રાજકોટમાં કોરોનાના કારણે પોલીસે પરેડ રદ્દ કરીઃ ઓનલાઇન ફરિયાદ કરવા અપીલ

રાજકોટમાં કોરોનાના કારણે પોલીસે પરેડ રદ્દ કરીઃ ઓનલાઇન ફરિયાદ કરવા અપીલ
Spread the love

રાજકોટ,
સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં પણ કોરોના દિવસેને દિવસે નવા કેસો સામે આવી રહ્યા છે. રાજકોટમાં પણ કોરોનાનો એક કેસ સામે આવ્યો છે. આ મહામારીને વધુ ફેલાતી અટકાવવા માટે સમગ્ર દેશની માફક રાજકોટમાં પણ અલગ અલગ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પોલીસ વિભાગમાં પણ કોરોના સામે સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. ૩૧ માર્ચ સુધી પોલીસ પરેડ અને રોલકોલ રદ્દ કરવામાં આવ્યા છે. તેમજ અરજદારોની ફરીયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન આવવાના બદલે ઓનલાઈન ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.
મહામારી સમાન કોરોના વાઈરસ સામે લીધેલા સાવચેતીના પગલાઓ અંગે વિગતો આપતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જીવલેણ કોરોના વાઈરસથી રાજકોટ શહેર પોલીસને રક્ષણ મળી રહે તેમજ કોરોના વાઈરસની મહામારી અટકે તે હેતુથી તમામ પોલીસ સ્ટેશનો ખાતે સેનિટાઈઝર તથા માસ્કની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમજ ટ્રાફીક ડીપાર્ટમેન્ટમાં તમામ કર્મચારીઓ તથા ટ્રાફીક વોર્ડનના જવાનોને પણ માસ્ક આપવામાં આવ્યા છે અને ફરજ દરમિયાન માસ્ક પહેરવા સુચના આપી છે.

પોલીસ કમિશ્નરે વધુમાં જણાવ્યું હતું કે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને જનતા સીધા સંપર્કમાં આવતી હોય ત્યારે સાવચેતી રૂપે અને આ મહામારી ફેલાતી અટકાઈ તે હેતુસર જનતાને રૂબરૂ પોલીસ સ્ટેશને આવવાનું ટાળી ઓનલાઈન ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે. ઈ-મેઈલ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ મારફત કે અરજી કરવા જણાવાયું છે. તેમજ જરૂરીયાત જણાય તેવા કેસમાં અરજદારને મોબાઈલ પર વીડિયો કોલીંગથી સાંભળવામાં આવશે.

Right Click Disabled!