મુખ્યમંત્રી આવાસ યોજનાના ગરીબો સાથે છેતરપિંડી કરતી ત્રિપુટી

મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહીને ગરીબ લોકોના રૃપિયા પડાવી લેનાર ઠગ ત્રિપુટી પૈકીના બે આરોપીને વારસિયા પોલીસે ઝડપી લઇ કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. હાલમાં તો ભોગબનનાર માત્ર ત્રણ જણજ મળી આવ્યા છે. પરંતુ, તપાસ દરમિયાન ભોગબનનારની સંખ્યા વધે તેમ છે. ફતેપુરા ભાડવાડામાં રહેતા નરેશ બાબુભાઇ મારવાડીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું નવાબજારની દુકાનમાં નોકરી કરૃ છું અઢી વર્ષ પૂર્વે અમારા મહોલ્લામાં રહેતા અર્જુન મારવાડીએ મને કહ્યું હતું કે ”વારસિયાવીમાદવાખાના હરિજનવાસમાં રહેતા હિતેશ હરેશભાઇ ખેમચંદાણી મુખ્યમંત્રી આવાસ યોજનાના ફાળવેલા મકાનો આપવાનું કામ કરે છે. તમારે મકાન જોઇતુ હોય તો હું હિતેશભાઇ સાથે તમારો પરિચય કરાવી આપીશ.
મેં હા પાડતા અર્જુન મારવાડી હિતેશ ખેમચંદાણીને લઇને મારા ઘરે આવ્યો હતો હિતેશ ખેમચંદાણીએ મને એવી વાત કરી હતી કે તમને મકાન જોઇતું હોયતો એડવાન્સમાં ૩૦ હજાર રૃપિયા રોકડા આપવા પડશે અને બાકીની રકમના ચેક આપજો જેથી મે હિતેશ ખેમચંદાણીને ૩૦ હજાર રૃપિયા રોકડા આપ્યા હતા અને ૧.૪૦ લાખ રૃપિયાના ચેક આપ્યા હતાં. જે રૃપિયા હિતેશે બેન્કમાંથી ઉપાડી લીધા હતા થોડા સમય પછી મેં મકાન બાબતે હિતેશને પૂછતા હિતેશે મને ભરોસો આપીને કહ્યું હતું કે કારેલીબાગ બ્રાઇટ સ્કૂલ પાસે તમને મકાન મળી જશેથોડા સમય પછી મેં ફરીથી પૂછતા હિતેશે એવું બહાનુ બતાવ્યું હતું કે સબસિડીના કારણે તમારૃ કામ અટક્યું છે. સબસિડી જમા થશે એટલે તરત જ મકાન મળી જશે. પરંતુ મકાન નહીં મળતા હિતેશ અને અર્જુન મારવાડીના ત્રીજા સાગરિત ગીરધર સામળભાઇ પરમારની રહે. વુડાના મકાન પાસે વાઘોડિયા રોડ સોલિસ હોસ્પિટલની પાછળ આવેલી પાલન સેવા સંસ્થાની ઓફિસે ગયો હતો.
ગીરધર પરમારે મને ખાત્રી આપી હતી કે હું મારા રજિસ્ટરમાં તમારા કેટલા રૃપિયા જમા છે? તે જોઈ લઉં છું અને જો મકાન નહીં મળે તો તમને તમારા રૃપિયા પરત કરી દઈશ. આ ઠગ ત્રિપુટીએ મારી ફોઈની પુત્રી અલકાબેન ઈશ્વરભાઈ મારવાડી (રહે. ભાડવાડા ફતેપુરા) અને ત્યાંજ રહેતા ઈદાયત જુનેદભાઈ વ્હોરા પાસેથી પણ ૨.૪૦ લાખ રૃપિયા મકાનના બહાને લીધા હતા. તેઓને પણ મકાન કે રૃપિયા મળ્યા નથી બે ત્રણ મહિના સુધી રાહ જોયા પછી મેં ફરીથી ગીરધર પરમારનો સંપર્ક કર્યો હતો. ગીરધર પરમારે મને એવો ભરોસો આપ્યો હતો કે તમારા ચેક કુરિયરમાં મોકલી આપીશ. ગીરધરે કુરિયરમાં અમારા ત્રણેયના ચેક મોકલ્યા હતા. જે ચેક રિટર્ન થયા હતા વારસિયા પોલીસે હિતેશ ખેમચંદાણી અને અર્જુન મારવાડીને ઝડપી પાડયા છે જ્યારે ગીરધર પરમાર ભાગી છૂટયો છે.
