રાજપરમાં વીજળી પડતા શ્રમિકનું મોત

Spread the love
  • કાલાવડના અરલા પંથકમાં વીજળી પડતા ચાર બકરાનો ભોગ લેવાયો
  • ધ્રોલમાં અડધો ઇંચ, અન્યત્ર ઝાપટા વરસ્યા
  • કાલાવડ-લાલપુરમાં પોણા ઇંચ

ધ્રોલ અને કાલાવડ પંથકમાં બુધવારે બપોર ફરી આભમાં છવાયેલા કાળાડિબાંગ વાદળો વરસવાનું શરૂ કર્યું હતુ. જેમાં લાલપુર અને કાલાવડમાં પોણો ઇંચ જેટલો વરસાદ રાત્રી સુધીમાં નોંધાયા હતો. જયારે ધ્રોલ પંથકમાં અડધો ઇંચથી વધુ પાણી વરસ્યું હતું. રાજપર ગામમાં વીજળી ત્રાટકતા પરપ્રાંતિય શ્રમિક યુવાને જીવ ગુમાવ્યો હતો. જામનગર શહેર સહિત જિલ્લાભરમાં મોટા ભાગના સ્થળે બુધવારે બપોર બાદ ફરી મેઘાવી માહોલ છવાયો હતો. જેમાં ધ્રોલ પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને વાદળોના ગડગડાટ વચ્ચે બપોરે ચાર વાગ્યાના સુમારે શરૂ થયેલા વરસાદે એકાદ કલાક સુધી મુકામ કરતા 14 મીમી પાણી વરસ્યું હતું.

જયારે ગ્રામ્ય પંથકમાં અડધાથી એકાદ ઇંચ સુધીના વરસાદના વાવડ મળ્યા છે. બીજી બાજુ ધ્રોલ રાજપર ગામની ગામમાં રહેતા અને ખેત મજૂરી કરતા નિલેશભાઇ ગરાસીયા (ઉં.વ.35) નામનો શ્રમિક યુવાન સહીતના મજૂર ત્યાં વાડીમાં મગફળીના પાકમાં નિંદામણ કામ કરી રહ્યા હતા જે વેળાએ એકાએક વરસાદી વીજળી ત્રાટકતા તેને બેભાન હાલતમાં તાકીદે 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો.

કાલાવડ અને લાલપુર પંથકમાં સાંજે ચાર વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદે મોડી સાંજ સુધી હળવી બારે મેઘ મહેર વરસાવતા અનુક્રમે 17 અને 16 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે કાલાવડ તાલુકાના અરલા ગામે મોડી સાંજે વરસાદી માહોલ વચ્ચે વીજળી ત્રાટકતા ચાર બકરાએ જીવ ગુમાવ્યા હોવાના વાવડ મળ્યા છે. શહેર-જિલ્લામાં રાત્રે પણ મેઘાવી માહોલ યથાવત રહ્યો છે.

– રોહિત આર. મેરાણી (જામનગર)

Right Click Disabled!