બાહ્ય વાતાવરણનું વિશ્લેષણ-ઉદ્યોગોની સફળતાનો રાજમાર્ગ

બાહ્ય વાતાવરણનું વિશ્લેષણ-ઉદ્યોગોની સફળતાનો રાજમાર્ગ
Spread the love

આપણે આગળના લેખોમાં જોયું એમ ઘણી કંપનીઓ બાહ્ય વાતાવરણને સમજવામાં નિષ્ફળ ગઈ અથવા એની સાથે તાલ મિલાવી શકી નહીં એને કારણે તેમણે પતન તરફ જવાનો વારો આવ્યો. તો બાહ્ય વાતાવરણ ખરેખર શું છે અને એમાં શેનું વિશ્લેષણ કરવું જરૂરી છે એ આજે આપણે જોઈએ. બાહ્ય વાતાવરણને મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય – સામાન્ય વાતાવરણ, ઉદ્યોગ વાતાવરણ અને સ્પર્ધાત્મક વાતાવરણ. સામાન્ય વાતાવરણ બધા ઉદ્યોગો માટે સમાન હોય છે.

આ વિશ્લેષણને પરિસ્થિતિગત વિશ્લેષણ પણ કહેવામાં આવે છે. કોઈ પણ કંપનીએ વ્યૂહરચના બનાવતા પહેલા અને આયોજન કરતા પહેલા આ વિશ્લેષણ કરવું અનિવાર્ય છે. બાહ્ય વાતાવરણના અવલોકન કરવાના માળખાને પેસ્ટલ એનાલિસિસ (PESTEL Analysis) તરીકે ઓળખવામાં આવે છે જેમાં P=Political, E=Economical, S=Social, T=Technological, E=Environmental , L=Legal તરીકે જાણવામાં આવે છે. કંપની જૂની હોય કે નવી હોય આ વિશ્લેષણ કરીને જો વ્યૂહરચના બનાવશે તો ચોક્કસ સફળતા હાંસલ કરી શકશે.

કંપની જયારે વિદેશમાં જઈને પોતાના બિઝનેસનો વ્યાપ વધારવા માંગે ત્યારે તેને એ દરેક દેશનું પેસ્ટલ એનાલિસિસ કરવું જરૂરી છે. પેસ્ટલ એનાલિસિસના પરિણામો દરેક દેશ, પ્રદેશ, રાજ્યો કે ચોક્કસ વિસ્તાર પ્રમાણે બદલાતા હોય છે. કંપની જયારે પણ એ ચોક્કસ દેશ કે વિસ્તારમાં બિઝનેસ કરવા માંગે છે ત્યારે તેનું તાજેતરનું કરેલું પેસ્ટલ એનાલિસિસ અનુસરવું ખુબજ જરૂરી છે. આ વિશ્લેષણનો સૌથી મોટો પડકાર એ છે કે એ સ્થિર નથી અને સતત બદલાતું રહે છે.

કંપની જૂની હોય અને કોઈ ચોક્કસ દેશ કે વિસ્તારમાં અસરકારક રીતે પેસ્ટલ એનાલિસિસ કરીને સફળ થઇ ગઈ હોય તો પણ દર છ મહિને એમાં આવેલા બદલાવને ધ્યાને લઇ લેવા સલાહભર્યું છે. તો ચાલો સમજીએ આ વાતાવરણને.

૧. રાજકીય વાતાવરણ

કોઈ પણ બિઝનેસને સૌથી પહેલા અને કદાચ ઘણા અંશે અસરકર્તા બાહ્ય વાતાવરણ હોય તો એ જે તે દેશ કે વિસ્તારનું રાજકીય વાતાવરણ છે. સરકાર અર્થતંત્ર અથવા ચોક્કસ ઉદ્યોગમાં કેવી અને કઈ હદ સુધીની દરમ્યાનગીરી કરે છે એનું વિશ્લેષણ કરવું ખુબ જરૂરી છે. આમાં સરકારની નીતિ, નેતાઓની નીતિમત્તા, રાજકીય સ્થિરતા અથવા અસ્થિરતા, ભ્રષ્ટાચાર, વિદેશી વેપાર નીતિ, કર નીતિ, મજૂર કાયદો, પ્રેસની સ્વતંત્રતા, શિક્ષણ કાયદો, રોજગાર કાયદો, ભેદભાવ કાયદો, ડેટા સંરક્ષણ કાયદો, પર્યાવરણીય કાયદો, આરોગ્ય અને સલામતી કાયદો, સ્પર્ધા નિયમન, પર્યાવરણીય કાયદો, સંરક્ષણ ખર્ચ, બૌદ્ધિક સંપત્તિ કાયદો, સરકારી સબસિડીનું સ્તર, દ્વિપક્ષીય સંબંધો, આયાત-નિકાસ નિયમન / પ્રતિબંધો, વેપાર નિયંત્રણ, લોબીંગ પ્રવૃત્તિઓ અને સરકારી બજેટનું કદ શામેલ હોય શકે છે.

