મન કી બાત: ભારતને બનાવો રમકડાંનું વૈશ્ર્વિક હબ: પીએમ

મન કી બાત: ભારતને બનાવો રમકડાંનું વૈશ્ર્વિક હબ: પીએમ
Spread the love

નવી દિલ્હી: વૈશ્ર્વિક રમકડાં બજારનું કદ રૂપિયા સાત લાખ કરોડથી વધુ હોવા છતાં ભારતનો એમાં બહુ ઓછો હિસ્સો હોવાની વાતને આધારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાની મન કી બાત કાર્યક્રમમાં દેશના સ્ટાર્ટ અપ્સ અને વ્યવસાયીઓને ભારતને રમકડાંનું હબ બનાવવાની, કમ્પ્યુટર ગૅમ્સ વિકસાવવાની અને વૉકલ ફોર લૉકલ ટૉય્ઝ બનવાની હાકલ કરી હતી. વડા પ્રધાને પોતાના માસિક કાર્યક્રમ ‘મન કી બાત’ના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતની હોય અને ભારત પર આધારિત હોય એવી કમ્પ્યુટર ગૅમ્સ બનાવો.
મન કી બાતમાં મોદીએ અનેક વિષયો પર ચર્ચા કરી હતી.

એમણે યુવાનોને સવાલ કર્યો હતો કે આપણા દેશમાં અનેક નવા વિચારો, અનેક કનસેપ્ટ્સ છે. આપણો ઇતિહાસ અત્યંત સમૃદ્ધ છે. શું આપણે એના પર આધારિત ગૅમ્સ ન બનાવી શકીએ? હું આપણા દેશના પ્રતિભાશાળી યુવાનોને ભારતમાં બનેલી અને ભારત પર આધારિત હોય એવી કમ્પ્યુટર ગૅમ્સ બનાવવાનું આહ્વાન આપું છું. એવી કહેવત છે કે ચાલો રમત શરૂ કરીએ, તો હું કહું છું કે આવો આપણે રમત શરૂ કરીએ. જરા વિચારો કે જે દેશ પાસે સમૃદ્ધ વારસો, સંસ્કૃતિ અને પરંપરા હોય, વિશાળ યુવાધન હોય એવા દેશનું રમકડાંની વિશ્ર્વબજારમાં બહુ ઓછું યોગદાન હોય એ વાત સારી લાગે?

તાજેતરમાં વડા પ્રધાને વૈશ્ર્વિકસ્તરે ભારતનો હિસ્સો વધારવા માટેની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ રમકડાંનું ઉત્પાદન અને નિકાસ ચીન કરી રહ્યું છે. પોતાની સરકારની દેશને ‘આત્મનિર્ભર’ બનાવવાની યોજના વિશે એમણે જણાવ્યું હતું કે ભારતે દરેકેદરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની જરૂર છે. હાલ રમકડાં અને ગૅમિંગના ક્ષેત્રમાં અફાટ તક સમાયેલી છે. ભારત પાસે સૈકાઓ જૂની સ્થાનિક રમકડા બનાવવાની કળા અને કુશળ કારીગરો છે. ભારતના કેટલાક વિસ્તારો રમકડા બનાવવાના કેન્દ્ર તરીકે ઊભરી રહ્યા છે. રમકડાથી આપણે બે વસ્તુ કરી શકીએ – એક તો આપણા જીવનમાં ભારતનો ભવ્ય ભૂતકાળ પાછો લાવીએ અને બીજું આપણાં સોનેરી ભવિષ્યને ઉજાગર કરીએ.

મારા સ્ટાર્ટ-અપ મિત્રોને, આપણા નવા ઉદ્યોગપતિઓને હું એમ કહીશ કે તમે રમકડાં માટે એક થાઓ. બધા માટે આ સમય વૉકલ ફોર લૉકલ ટૉય્ઝનો છે.એમણે ભારતના જે લોકો ઘરે કૂતરાં પાળવા માગે છે એમને ભારતીય પ્રજાતિના કૂતરાં પાળવાની અપીલ કરી હતી.મોદીએ જણાવ્યું હતું કે ભારતીય પ્રજાતિના કૂતરાઓને ભારતના સુરક્ષાદળમાં પણ સામેલ કરાયા છે. મોદીએ સુરક્ષાદળના કૂતરાઓ દ્વારા કઇ રીતે અનેક બૉમ્બ વિસ્ફોટ થતા અટકાવ્યા હોવાના અને રાહત અભિયાનમાં કાટમાળ નીચે દબાયેલી વ્યક્તિઓને બચાવ્યા હોવાના દાખલા આપ્યા હતા.‘આત્મનિર્ભર ભારત’ ઍપ બનાવવાનો પડકાર ઝીલનાર સાત હજારમાંથી બેતૃતિયાંશ ભાગ લેનાર ટાયર ટુ કે ટાયર થ્રી શહેરના હોવાની વાતે વડા પ્રધાનને આનંદ થયો હતો.એમણે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત માટે અને એના ભવિષ્ય માટે આ બહુ જ શુભ સંકેત છે.

કોવિડ-૧૯ના પ્રતિબંધો દરમિયાન સંયમ જાળવીને સાદાઇથી તહેવાર ઉજવવા બદલ એમણે લોકોને અને પાકની વાવણીનો વિસ્તાર વધારવા બદલ ખેડૂતોની પ્રશંસા કરી હતી.એમણે ખેડૂતોની કોરોનાના રોગચાળાના સમયમાં કરેલા કામ બદલ બીરદાવતા જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ ખરીફ પાકની વાવણીમાં સાત ટકાનો, કઠોળની વાવણીમાં પાંચ ટકાનો, તેલીબિયાની વાવણીમાં ૧૩ ટકાનો, ધાનની વાવણીમાં અંદાજે ૧૦ ટકાનો અને કપાસની વાવણીમાં અંદાજે ત્રણ ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનાને પોષણના મહિના તરીકે ઉજવવાની એમણે જાહેરાત કરી હતી. સારા પોષણની જરૂરિયાતને હવે બધા લોકો સુધી પહોંચાડવાનું અભિયાન શરૂ કરાશે.ભારતના કૃષિ ફંડની રચના થઇ રહી છે અને એમાં દેશના દરેક જિલ્લામાં કયાં પાક ઉગાડવામાં આવે છે અને એના પોષણમૂલ્યોની માહિતી જાહેર કરવામાં આવશે. આ ફંડ તમારા બધા માટે બહુ ઉપયોગી સાબિત થશે.

અમુક ઠેકાણે ગણેશોત્સવ ઉજવાયો ત્યારે એમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી અને લોકોએ અનુશાસનમાં રહીને તહેવારની ઉજવણી કરી એ વાત એમણે નોંધી હતી અને લોકોની એ બદલ પ્રશંસા પણ કરી હતી. ભારત ૨૦૨૨માં સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂરા કરશે અને આ પ્રસંગે શિક્ષકોને મોદીએ ભારતની આઝાદી માટે જીવેલા અને આઝાદી માટે પોતાના જાન ન્યોછાવર કરનાર તથા ભૂતકાળમાં ખોવાઇ ગયેલા હજારો અનામ લડવૈયાઓની ગાથાઓ સ્થાનિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે મળીને રજૂ કરવાની સલાહ આપી હતી.છેવટે એમણે કોરોના વાઇરસ સંબંધી માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ પણ કરી હતી.

modi_mann_ki_baat30-08-2020_l.jpg

Right Click Disabled!