મોબાઇલ ફોન્સથી કોરોના ફેલાઈ શકે છે : એઇમ્સના ડોક્ટરો

નવી દિલ્હી: કોરોના ચોગચાળો ફેલાયો છે તેની વચ્ચે એઇમ્સના ડોક્ટરોના એસ ગ્રુપે હેલ્થકેર ઈન્સ્ટિટ્યૂટમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી અને ચેતવણી આપી હતી કે મોબાઇલને કારણે આ વાઇરસ ફેલાઇ શકે છે અને હેલ્થકેર કર્મચારીમાં મોબાઇલને કારણે જ કોરોનાનો ચેપ વધુ ફેલાયો છે. બીએમજે ગ્લોબલ હેલ્થ જરનલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર ડોક્ટરોનું કહેવું છે કે મોબાઇલનો પૃષ્ઠભાગ વધુ જોખમી હોય છે જે હાથ ધોયા હોય તો પણ તે મોં અને ચહેરાના સીધા સંપર્કમાં આવે છે અને ચેપ ફેલાય છે. એક અભ્યાસમાં જણાવાયું છે કે હેલ્થકેર કર્મચારીઓ દ્વારા દર બે કલાકમાં પંદર મિનિટ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે.
કોરોના મહામારી દરમિયાન હૂ અને સીડીસી દ્વારા અનેક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, પરંતુ મોબાઇલ ફોનના ઉપયોગ અંગે કંઇ પણ જણાવવામાં આવ્યું નથી. હૂની માર્ગદર્શિકામાં પણ ફક્ત હાથ ધોવા અંગે જ ભલામણ કરવામાં આવી હોવાનું અહેવાલમાં વધુમાં જણાવાયું હતું. મોબાઇલ ફોનનો ઉપયોગ દર્દી અથવા અન્ય મેડિકલ સંબંધિત કાર્ય માટે વારંવાર વાપરવામાં આવતો હોય છે. એઇમ્સના ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિટી એન્ડ ફેમિલી મેડિસિનના ડો. વિનીત કુમાર પાઠક, ડો. સુનીલ કુમાર પાનીગ્રાહી, ડો. એમ. મોહન કુમાર, ડો. ઉત્સવ રાજ અને ડો. કરપગા પ્રિયા પીએ આ અહેવાલ તૈયાર કર્યો હતો. ‘માસ્ક, ગોગલ અને ટોપી પછી કદાચ મોબાઇલ ફોન જ ચહેરો, નાક અને આંખના સંપર્કમાં આવતો હશે’, એમ ડોક્ટરોની ટીમે જણાવ્યું હતું.