તદુપરાંત, દેશની શિક્ષણ પ્રણાલી, માળખાગત સુવિધાઓ અને આરોગ્યના નિયમો પર સરકારની નીતિઓની અસર પડી શકે છે. સંભવિત બજારના આકર્ષણનું મૂલ્યાંકન કરતી વખતે આ બધા પરિબળો ધ્યાનમાં લેવાની જરૂર છે. દાખલા તરીકે કોઈ એક ચોક્કસ રાજ્યમાં સતાધારી સરકાર બદલાય અને એને કારણે એવું બની શકે કે ત્યાંનું રાજકીય વાતાવરણ તમારા માટે અનુકૂળ ભર્યું ના રહે તો તમારે બીજા રાજ્યમાં જવાનો વિચાર કરવો પડે.

૨. આર્થિક વાતાવરણ

આર્થિક વાતાવરણ એ ચોક્કસ અર્થતંત્રના ચાલ અને ગતિને અસરકર્તા હોય છે. આ પરિબળોમાં વિકાસ દર, વ્યાજ દર, ફુગાવો દર, વિનિમય દર, ક્રેડિટની ઉપલબ્ધતા, નિકાલજોગ આવકનું સ્તર, સરકારના બજેટ ખાધ, કુલ સ્થાનિક ઉત્પાદનનો દર, બેકારીનો દર, શેરબજારનો ટ્રેન્ડ, ભાવમાં વધઘટ વગેરે શામેલ છે. આ પરિબળોની કંપની પર સીધી અથવા પરોક્ષ લાંબા ગાળાની અસર પડી શકે છે, કારણ કે તે ગ્રાહકોની ખરીદ શક્તિને અસર કરે છે અને અર્થતંત્રમાં માંગ અને પુરવઠામાં ફેરફાર કરી શકે છે. પરિણામે તે કંપનીઓને તેમના ઉત્પાદનો અને સેવાઓની ઉપલબ્ધતા અને ભાવને પણ અસર કરે છે. દાખલા તરીકે વ્યાજ દરમાં ઘટાડો થયાની જાહેરાત કર્યા પછી કોઈ કંપની પોતાના મૂડી માળખામાં ફેરફાર કરવાનું વિચારી શકે.

૩. સામાજિક વાતાવરણ

સામાન્ય વાતાવરણનું આ પરિમાણ સમાજ અને લોકોની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે વસ્તીનું કદ અને વૃદ્ધિ દર, જન્મ દર, મૃત્યુ દર, લગ્નોની સંખ્યા, છૂટાછેડાની સંખ્યા, ઇમિગ્રેશન અને ઇમિગ્રેશન દર, આયુષ્ય દર, વય વિતરણ, સંપત્તિનું વિતરણ, સામાજિક વર્ગો, માથાદીઠ આવક, કુટુંબનું કદ અને માળખું, જીવનશૈલી, આરોગ્ય સભાનતા, સરકાર અને કામ પ્રત્યેનું વલણ, ખરીદટેવો, નૈતિક ચિંતાઓ, સાંસ્કૃતિક ધોરણો અને મૂલ્યો, જાતિગત વિતરણ, સમાનતા અને ભૂમિકાઓ, ધર્મ અને માન્યતાઓ, જન્મ નિયંત્રણનો ઉપયોગ, શિક્ષણનું સ્તર, ગુનાના સ્તર, બચત અને રોકાણ તરફનું વલણ, નિવૃત્તિ પ્રત્યેનું વલણ, ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યેનું વલણ, ગ્રાહક સેવા પ્રત્યેનું વલણ, વિદેશી લોકો પ્રત્યેનું વલણ વગેરેનું પ્રતિબિંબ દર્શાવે છે. વિશિષ્ટ ગ્રાહકોને લક્ષ્ય બનાવતી વખતે આ પરિબળો ખાસ કરીને માર્કેટર્સ માટે મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, તે સ્થાનિક કર્મચારીઓ અને ચોક્કસ શરતો હેઠળ કામ કરવાની તેની ઇચ્છા વિશે પણ ઘણું બધું કહી જાય છે. દાખલા તરીકે સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીની સમજ વધવાથી સ્વાસ્થયપ્રદ ઉત્પાદનોની માંગ વધે છે.

345ec874-2a6d-43eb-b31b-6cd062c1cb9e.jpg

Right Click Disabled!