લંઘાવાડમાં મકાન બાબતે મનદુ:ખમાં અથડામણ

- હોસ્પિટલમાં પણ સામસામે આવી ગયા
જામનગર લંઘાવડના ઢાળીયા તથા દેવુભા ચોક પાસે ગઈકાલે રાત્રે બે વાઘેર જૂથ વચ્ચે મકાન બાબતે ચાલતા જુના મનદુઃખના કારણે સશસ્ત્ર મારામારી થઈ હતી જેમાં ચારથી વધુને ઈજા થઈ છે બાદમાં બંને ઘાયલ પક્ષો હોસ્પિટલ ખસેડાતા ત્યાં પણ તંગદિલીનું વાતાવરણ સર્જાતા પોલીસ દોડી ગઈ હતી. પોલીસે હત્યાનો પ્રયાસ રાયોટીંગની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે. જામનગરના લંઘાવાડના ઢાળીયા પાસેથી ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યે વાઘેરવાડામાં રહેતા મહમદઅલી સુલેમાન મકવાણા નામના વાઘેર યુવાન પસાર થતા હતા ત્યારે તેમને હેદર અબ્રાહમ ગજીયા, મોહન સબીરભાઈ ગજીયા, સજ્જાદ સબીરભાઈ, ઈબ્રાહીમભાઈ તથા ફરઝાના ઈબ્રાહીમ, ઈબ્રાહીમ જુમાભાઈ અને શબીર જુમાભાઈ આંતરી લઇ છરી, મુઠ, ઢીકાપાટુ વડે હુમલો કર્યો હતો. મોહીબ અલી મકવાણાના સંબંધીના મકાન બાબતે હૈદર ગજીયા સાથે ઝઘડો ચાલતો હતો તેનું મનદુખ રાખી આ હુમલો થયો હતો. વચ્ચે પડનાર જુલેખાબેન, મુસ્તાક સલીમ, રઝાક સુલેમાન સાચા પણ માર મારવામાં આવ્યો હતો.
મહમદ અલીને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે તેને ફરિયાદ પરથી હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ ફરિયાદ સામે ફરજાનાબેન ઈબ્રાહીમભાઈ ગજીયા એ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તે જણાવ્યા મુજબ તેમના કુટુંબના મકાન બાબતે ચાલતા ઝઘડાનું મનદુઃખ રાખી ગઈકાલે રાત્રે લંઘાવડના ઢાળીયા પાસે મોહીનઅલી મહેબુબ અલી મકવાણા, મોહમદ અલી સુલેમાન, ઈસ્માઈલ ચામડીયા ઉર્ફે ચાચા, જાકિર ઈબ્રાહીમ સાયમા, હુસૈન સુલેમાન સોચા, રઝાક સુલેમાન અને મુસ્તાક સલીમ નામના ૭ શખ્સ હૈદર ઈબ્રાહીમ પર છરી વડે હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. વચ્ચે પડનાર ફરજાના બેન, મોહન ગજીયા પણ છરી તથા પાઈપ ઝીંકવામાં આવ્યા હતા. બંને પક્ષોના ઘાયલોને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં પણ બોલાચાલી અને છૂટક મારામારી થતાં પોલીસ દોડી ગઈ હતી અને બંદોબસ્ત ગોઠવી લીધો હતો. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી ગુન્હો નોંધી આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
– રોહિત મેરાણી (જામનગર)
