મોટી માટલી પાસે દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બે ઝડપાયા

- જામનગર શખ્સને થાનના સપ્લાયરે દારૂ મોકલ્યો હતો, બંને ફરાર
જામનગર નજીક કાલાવડ ધોરીમાર્ગ પર મોટી માટલી પાસે સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ એક કારને આંતરી ઇંગ્લીશ દારૂની ૧૨૦ બોટલ સાથે રાજકોટના બે શબ્સોએ દબોચી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો જામનગર શખ્સે થાનના સપ્લાય પાસેથી મેળવ્યો હોવાનું ખુલતા પોલીસે દારૂ, કાર સહિત રૂ. ૫.૬૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંને ફરાર સાપની શોધખોળ હાથ ધરી છે. જામનગરમાં એલસીબી પી.આઈ. એમ.જે.જલુના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.બી.ગોજીયા અને કે.કે.ગોહિલના નેતૃત્વમાં પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ સ્ટાફના વનરાજભાઇ મકવાણા, નિર્મળસિંહ જાડેજા અને ફિરોજભાઇ દલ સહિતની ટીમને ઇંગ્લીશ દારૂની હેરા ફેરી મામલે બાતમી મળી હતી.
જેના આધારે મોટી માટલી નજીક રાધે હોટલ પાસે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા એક કારને અટકાવી તેની તલાશી લીધી હતી ત્યારે અંદરથી ઇગ્લીશ દારૂની ૧૨૦ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કાર સવાર જામ કંડોરણા યુવરાજસિંહ ઉર્ફે ભીમ નાથુભા જાડેજા અને રાજકોટના નિર્મળસિંહ ઉર્ફે ભોલો ગુલાબસિંહ જાડેજાને પકડી પાડી રૂ.૪૮ હજારનો દારૂનો જથ્થો, રોકડ, બે મોબાઇલ અને કાર સહિત રૂ.૫.૬૩ લાખની મતા કબ્જે કરી હતી. પોલીસની પૂછપરછમાં આ દારૂનો જથ્થો જામનગરના જયરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા સુરેન્દ્રનગર થાનના જેની પાસેથી મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે સપ્લાય સહિત બંને શખ્સની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. શહેર-જિલ્લામાં તહેવાર પૂર્વે જ બુટલેગરો દારૂ ઘુસાડે એ પૂર્વે જ એલસીબીએ માતબર જથ્થો પકડી પાડતા આવે તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
– રોહિત મેરાણી (જામનગર)
