વાવોલ વિસ્તાર વિકાસ સમિતિ દ્વારા બે “આનંદની દિવાલ” અને “તરતું પુસ્તકાલય”નું લોકાર્પણ

- વાંચન વિકસે તો જ્ઞાન વિકસે અને જ્ઞાન વિકસે તો જ વિજ્ઞાન વિકસે : પૂ. મધુસુદનદાસજી
ગાંધીનગર : વાવોલમાં છેલ્લાં ત્રણેક વર્ષથી સમગ્ર વાવોલ વિસ્તારના વિવિધ પ્રશ્નો માટે હકારાત્મક અભિગમ સાથે ઉકેલવા પ્રયાસ ઉપરાંત રચનાત્મક પ્રવૃતિ કરતી બિનરાજકિય સ્વયંસેવકોની વાવોલ વિસ્તાર વિકાસ સમિતિ પ્રેરીત બે “આનંદની દિવાલ” અને એક “તરતું પુસ્તકાલય” લાયબ્રેરીનો શુભારંભ કાર્યક્રમ તા.૧૨મી સપ્ટેમ્બર શનિવારના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમ અનુસાર સવારે ૯.૧૦ કલાકે કોલવડા ચોકડી નજીક જોગણી માતાના મંદિર પાસે અને ૯.૨૫ કલાકે ઉવારસદ રોડ પર ગુડા ડ્રેનેજ સંપ સ્ટેશન પાસે અેમ કુલ બે “આનંદની દિવાલ”નું લોકાર્પણ યોજાયું હતું.
આ પછી વાવોલ ગામમાં સુર્યા સીનેમાની બાજુમાં શનિદેવ મંદિર ખાતે ૦૯.૩૦ કલાકે “તરતું પુસ્તકાલય” લાયબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્રણેય લોકાર્પણ વાવોલના પૂજનીય સંત રામધામના મહંત પૂ.મધુસુદનદાસજી મહારાજના વરદ હસ્તે યોજાયા હતા. આનંદની દિવાલનું લોકાર્પણ કરતાં વાવોલ રામધામના મહંત પૂ. મધુસુદનદાસજી મહારાજે આશિર્વચન આપતા કહ્યું હતું કે “આ એક ઉત્તમ વિચાર છે જેમાં આપનારને દાન કરવાનો આનંદ અને પુણ્ય તો મળે જ છે પરંતુ તે સાથે લેનારને ક્ષોભમાં પડવું નથી પડતું તેથી તેને પોતાની જરૂરિયાતની ચીજવસ્તુ પામવાનો પણ આનંદ પ્રાપ્ત થાય છે.”
શનિ મંદિર ખાતે લાયબ્રેરીનું લોકાર્પણ કરતાં મહંતપૂ. મધુસુદનદાસજી મહારાજે કહ્યું હતું કે “વાંચન વિકસે તો જ્ઞાન વિકસે અને જ્ઞાન વિકસે તો જ વિજ્ઞાન વિકસે, વાંચન વ્યક્તિની પ્રતિભાને નિખારવા સાથે સદગુણોને ખિલાવવાનું કામ કરે છે પરંતુ આજકાલ વાંચન પ્રવૃતિ ઓછી થતી જાય છે જે ચિંતાજનક છે ત્યારે વાવોલ વિસ્તાર વિકાસ સમિતિનો પુસ્તકાલય શરૂ કરવાનો પ્રયાસ ખૂબ ઉમદા છે”.
કાર્યક્રમના સમાપને મહંત પૂ. મધુસુદનદાસજી મહારાજ અને શનીદેવ મંદિરના પૂજારી સુરેશભાઇ ભટ્ટનું વાવોલ વિસ્તાર વિકાસ સમિતિ દ્વારા સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્રણેય કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક સહિતની કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું અને મર્યાદિત સંખ્યાંમાં વાવોલ વિસ્તાર વિકાસ સમિતિના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
