. આડંબર કરતા બિલાડાઓ ઉંદરોને ખાવામાં કોઈ દયા રાખતા નથી. ઓળખવાની જવાબદારી ઉંદરોની છે. ખેર, આ વાર્તાનું ડોનાલ્ડભાઈ ટ્રમ્પ સાથે કોઈએ કોઈ અનુસંધાન જોડવું નહીં.

અને છેલ્લે …

નોબલ પ્રાઈઝનો ગોલ્ડમેડલ ૧૯૮૦ સુધી ૨૩ કેરેટના શુદ્ધ સોનામાં બનતો હતો. હવે ૨૪ કરેટે ગોલ્ડ કોટિંગ સાથે ૧૮ કેરેટ ગ્રીન ગોલ્ડ પ્લેટેડ બને છે. સમયની સાથે તેનું બદલાયેલું આ સ્વરૂપ સૂચક છે. બાકી ૧૯૨૩માં સ્વીડિશ પાર્લામેન્ટના સભ્યએ જ એડોલ્ફ્ હિટલરનું નામ પણ નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યું હોવાનો ઇતિહાસ છે.

[email protected] થોડા હટકે – પ્રસન્ન ભટ્ટ

101335765_2710446285905947_5528757928074412032_n.jpg

Right Click Disabled!