પાલક માતા-પિતા યોજના થકીવૃદ્ધ દાદા-દાદી સાથે રહેતા છ બાળકોના જીવનમાં આમૂલ પરિવર્તન

પાલક માતા-પિતા યોજના થકીવૃદ્ધ દાદા-દાદી સાથે રહેતા છ બાળકોના જીવનમાં આમૂલ પરિવર્તન
Spread the love
  • મુશ્કેલીથી પેટીયું રળતાં ૭૬ વર્ષિય દાદા સાથે રહેતા બાળકો હવે શાળાએ જશે, ભરણપોષણ માટે પાંચ મહિનાની રૂ.૪૫,૦૦૦ની ચૂકવણી કરવામાં આવી

પાટણ,

કાચા મકાનમાં રહેતા અતિ જરૂરિયાતમંદ અને મજૂરી કરવા શારિરીક રીતે અસ્વસ્થ એવા 76 વર્ષના દાદા પર તેમના છ પૌત્ર-પૌત્રીઓના ભરણપોષણની જવાબદારી.તેમાંય દુષ્કાળમાં અધિકમાસ જેવી લોકડાઉનની પરિસ્થિતી. નાનપણમાં જ મા-બાપની છત્રછાયા ગુમાવેલા બાળકોનું ગુજરાન ચલાવવા અસમર્થ આ દાદાની વહારે આવી રાજ્ય સરકાર.
આ ઉંમરે મજૂરી કરવાની તાકાત હવે મારામાં રહી નથી ત્યારે દિકરાના છ બાળકોનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ સૌથી મોટી મુશ્કેલી ઉભી થઈ હતી. પણ હવે સરકારે આ બધા બાળકો માટે ભણવાની વ્યવસ્થા કરવાની સાથે દર મહિને પૈસા પણ આપવાના શરૂ કર્યા છે. મારા જેવા નિરાધારના ઘડપણનો સહારો બનેલી સરકારનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી…

૭૬ વર્ષિય હેમરાજભાઈ દેવીપૂજકના આ શબ્દો તેમની આગલી પેઢીના ઉછેરની જવાબદારીમાં મદદરૂપ થયેલી રાજ્ય સરકારની સંવેદનશીલતાનું પ્રમાણ છે. પાટણ જિલ્લાના સરહદી તાલુકા સાંતલપુરના વારાહી ખાતે રામનગર વિસ્તારમાં રહેતા અને જીવનની પોણી સદી વટાવી ચૂકેલા હેમરાજભાઈના દિકરાનોએકાદ વર્ષ પહેલા કેન્સરની બિમારીએ ભોગ લીધો. પુત્રવધુએ તેના છ નાના-નાના બાળકોને નોંધારા મૂકી બીજા લગ્ન કરી લીધા. માંડ પેટીયું રળતા હેમરાજભાઈ પર આ બાળકોના ઉછેરની જવાબદારી આવી પડી. લોકડાઉન જેવા કપરાકાળમાં આ બાળકોને શું ખવડાવવું એ યક્ષપ્રશ્ન બની રહ્યો.
ભીની થયેલી આંખનો ખૂણો લૂછતાં હેમરાજભાઈ કહે છે કે, મારા દિકરાના અવસાન પછી થોડા જ સમયમાં પુત્રવધુએ બીજા લગ્ન કરી લીધા એટલે મારા માથે અણધારી આફત આવી પડી. જે તે સમયે તો ગામના અને આસપાસના લોકો જમવાનું આપી જાય ત્યારે મારો પરિવાર ભૂખ ભાંગતો.

