મેનેજમેન્ટને મૂળથી સમજવાની કોશિશ કરીએ

મેનેજમેન્ટને મૂળથી સમજવાની કોશિશ કરીએ
Spread the love

એક વાર એક ખુબ જ જાણીતી કંપનીમાં તેમના કર્મચારીઓની તાલીમ ચાલતી હતી. શરૂઆતમાં ટ્રેનરે પૂછ્યું કે તમે બધા રોજબરોજના કામમાં મેનેજમેન્ટ એટલે કે સંચાલન/વ્યવસ્થાપન કરો છો તો શું કોઈ મને કહી શકશે કે સંચાલન એટલે શું? થોડી વાર રૂમમાં સન્નાટો છવાઈ ગયો. બધાને સમજણ નહીં પડી કે શું કહેવું. બધા એ વિમાસણમાં મુકાય ગયા કે આ તે કેવું કહેવાય કે રોજ જે કામ કરીએ એનો અર્થ સમજાવવાના ફાંફા પડી જાય. ઘણી વાર જીવનમાં એવું થાય કે આપણે કઈક જાણતા હોવા છતાં જાણતા નથી હોતા. આ કોલમમાં આપણે મેનેજમેન્ટને મૂળથી સમજવાની કોશિશ કરીએ.

મેનેજમેન્ટનો ઇતિહાસ જોઈએ તો માનવજાતનું અસ્તિત્વ છે ત્યારથી મેનેજમેન્ટનું અસ્તિત્વ છે. ત્યારે પણ મેનેજમેન્ટ થતું જ હતું પણ ખબર નહોતી કે આને મેનેજમેન્ટ કહેવાય. પોતાના અને પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરવી, એમની રક્ષા કરવી, ક્યાં કેટલો સમય અને કેવી રીતે રહેવું એનું આયોજન કરવું, કબીલામાં રહેવું અને એમાં નેત્ત્રુત્વની નિમણુંક કરવી, અલગ અલગ લોકોને તેમની આવડત અને ક્ષમતા પ્રમાણે કાર્યો સોંપવા વગેરે જેવા દરેક કાર્યોમાં મેનેજમેન્ટ ગૂઢ રીતે સમાયેલું જ છે.

એકલા માનવીથી પારિવારિક માનવીની સફર અને પારિવારિક માનવીથી સામાજિક માનવી અને સામાજિક માનવીથી વૈશ્વિક માનવી સુધીની સફળ સફરનું મેનેજમેન્ટ પુરે પૂરું સાક્ષી રહ્યું છે. મેનેજમેન્ટનું આધુનિક ધંધા રોજગારમાં જેટલું મહત્વ છે એટલું જ મહત્વ અંગત જીવનમાં પણ છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જ્હોન એફ. કેનેડીએ એક વાર કહ્યું હતું કે આપણા સમાજમાં મેનેજમેન્ટની ભૂમિકા માનવ પ્રગતિ માટે નિર્ણાયક છે. માનવ અને ભૌતિક સ્રોતોના અસરકારક ઉપયોગ દ્વારા બધા લોકો માટે જીવનધોરણ સુધારવા માટે અસરકારક સંચાલન સિવાય કોઈ રસ્તો નથી. જાણીતા

મેનેજમેન્ટ ગુરુ પીટર એફ. ડ્રકરના મંતવ્ય પ્રમાણે અસરકારક સંચાલન વિકસિત દેશોની સફળતાનો મૂળભૂત સ્ત્રોત રહ્યો છે અને વિકાસશીલ દેશો માટે પણ એ ખુબ જ જરૂરી સ્ત્રોત બની રહેશે. કોઈ પણ સંસ્થાની સફળતા માટે મેનેજરનું કામ ખૂબ જ નિર્ણાયક હોય છે. સંસ્થાકીય માળખું જેટલું જટિલ એટલું જ મેનેજરનું કામ કઠિન અને નિર્ણાયક. તો ચાલો મેનેજમેન્ટ વિષે સમજીએ. મેનેજમેન્ટ સમજતા પહેલા સંસ્થા (organization) શું છે તે સમજવું જરૂરી છે. સંસ્થા એ બે કે તેથી વધુ લોકોથી બનેલું એવું સામાજિક એકમ છે જે નિર્ધારિત લક્ષ્યોને હાંસલ કરવા સતત પ્રયત્નશીલ છે.

આ સંસ્થા વ્યાપારિક, બિન લાભકારી કે સરકારી પણ હોય શકે. કોઈ પણ સંસ્થાના વિકાસમાં મેનેજરનો સિંહફાળો ખુબ જ જરૂરી છે. મેનેજમેન્ટ એ પદ નથી જે મેનેજર ધરાવે છે, મેનેજમેન્ટ એ કાર્યોનો સમૂહ છે જે મેનેજર કરે છે. સરળ ભાષામાં જો કહીએ તો મેનેજમેન્ટ એટલે બીજા પાસે કામ કરાવાની કળા. જ્યોર્જ આર. ટેરીએ પોતાની પરિભાષામાં મેનેજમેન્ટના વિવિધ કાર્યોનો ઉલ્લેખ કર્યો છે. ૧૯૩૭માં લ્યુથર ગુલીક નામના લેખકે સંચાલનના કાર્યોને સરળતાથી સમજવા માટે POSDCORB (પોસ્ડકોર્બ) શબ્દનો ઉલ્લેખ કર્યો હતો.

