રાજકોટ : સિવિલમાં કોવિડ હોસ્પિટલ રેડઝોન જાહેર કરી પ્રવેશબંધી

રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ છેલ્લા ઘણા દિવસોથી વિવાદથી ઘેરાયેલી છે. કોરોનાના મૃતકોની લાશના થપ્પા પડ્યા રહેતા હોય અને મોતનો મલાજો પણ જળવાતો ન હોવાના મીડીયામાં રીપોર્ટ આવતા સિવિલના કોવિડ હોસ્પિટલની પોલ ખૂલી જતા તંત્ર સફાળુ જાગી ઉઠ્યું હતું. કોવિડ હોસ્પિટલમાં અનેક ફેરફારો કરી રીતસરની પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં પાસ સિસ્ટમ મૂકવામાં આવ્યા બાદ સગા સંબંધિઓ માટે નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.
અત્યાર સુધી દર્દીના પરિવારજનો કોવિડ કેમ્પસમાં રહેતા હતા. પરંતુ, હવે કોવિડ બિલ્ડીંગ અને કેમ્પસ સહિતના આસપાસના વિસ્તારને રેડઝોન જાહેર કરવામાં આવ્યો છે. સિવિલમાં ખાસ પ્રકારના ચિતરામણા કરવામાં આવ્યા છે. કોવિડ વિભાગમાં પ્રવેશતા તમામ રસ્તઓ ઉપર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દઈ કોઈપણ વ્યકિતને પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી છે. દર્દીના સગાને પણ કોવિડ વિભાગમાં પ્રવેશ આપવામાં આવતો ન હોવાથી દર્દીના પરિવારજનોમાં રોષ ઉભો થયો છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
