વીરડા વાજડીમાં મિત્રો સાથે નદીમાં ન્હાવા પડેલા બેના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યાં

Spread the love
  • બપોરે પાંચ મિત્રો ધુબાકા મારવા ગયા
  • બંને ભાઈઓ ઊંડા પાણીમાં ઉતર્યા અને મૃતદેહ હાથ આવ્યા
  • ઘટનાથી ગભરાઈ ગયેલા અન્ય ત્રણ મિત્રો નાસી ગયા
  • ગામના તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા

રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પરના વીરડા વાજડી ગામે નદીમાં મિત્રો સાથે ન્હાવા પડેલા બે પિતરાઇના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા, બબ્બે પુત્રના મોતથી પરિવારજનો શોકની દરિયામાં ગરક થઇ ગયા હતા. વિરડા વાજડી માં રહેતો અર્જુન પુનાભાઇ સુરેલા (ઉ.વ.15) અને તેના સગા કાકાનો પુત્ર ધીરૂ મુકેશભાઈ સુરેલા (ઉ.વ.18) બુધવારે બપોરે 3.30 વાગ્યે તેના અન્ય ત્રણ મિત્રો સાથે ગામમાં આવેલી નદીમાં ન્હાવા ગયા હતા.

બે મિત્રો ડૂબતો જોઈ, ત્રણ મિત્રો નાસી ગયા
પાંચેય મિત્રો પાણીમાં ધુબાકા મારવાની મોજ માણી રહ્યા હતા ત્યારે અર્જુન અને ધીરુ ઊંડા પાણીમાં જતાં બંને ડૂબવા લાગ્યા હતા, નજર સામે જ મિત્રો ડૂબતા છીછરા પાણીમાં નહાઈ રહેલા ત્રણ યુવક નદીમાંથી બહાર નીકળીને નાસી ગયા હતા, જે પૈકી રાહુલ નામના તરુણે ગામમાં જઈ ઘટનાની જાણ કરતાં ગ્રામજનો નદીએ દોડી ગયા હતા અને ગામનાં તરવૈયાઓએ નદીમાં કૂદાવી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતાં.

બંને પુત્રના મોતથી પરિવારમાં શોક
ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ધોળા, પીએસઆઇ આહિર અને એએસઆઇ ખાંભલા સહિતની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અર્જુન ત્રણ ભાઈમાં નાનો હતો અને ગામમાં જ આવેલી સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. જ્યારે ધીરૂ બે ભાઈમાં મોટો હતો અને મજૂરી કામ કરતો હતો. બબ્બે પુત્રના મોતથી સુરેલા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

– રોહિત આર. મેરાણી (જામનગર)

Right Click Disabled!