બનાસકાંઠા જિલ્લાના લાખણી મુકામે નિર્માણ પામેલ બસ સ્ટેશનનું મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કર્યુ

બનાસકાંઠા જિલ્લાના લાખણી મુકામે નિર્માણ પામેલ બસ સ્ટેશનનું મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કર્યુ
Spread the love

પાલનપુર
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ સામે સતર્કતાપૂર્વક જનજીવન રાબેતા મુજબ કરીને રાજ્યની વિકાસયાત્રા વેગવંતી બનાવવાની સ્પષ્ટ નેમ દર્શાવી છે.  તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, આપત્તિને અવસરમાં પલટાવવાની ખૂમારી ધરાવતા ગુજરાતની વિકાસયાત્રા ઝૂકશે પણ નહિ કે રોકાશે પણ નહિં. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની વિકાસયાત્રાના ચાલકબળ એવા વાહનવ્યવહાર નિગમના નવનિર્મિત ૪ બસમથકો, બે નવા એસ.ટી. ડેપો- વર્કશોપ અને એક આર.ટી.ઓ તેમજ ચાર એ.આર.ટી.ઓ કચેરીઓના ઇ- લોકાર્પણ ગાંધીનગરથી કરતાં આ નેમ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત એસ.ટી.ના માણસા, લાખણી, સંખેડા અને કુકરમૂંડા બસમથકો તથા કચ્છના નલિયા અને બોટાદના ગઢડા બસ ડેપો તેમજ અમરેલીમાં એસ.ટી. કર્મચારીઓની વસાહત એમ રૂ. ૧૭ કરોડ ૪૭ લાખના વિકાસકામોના લોકાર્પણ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા કર્યા હતા.
તેમણે વાહનવ્યવહાર મંત્રી શ્રી આર. સી. ફળદુ અને રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતીમાં વાહનવ્યવહાર વિભાગની કુલ ર૮ કરોડ ૧પ લાખના ખર્ચે તૈયાર થયેલી જામનગર આર.ટી.ઓ તેમજ દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, આણંદ અને છોટાઉદેપૂરની એ.આર.ટી.ઓ કચેરીના ઇ-લોકાર્પણ પણ સંપન્ન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ એસ.ટી.નિગમ અને વાહનવ્યવહાર વિભાગના આ ડિઝીટલ લોકાર્પણોની પહેલને આવકારતાં કહ્યું કે, કોરોના સંક્રમણને કારણે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો જાળવવા સાથે જાહેર સમારંભો-મેળાવડાઓ યોજવાને બદલે ફિઝીકલને સ્થાને ડિઝીટલ લોકાર્પણથી વિકાસ કામોની કૂચ આપણે જારી રાખવી છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ રાજ્યના લોકોની સેવામાં દિવસ-રાત સતત સેવારત છે અને કુદરતી વિપદા, પુર, વાવાઝોડા કે કોરોના જેવી મહામારીમાં પણ પ્રજાજનોની સેવામાં ખડેપગે રહ્યું છે તેની સરાહના કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કોરોના મહામારીમાં પોતાની જાતને જોખમમાં મૂકીને પણ ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં લાખો શ્રમિકોને સલામત પહોંચાડવા અને અન્ય રાજ્યોમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને પણ સહી સલામત ગુજરાત લાવવા માટે એસ.ટી. નિગમના કર્મયોગી પરિવારને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું કે, એસ.ટી. નિગમ લોકોની સેવાનું માધ્યમ છે નફા નુકશાનની ચિંતા કર્યા વગર રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારોને પણ એસ.ટી.ની સરળ અને સસ્તી સેવા મળે તે માટે સંકલ્પબદ્ધ છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, વાહનવ્યવહાર વિભાગમાં અદ્યતન ટેકનોલોજીના વિનિયોગથી પારદર્શી અને ઝડપી સેવાઓ આપવામાં ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું છે.

હવે, એસ.ટી. બસોમાં જીપીએસ સિસ્ટમ, ઓનલાઇન મોનિટરીંગ, વિદ્યાર્થીઓને સરળતાએ પ્રવાસ પાસ તથા આર.ટી.ઓ દ્વારા પણ લાયસન્સ ઇસ્યુમાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ, ઘરે બેઠા ઓનલાઇન પેમેન્ટ, ફેશલેસ એપ્લીકેશન જેવા આધુનિક ટેકનોલોજીયુકત અભિગમથી નાગરિક સેવાઓ વધુ સરળ અને વ્યાપક બની છે તેની વિશદ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.  શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં જાહેર જનતાની સેવાઓ માટેના પ્રકલ્પો, બસ મથકો વગેરેના જેના ખાતમુહૂર્ત અમારા હાથે થાય તેના લોકાર્પણ પણ અમે જ કરીએ તેવી ઝડપી અને પારદર્શી કાર્યસંસ્કૃતિ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સરકારે વિકસાવી છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં જનતા જનાર્દનની સેવામાં પર્યાવરણપ્રિય એવી વધુ નવિન ૫૦ ઇ બસો મૂકવાની નેમ પણ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠાના લાખણીથી વનબંધુ વિસ્તાર કુકરમૂંડા અને છોટાઉદેપૂરના સંખેડા સહિતના રાજ્યના દૂરદરાજ અને અંતરિયાળ વિસ્તારમાં કાર્યરત થયેલા નવા બસ મથકો અને આર.ટી.ઓ કચેરીઓથી લોકોને ઘરઆંગણે સારી સેવાઓ અને વાહનવ્યવહાર સગવડો મળશે અને સમ્યક વિકાસની નેમ પાર પડશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
વાહન વ્યવહાર મંત્રી શ્રી આર. સી. ફળદુએ મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વાહનવ્યવહાર વિભાગ વધુને વધુ જન સુવિધાલક્ષી સિદ્ધિઓ હાંસલ કરે છે તેની ભૂમિકા આપતાં આ નવા બસમથકો રાજ્યની મુસાફર જનતાની સેવામાં નવું સિમાચિન્હ બનશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું.
નવનિર્મિત બસમથકો અને આર.ટી.ઓ કચેરીઓ ખાતે પણ તે વિસ્તારના જનપ્રતિનિધિઓ સંસદ સભ્યો સ્થાનિક અગ્રણીઓ અને કર્મયોગી ભાઈઓ બહેનો સોશીયલ ડિસ્ટન્સીંગના અનુપાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ વેળાએ વાહનવ્યવહાર અગ્ર સચિવ શ્રી કમલ દાયાણી, માર્ગ વાહનવ્યવહાર નિગમના એમ.ડી. શ્રી એસ. જે. હૈદર, ટ્રાન્સપોર્ટ કમિશનર શ્રી રાજેશ માંજૂ, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ડી.એચ. શાહ વગેરે પણ જોડાયા હતા.
બનાસકાંઠા જિલ્લાના લાખણી મુકામે રૂ. ૨.૩૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બસ સ્ટેશનનના ઇ-લોકાર્પણ પ્રસંગે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ, કલેકટરશ્રી સંદીપ સાગલે, પૂર્વ મંત્રીશ્રી કેશાજી ચૌહાણ, અગ્રણીઓ સર્વશ્રી હેમરાજભાઇ પટેલ, શ્રી બાબરાભાઇ ચૌધરી, શ્રી ટી.પી.રાજપૂત, શ્રી તેજાભાઇ ભૂરીયા, એસ.ટી. ના વિભાગીય નિયામકશ્રી સોલંકી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Right Click Disabled!