મહિલાઓ, બાળકોની સુરક્ષા માટેની ટ્રેકિંગ સિસ્ટમ તૈયાર કરો: મોદી

- સ્માર્ટ ઇન્ડિયા હૅકેથોન-૨૦૨૦’માં સ્ટુડન્ટ્સ સાથે વડા પ્રધાનનો પ્રોત્સાહક વાર્તાલાપ
નવી દિલ્હી: ‘તમે એવી ટ્રેકિંગ અને અલર્ટ સિસ્ટમ તૈયાર કરી શકો જે મહિલાઓ તથા બાળકોની સુરક્ષા નિશ્ર્ચિત કરવા સ્કૂલો તથા ઑફિસોને પોલીસ ક્ધટ્રોલ રૂમો સાથે સાંકળી શકે’, એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશભરના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ માટેની ‘સ્માર્ટ ઇન્ડિયા હૅકેથોન-૨૦૨૦’ને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું. મોદીએ આ સવાલ હૈદરાબાદ સ્થિત એમએલઆર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજીના એક સ્ટુડન્ટને કર્યો હતો. હૈદરાબાદમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા આ સંસ્થા દ્વારા પોલીસ કર્મચારીઓને મદદરૂપ થવા પર જે રીતે ભાર આપવામાં આવી રહ્યો છે એ સંબંધમાં મોદી આ સંસ્થાની ટીમ દ્વારા શૅર કરવામાં આવેલા વિચારોથી પ્રભાવિત થયા હતા. મોદીએ કહ્યું હતું કે તેઓ હૈદરાબાદની આઇપીએસ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટના અધિકારીઓને આ સંસ્થાની ટીમને મળવા કહેશે.
શનિવારે બપોરે શરૂ થયેલું આ સંબોધન ‘સ્માર્ટ ઇન્ડિયા હૅકેથોન’ના ગ્રૅન્ડ ફિનાલે દરમિયાન કરાયું હતું. એમાં મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફત હૅકેથોનના ફાઇનલિસ્ટો સાથે વાતચીત કરી હતી. હૅકેથોનનું આયોજન માનવ સંશાધન વિકાસ મંત્રાલયની ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફૉર ટેક્નિકલ એજ્યૂકેશન (એઆઇસીટીઇ), પર્સિસટન્ટ સિસ્ટમ્સ અને આઇફૉરસી દ્વારા કરવામાં આવી રહ્યું છે. હૅકેથોનમાં ભાગ લઈ રહેલી કૉલેજોમાં તમિળનાડુ, હૈદરાબાદ, દેહરાદૂન, ચંડીગઢ વગેરે સ્થળોની જાણીતી કૉલેજોનો સમાવેશ હતો.સ્માર્ટ ઇન્ડિયા હૅકેથોન-૨૦૨૦ (સૉફ્ટવેર)’ના ગ્રૅન્ડ ફિનાલેનો શનિવારે આરંભ થયો અને એ ૩ ઑગસ્ટ (સોમવાર) સુધી ચાલશે. જનતા રોજબરોજના જીવનમાં જે ગંભીર સમસ્યાઓનો સામનો કરે છે
એનો ઉકેલ લાવવા સ્ટુડન્ટ્સને મંચ પૂરો પાડવા તેમ જ એ રીતે સ્ટુડન્ટ્સમાં પ્રૉડક્ટના આવિષ્કારની તેમ જ સમસ્યા ઉકેલવા-તરફી માનસિકતા કેળવવાની સરકારની ભાવના છે. મોદીએ સ્ટુડન્ટ્સને સંબોધતા આ મુજબના કેટલાક મહત્ત્વપૂર્ણ વિધાનો કર્યાં હતાં:
- ખૂબ ઝડપથી બદલાતા વિશ્ર્વમાં ભારતે અસરકારક ભૂમિકા ભજવવા પોતાનામાં ખૂબ ઝડપથી પરિવર્તન લાવવું પડશે.
