વાવાઝોડાથી ઓડિશા અને બંગાળમાં ભારે જાનહાનિ

વાવાઝોડાથી ઓડિશા અને બંગાળમાં ભારે જાનહાનિ
Spread the love

કોલકાતા: વાવાઝોડા એમ્ફાનને કારણે પ. બંગાળ અને ઓડિશામાં ભારે તારાજી થઈ હતી. વાવાઝોડાને કારણે પ. બંગાળમાં ઓછામાં ઓછાં ૭૨ જણનાં મોત નીપજ્યાં હોવાનું મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ગુરુવારે કહ્યું હતું. વાવાઝોડામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને બે થી અઢી લાખ રૂપિયાનું વળતર આપવાની મમતા બેનરજીએ જાહેરાત કરી હતી. એમ્ફાન વાવાઝોડાની અસર કોરોના વાઈરસ કરતા વધુ વિનાશક છે એમ જણાવી મમતા બેનરજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાની અને તેમનાં પુનર્વસન માટે મદદ કરવાની વિનંતી કરી હતી. વાવાઝોડાને કારણે રાજ્યના ઉત્તર અને દક્ષિણ પરગણા એમ બે જિલ્લા સંપૂર્ણપણે નાશ પામ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

આ જિલ્લાઓનું નવેસરથી નિર્માણ કરવું પડશે અને તે માટે સહાય કરવાની અમે કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ, એમ તેમણે કહ્યું હતું. જલદી જ હું અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈશ અને પુનર્વસનનું કામ પણ તાબડતોબ શરૂ કરવામાં આવશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ઉત્તર અને દક્ષિણ પરગણા ઉપરાંત કોલકાતાનો મોટાભાગનો વિસ્તાર બુધવારે સાંજથી જ અંધારપટનો સામનો કરી રહ્યા છે. ટેલિફોન અને મોબાઈલ સેવા પણ ખોરવાઈ ગઈ છે, એમ તેમણે કહ્યું હતું.

આવું ભયાનક વાવાઝોડું અને વિનાશ મેં જીવનમાં અગાઉ ક્યારેય નથી નિહાળ્યા એમ જણાવી તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાની વિનંતી કરી હતી. હવામાન ખાતાના જણાવ્યાનુસાર એમ્ફાન રાજ્યમાં છેલ્લાં ૧૦૦ વર્ષમાં આવેલું સૌથી વિનાશક વાવાઝોડું છે. ઝાડ પડી જવાને કારણે પણ અનેક લોકોનાં મોત નીપજ્યાં હોવાનું તેમણે કહ્યું હતું. ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડાને કારણે કોલકાતામાં અનેક કાર ઊંધી વળી ગઈ હતી અને વીજળીનાં સેંકડો થાંભલા પડી જતાં રસ્તા પર અવરોધ ઊભો થયો હતો અને ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ હતી. વાવાઝોડાને કારણે હજારો લોકો બેઘર બની ગયા હતા એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે

મધ્ય કોલકાતામાં વડનાં ઝાડ નીચે આવેલું એક મંદિર પણ ઊખડી ગયું હતું. નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. અનેક ધોકાદાયક ઈમારતોનો આંશિક હિસ્સો તૂટી પડ્યો હતો. વાવાઝોડાને કારણે દક્ષિણ ૨૪ પરગણાસ્થિત ચાર જેટ્ટી તૂટી પડી હતી તો પાકને પણ ભારે નુકસાન થયું હતું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફૉર્સ-એનડીઆરએફ અને સ્ટેટ ડિઝાસ્ટર રીલિફ ફૉર્સ (એસડીઆરએફ)ની ટુકડીઓ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ હતી. અનેક આશ્રયસ્થાનોમાં લોકો ભોજન મેળવવા માટે ફાંફાં મારી રહ્યા હતા.

પાંચ લાખ કરતા પણ વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ડૉપલર વૅધર રડારની મદદથી વાવાઝોડા પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોેડાને પગલે કોલકાતા હવાઈમથકે કાર્ગો વિમાનની અવરજવર પણ ૨૧મી મે સુધી સ્થગિત કરી દેવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. પરિસ્થિતિ પર અંકુશ મેળવવા એનડીઆરએફની ૩૬ અને ઓડીઆરએએફની ૧૨ ટુકડી ગોઠવી દેવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

desh-01_65754PM_1.jpg

Right Click Disabled!