રાજપીપલા : સેલંબા બ્રીજ સ્ટ્રકચરના પ્રગતિ હેઠળના કામો સંદર્ભે ભારે વાહનોને અપાયેલું ડાયવર્ઝન

Spread the love

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા નવાગામ જાવલી રોડ (ઓ.ડી.આર) પર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના કુલ ૫(પાંચ) બ્રીજ સ્ટ્રકચર મંજૂર થયેલા અને પ્રગતિ હેઠળના પાંચ બ્રીજ સ્ટ્રકચર પાસે ડાઈવર્ઝન બનાવેલ છે. પરંતુ હાલમાં ચોમાસાની ઋતુ દરમ્યાન મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી બનાવેલ ડાઈવર્ઝનને વારંવાર થતા નુકશાન તેમજ પાણી ચાલુ હોય ત્યાં સુધી રસ્તો બંધ કરવાની ફરજ પડતી હોવા ઉપરાંત સ્ટ્રકચરના બંને છેડે આવેલા ગામોના વાહન વ્યવહારને થતી વ્યાપક અસરને અટકાવવાના હેતુસર નર્મદાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તા. ૨૪ મી જુન, ૨૦૨૦ થી તા. ૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૦ સુધી ભારે વાહનોની અવરજવર માટેનો રૂટ ડાઈવર્ઝન જાહેર કરતો હુકમ કર્યો છે.

તદઅનુસાર, સેલંબા નવાગામ જાવલી રોડ (ઓ.ડી.આર) રસ્તા પરના બ્રીજ સ્ટ્રકચરના પ્રગતિ હેઠળના કામોથી અસર પામેલ ધવલીવેર, ભાદડ, પરોઢી, આવલીકુંડ, ખૈરપાડા, બર્કતુરા અને કોલવાણ ગામો માટે ભારે વાહનો માટે કરાયેલી વૈકલ્પિક વ્યવસ્થા મુજબ ભોગવડ ગામેથી પેચરીદેવ થઇને નેશનલ હાઇવે તરફ ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. તેવી જ રીતે ઉક્ત કામોથી અસર પામેલ કોલવાણ, રાણીપુર, કહાલપુર, પલાસવાડા, ઉમાન, નવાગામ (જાવલી), જાવલી (નવાગામ) અને ચાટુવાડ ગામો માટે ભારે વાહનો માટે કરાયેલી વૈકલ્પિક વ્યવસ્થા મુજબ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના ખાપર ગામે થઈને નેશનલ હાઈવે તરફ ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Right Click Disabled!