- આપણી પ્રજાના જીવનમાં સરળતા લાવવાના ધ્યેયને હાંસલ કરવા યુવા વર્ગની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે કે જેથી કરીને ગરીબોને જીવન સારી રીતે વીતાવવા માટેના સંજોગો ઊભા કરી શકાય.
- તાજેતરમાં જાહેર કરવામાં આવેલી આપણી નવી શિક્ષણ નીતિમાં ‘રોજગાર શોધનારાઓ’ને બદલે ‘રોજગારોનું સર્જન કરનારા’ પર ભાર આપવામાં આવ્યો છે.
- આપણા દેશની શિક્ષણ પ્રક્રિયામાં હવે વ્યવસ્થિત રીતે સુધારો કરવામાં આવી રહ્યો છે. એમાં શિક્ષણ સંબંધિત આશય અને સંતૃપ્તિની ભાવનામાં મોટું પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. સ્ટુડન્ટ શું શીખવા માગે છે એના પર હવે વધુ એકાગ્રતા રાખી શકાય એ મુજબ શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. સ્ટુડન્ટ્સને હવે પોતાની પસંદગીના વિષયો ચૂંટવાની તક મળશે.
- આપણને વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ ગણાતા વિજ્ઞાનીઓમાંના એક વિજ્ઞાની, ટેક્નિશ્યન તથા ટેક્નોલૉજી ઑન્ટ્રપ્રનર મળ્યા એ બદલ આપણે ગર્વ અનુભવીએ છીએ.
- સરકાર મહિલાઓને પરવડી શકાય એવા ભાવવાળા બાયો-ડિગ્રેડેબલ પૅડ પૂરા પાડી રહી છે. રિયુઝેબલ સૅનિટરી નૅપકિન બનાવવાથી દેશની મહિલાઓને ઘણી મદદ મળી રહી છે.
- ટેક્નોલૉજીલક્ષી આવિષ્કાર માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ને માનવ-સ્પર્શ આપવો ખૂબ મહત્ત્વપૂર્ણ છે.દરમિયાન, હૈદરાબાદની એમએલઆર ઇન્સ્ટિટ્યૂટે રિયલટાઇમ ફૅસિયલ રેકગ્નિશન સિસ્ટમ તૈયાર કરી છે અને ચહેરાની ઓળખ સંબંધિત આ સિસ્ટમને સંસ્થાના એક વિદ્યાર્થીએ હૅકેથોનના ફિનાલે દરમિયાન રજૂ કરી હતી.એક વિદ્યાર્થીએ ફરી વાપરી શકાય એવા ‘રિયુઝેબલ બાયો-ડિગ્રેડેબલ સૅનિટરી નૅપકિન’ બતાવ્યા હતા.
એક ફાઇનલિસ્ટે વરસાદની આગાહી સંબંધિત સિસ્ટમની વિગતો આપી હતી અને મોદીએ એ વિદ્યાર્થીની પ્રશંસા કરી હતી.કોવિડ-૧૯ની મહામારી ચાલી રહી હોવા છતાં એ કપરા સંજોગોમાં હૅકેથોનનું સંચાલન થયું એ બદલ મોદીએ આયોજન સમિતિને તેમ જ સ્ટુડન્ટ્સને અભિનંદન આપ્યા હતા. સ્માર્ટ ઇન્ડિયા હૅકેથોન’ના વિજેતાને એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ અપાશે, એવી જાહેરાત માનવ સંશાધન વિકાસ ખાતાના પ્રધાન ડૉ. રમેશ નિશાંકે કરી હતી. દ્વિતીય ઇનામ ૭૫,૦૦૦ રૂપિયાનું અને તૃતીય ઇનામ ૫૦,૦૦૦ રૂપિયાનું છે. હૅકેથોનમાં કુલ ૪.૫ લાખથી વધુ સ્ટુડન્ટ્સે ભાગ લીધો છે. ફિનાલેમાં ૧૦,૦૦૦ સ્ટુડન્ટ્સ સામેલ છે.