લોકાભિમુખ વહિવટ અને નબળા વર્ગોની સતત દરકાર કરતાંપાટણ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલને ઘટનાની જાણ થતાં તેઓશ્રીએ જિલ્લા બાળ સુરક્ષા કચેરીની ટીમને રૂબરૂ જઈ આ પરિવારને રાજ્ય સરકારશ્રીની પાલક માતા-પિતા યોજનાનો લાભ આપવા જણાવ્યું. આ અંગે વાત કરતાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી કેતનભાઈ પ્રજાપતિ જણાવે છે કે, કલેક્ટરશ્રીની સુચના મળતાં જ અમે સ્થળ પર જઈ તમામ બાળકો અને પરિવારના જરૂરી આધાર પુરાવા એકઠા કર્યા. અરજી તૈયાર કરીને પરિવારના તમામ છ બાળકોની શિક્ષણની વ્યવસ્થા કરવાની સાથે તેમના બેંક એકાઉન્ટ ખોલાવી સહાયની રકમ ચૂકવી છે. બાળ સુરક્ષા કચેરીની ટીમની મુલાકાત સમયે બાળકો માટે ભોજન જ અનિશ્ચિત હતું ત્યારે ભણવાની તો વાત જ ક્યાંથી હોય. પરંતુ જિલ્લા કલેક્ટરશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી પાલક માતા-પિતા યોજના હેઠળ આ બાળકોને શાળા તથા આંગણવાડીમાં દાખલ કરાવવામાં આવ્યા. સાથે જ ખોલાવેલા ત્રણ બાળકોના બેંક એકાઉન્ટમાં ફેબ્રુઆરીથી જૂન માસ સુધીના રૂ.૪૫,૦૦૦DBT દ્વારા જમા કરવામાં આવ્યા. અન્ય ત્રણ બાળકોને આગામી મહિનામાં તમામ સહાય ચૂકવી દેવામાં આવશે.

વારાહી ખાતે પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની ઉપસ્થિતીમાં જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના હસ્તે છ વારસોના પાલક માતા-પિતા બનેલા દાદા હેમરાજભાઈ દેવીપૂજક અને દાદી ચોથીબેન દેવીપૂજકને મંજૂરીનો હુકમ અર્પણ કરવામાં આવ્યો. સાથે જ આ રકમનો બાળકોના ભરણ-પોષણ, અભ્યાસ અને ઘડતર પાછળ ઉપયોગ કરવા પણ કલેક્ટરશ્રીએ જણાવ્યું. વિપરીત સંજોગોના કારણે નિરાધાર બનેલા બાળકો ચિલ્ડ્રન્સ હૉમ જેવા સંસ્થાકિય વાતાવરણના બદલે પોતાના પારિવારીક માહોલમાં સંતુલિત ઉછેર પામી શકે તે માટે અમલી પાલક માતા-પિતા યોજના થકી આઠ મહિનાની સૌથી નાની દિકરીથી લઈ બાર વર્ષના સૌથી મોટા પુત્ર સહિત છ બાળકોને તરછોડી જનાર જનેતાની ખોટ પૂરી સંવેદનશીલ રાજ્ય સરકાર ખરા અર્થમાં આ બાળકો માટે સાચી જનેતા પૂરવાર થઈ છે.

શું છે પાલક માતા-પિતા યોજના?
નાનપણમાં માતા-પિતા ગુમાવનાર બાળકોનો ઉછેર નૈસર્ગીક કુટુંબમાં થાય તે માટે તે બાળકોના પાલનની જવાબદારી સ્વિકારનાર નજીકના સગાઅથવા વાલીને આ યોજના અંતર્ગત બાળકદિઠ માસિક રૂ.૩,૦૦૦ સહાય ચૂકવવામાં આવે છે. આ માટે પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦ અને શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦થી વધુ હોવી જરૂરી છે. સાથે સાથે બાળક આંગણવાડી અથવા પ્રાથમિક શિક્ષણ મેળવતું હોવું જોઈએ. આ યોજનાની સહાયની રકમ લાભાર્થી બાળકને તેની ૧૮ વર્ષની ઉંમર સુધી મળવાપાત્ર છે.

Right Click Disabled!