જેમાં P એટલે પ્લાંનિંગ (આયોજન), O એટલે ઓર્ગેનાઈઝીંગ (ગોઠવણી), S એટલે સ્ટાફિંગ (કર્મચારીઓની વ્યવસ્થા કરવી), D એટલે ડિરેકટીંગ (માર્ગદર્શન આપવું), CO એટલે કોઓર્ડિનેટીંગ (સંકલન), R એટલે રિપોર્ટિંગ (અહેવાલ આપવો) અને B એટલે બજેટિંગ (અંદાજકામ). અલગ અલગ લેખકોએ સંચાલન અને તેના કાર્યોને પોતપોતાની રીતે સમજાવાની કોશિશ કરી છે. અસરકારક સંચાલન માટે નાના મોટા અનેક કાર્યો કરવામાં આવે છે પણ મૂળભૂત રીતે ચાર કાર્યો – પ્લાંનિંગ (આયોજન), ઓર્ગેનાઈઝીંગ (ગોઠવણી), લિડીંગ (દોરવણી) અને કંટ્રોલિંગ (નિયંત્રણ) – ખુબ જ અગત્યના ગણવામાં આવે છે.

આયોજન એક એવી પ્રક્રિયા છે જેમાં લક્ષ્યોને નિર્ધારિત કરવાની, વ્યૂહરચનાની તૈયાર કરવાની અને પ્રવૃત્તિઓનું સંકલન કરવાની યોજનાઓનો સમાવેશ થાય છે. ગોઠવણી એ આયોજનને હજી સૂક્ષ્મ સ્વરૂપ આપે છે અને એમાં કયા નિર્ણય લેવાના છે, કયા કાર્યો કરવાના છે, તે કોણ કરવાનું છે, કાર્યો કેવી રીતે જૂથબદ્ધ કરવાના છે વગેરે નક્કી કરે છે. દોરવણીની પ્રક્રિયામાં અસરકારક સંદેશાવ્યવહાર ચેનલોની પસંદગી, કર્મચારીઓના મતભેદનો ઉકેલ, તેમને પ્રોત્સાહન આપીને યોગ્ય દિશાસૂચન આપવા જેવા મહત્વના કાર્યોનો સમાવેશ થાય છે અને નિયંત્રણની કામગીરીમાં આયોજન દરમ્યાન નક્કી કરવામાં આવેલી પ્રવુતિઓ પર સતત નિરીક્ષણ કરીને જો કોઈ વિચલન જણાય તો એને તાત્કાલિત ધોરણે સુધારીને સંસ્થના ના લક્ષ્યવેધનને એ નકારાત્મક અસર નહીં કરે એ જોવાનું છે. સંચાલનના બધા કાર્યોનું અંતિમ લક્ષ્ય સંસ્થાને વધુમાં વધુ અસરકારક (Effective) અને કાર્યદક્ષ (Efficient) બનવાનું હોય છે.

જયારે તમે સંસ્થાના ધ્યેય સિદ્ધ કરો છો ત્યારે તમે અસરકારક સંચાલન કર્યું એમ કહેવાય. અસરકારકતા વધારવા માટે યોગ્ય નિર્ણયો લેવા ખુબ જરૂરી છે. કાર્યદક્ષતા વધારવા માટે બધા કાર્યોમાં ઉત્પાદકતા (Productivity ) વધારવી અનિવાર્ય છે. ઉત્પાદકતા એટલે ઓછામાં ઓછા નિવેશમાં વધુમાં વધુ પેદાશ મેળવવી. ટૂંકમાં અસરકારકતા એટલે “યોગ્ય વસ્તુઓ કરવી” જયારે કાર્યદક્ષતા એટલે “વસ્તુઓ યોગ્ય રીતે કરવી”. સંસ્થાના ઉચ્ચ સ્તરીય લોકો અસકારકતા માટે જયારે મધ્ય અને નીચલા સ્તરના લોકો કાર્યદક્ષતા માટે વધુ જવાબદાર હોય છે પણ એનો અર્થ એ નથી કે તેઓ બેમાંથી એક કાર્ય માટે બિલકુલ જવાબદાર નથી. સારાંશ એ છે કે સંચાલન એ સાર્વત્રિક, લક્ષ્યાત્મ્ક, સતત પ્રક્રિયા, બહુ-પરિમાણીય, જૂથ કાર્ય, ગતિશીલ અને એવું અદ્રશ્ય બળ છે જે સંસ્થાને જીવંત રાખે છે.

Management-Magic-with-Photo.jpg

Right Click Disabled!