દેવગઢની મહિલાએ એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો

સુરેન્દ્રનગર સામાન્ય રીતે લગ્ન બાદ દરેક મહિલા માટે માતા બનવું તે સૌથી સુખનો પ્રસંગ હોય છે અને લગ્ન બાદ દરેક મહિલા માતા તરીકેના સ્વપ્ના અને ઈચ્છાઓ ધરાવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના દેવગઢ ગામની પ્રસુતા મહિલાએ પોતાની પ્રથમ ડિલેવરીમાં એક સાથે ત્રણ બાળકોને જન્મ આપતાં પરિવારજનો સહિત સામગ્ર ગામમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલા તાલુકાના દેવગઢ ગામે રહેતાં ભરતભાઈ જમોડના લગ્ન રંજનબેન સાથે થયાં હતાં ત્યારે લગ્ન બાદ મહિલાને સારા દિવસો જતાં પ્રસુતા બની હતી
અને ડિલેવરી અર્થે સુરેન્દ્રનગર સ્થિત શ્રી સી.યુ.શાહ મેડીકલ એન્ડ કોલેજ હોસ્પીટલ ટી.બી.હોસ્પીટલના ગાયનેક વિભાગમાં ડિલેવરી અર્થે ખસેડવામાં આવી હતી.
જ્યાં પ્રાથમીક તપાસમાં સોનોગ્રાફી દરમ્યાન પ્રસુતા મહિલાને એક સાથે ત્રણ ગર્ભ હોવાનું જણાઈ આવ્યું હતું આથી ગાયનેક વિભાગનાં એચઓડી ડો.ભાવેશ આયરાવના માર્ગદર્શન હેઠળ હોસ્પીટલના ગાયનેક વિભાગનાં ડો.સેરીલ વાલ્વી, ડો.અવની ધોલેરીયા, ડો.મીલન સીંગાળા, ડો.અનિરૂધ્ધ ગઢવી, ડો.ગૌરવ શર્મા સહિતના સ્ટાફ દ્વારા પ્રસુતા મહિલાનું સફળતાપૂર્વક સીઝેરીયન ડિલેવરી કરાવી હતી.
જેમાં ડિલેવરી દરમ્યાન પ્રસુતા મહિલાને એક બાળક અને બે બાળકી સહિત ત્રણ બાળકોનો જન્મ થયો હતો ત્યારે આ ત્રણેય બાળકો અને પ્રસુતા મહિલાની હાલત સંપૂર્ણ સ્વસ્થ છે અને હાલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ છે. સામાન્ય રીતે આ પ્રકારની ડિલેવરી અને ઓપરેશન જોખમી હોય છે પરંતુ હોસ્પીટલના ડોક્ટરની સફળતાપૂર્વક કામગીરીથી પ્રસુતા મહિલાના પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી અને ત્રણેય બાળકોના જન્મને વધાવી લેવામાં આવ્યાં હતાં.
