વડોદરામાં કુલી ભાઈઓને રાહત સામગ્રીનું વિતરણ કરાયું

વડોદરામાં કુલી ભાઈઓને રાહત સામગ્રીનું વિતરણ કરાયું
Spread the love
  • સારી દુનિયા કા બોઝ હમ ઉઠાતે હૈ
  • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેલવે સ્ટેશન પર માલ વહન કરતા શ્રમિકો(કુલી ભાઈઓ)ને ખાદ્ય સામગ્રીના વિતરણના આયોજનથી 180 શ્રમજીવી પરિવારોમાં રાહત ની લાગણી
  • રેલવે બંધ એટલે અમારી રોજી બંધ અમે રોજ કમાઈને ખાનારા…હાલ સંકટના સમયમાં આ ખાદ્ય કીટ ખૂબ રાહત આપનારી છે…કુલી ભાઈઓ..
  • આ લાલ વર્દી ધારી શ્રમિકો એ વિશેષ ટ્રેનોના પ્રવાસીઓની વ્યવસ્થા કરવામાં ખૂબ મદદ કરી છે. એમની મોટી મદદ સામે અમે આ નાનકડી મદદ કરી છે : પોલીસ કમિશનર – કલેકટર

વડોદરા,
રેલવે બંધ હોવાથી છેલ્લા ઘણાં સમય થી એ લાલ વર્દી ધારી અને લોગ આતે હૈ લોગ જાતે હૈ સારી દુનિયા કા બોઝ હમ ઊઠાતે હૈ , એ ફિલ્મી ગીતને સાર્થક કરતાં રેલવે સ્ટેશનના મુસાફરોનો માલસામાન અને માલગાડી ના માલસામાન નું વહન કરતા પરિશ્રમી કુલી ભાઈઓની રોજગારી બંધ છે. એ લોકો કાગ ડોળે રેલવે ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છે કારણ કે રેલવે ચાલે તો એમની રોજગારી ચાલે અને સંસાર ચાલે.

લોક ડાઉન ના કપરા સમયમાં આ સ્વમાની શ્રમિકોની વિપદા સમજીને પોલીસ કમિશનરશ્રી તેમજ જિલ્લા કલેકટરશ્રી ના દિશાસૂચન થી જિલ્લા વહીવટી તંત્રે ફૂડ કમિટીના માધ્યમ થી રેલવે કુલી ભાઈઓને કરિયાણા કિટના વિતરણના કરેલા આયોજન થી 180 પરિવારોમાં સુખદ રાહતની લાગણી પ્રસરી છે.

તેના ભાગરૂપે રેલવે સ્ટેશન ખાતે શ્રી અનુપમસિંહજી ગહલૌત અને શ્રીમતી શાલિની અગ્રવાલે વહીવટી તંત્રની શુભકામના ના પ્રતિક રૂપે 5 કુલી ભાઈઓને ખાદ્ય સામગ્રી કીટ નું વિતરણ કર્યું હતું.ફૂડ કમિટી દ્વારા 2 દિવસમાં તમામ લાભાર્થીઓને બાકીની 175 કિટ્સ નું વિતરણ કરી દેવામાં આવશે.

રેલવે બંધ હોવાથી રોજગારી બંધ હોવા છતાં કુલી ભાઈઓએ હાલમાં વિશેષ ટ્રેન દ્વારા યુપી,બિહાર,ઝારખંડ,આસામ જેવા રાજ્યોમાં જતા શ્રમિકોની રેલવે સ્ટેશન ખાતે વ્યવસ્થા સાચવવામાં ઘણી મોટી મદદ કરી છે એવી લાગણી વ્યક્ત કરતાં પોલીસ કમિશનરશ્રી એ જણાવ્યું કે એમની સેવા સામે આ ઘણી નાની મદદ છે.હું એમના હૌસલા ને બિરદાવું છું.
આ રાશન કીટ કુલી ભાઈઓના પરિવારોને ખૂબ ઉપયોગી થઇ પડશે એવી લાગણી વ્યક્ત કરતાં શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે પ્રવાસી શ્રમિકોને ફૂડ પેકેટ ઇત્યાદિના વિતરણમાં આ લોકોએ રાત દિવસ મદદ કરી છે.હું એમની સેવાઓને બિરદાવું છું.

કુલી મુકાદમ ગજાનંદ, રાજુ ભાઈ ઠાકોર,રતનસિંહ એ જણાવ્યું કે રેલવે ચાલે એટલે અમારી રોજી ચાલે.રેલવે બંધ છે એટલે અમારી રોજી બંધ છે.તેવા સમયે આ મદદ ખૂબ કામ આવશે.અગાઉ રેલવે એ પણ ખાદ્ય સામગ્રીની મદદ કરી છે.હવે રેલવે ચાલુ થવાની અમને પ્રતીક્ષા છે. ફૂડ કમિટીના સુકાની અને નાયબ કલેકટર ખ્યાતિ પટેલે જણાવ્યું કે આ કીટ માં રસોઈ માટે જરૂરી કરિયાણાનો સમાવેશ થાય છે.

Right Click Disabled!