વડોદરા ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ

વડોદરા ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ
Spread the love

વડોદરા ,
વડોદરા જિલ્લા પ્રિન્સીપાલ અને સેશન્સ જજશ્રી ડૉ. એ.સી. જોષી અને જોઇન્ટ સીપી શ્રી કેશરીસિંહ ભાટી સહિતનાઓએ દીપ પ્રગટાવી વડોદરા સ્થિત ન્યાયમંદિર ખાતે રાષ્ટ્રીય લોક અદાલત કાર્યક્રમને ખૂલ્લો મૂકયો હતો.
વડોદરા જિલ્લા પ્રિન્સીપાલ અને સેશન્સ જજશ્રી ડૉ. એ.સી. જોષીએ જણાવ્યું કે, લોકોના કેસોનું નિરાકરણ થાય અને તેમને ન્યાય મળી રહે તે લોક અદાલતનો આશય છે. લોકોમાં લોક અદાલત વિશે જાગૃત્તિ આવે તે જરૂરી છે. લોકોને ન્યાયપાલિકામાં વિશ્વાસ છે અને તે વિશ્વાસ જળવાઇ રહે તે જોવાની ફરજ ન્યાયતંત્ર સાથે જોડાયેલા તમામની છે. રાષ્ટ્રીય લોક અદાલતમાં ૧,૫૦૦ જેટલા કેસનો નિકાલ કરવાની નેમ હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતુ. તેમણે અભિનંદન સહ આભારની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, કેસોના નિકાલ કરવામાં વહીવટીતંત્ર અને પોલીસનો સહયોગ સાંપડ્યો છે, આથી કેસના નિરાકરણ માટે ઘણી સરળતા ઉભી થઇ છે.

જોઇન્ટ સીપી શ્રી કેશરીસિંહ ભાટીએ દ્રષ્ટાંત ટાંકતા જણાવ્યું કે, લશ્કરનો સેનાપતિ પ્રેરણા પૂરી પાડે અને લશ્કર આધારસ્તંભ બને ત્યારે બધે લડી શકાય તે રીતે ન્યાયતંત્રમાં પણ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરી કેસના નિકાલ માટે તમામનો સહકાર જરૂરી છે. બંધારણમાં ન્યાયપાલિકાને અલગ સ્થાન આપવામાં આવ્યું છે. સમાધાનકારી વલણ અપનાવી લોકોને ન્યાય મળી રહે તે માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે.
શાબ્દિક સ્વાગત કરતા એડિશનલ જજશ્રી કે.એમ. સોજીત્રાએ જણાવ્યું કે, સમાધાન સંધાશે, સમજણને સમજાવી પક્ષકારોના કેસનો નિકાલ કરવો એટલે લોક અદાલત. સામાન્ય અને છેવાડાના લોકોને પણ ન્યાય મળી રહે તે રીતે કેસના નિકાલની કામગીરી કરવામાં આવે છે.

વડોદરા બાર એસોશિએશન પ્રમુખશ્રી હસમુખ ભટ્ટે પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું કે, લોકો માટે આયોજિત કરવામાં આવતી અદાલત એટલે લોક અદાલત. દિવાળીપુરા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જજશ્રીઓ, પોલીસ, કાયદા સહિતના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ, એનજીઓ, કાયદાના વિદ્યાર્થીઓ, પેરા લીગલ સર્વિસ સહિતના સર્વે ઉપસ્થિત રહ્યા હતા.

Right Click Disabled!